પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
ગાંધીજીનો અક્ષરદેહ

આવે છે અને તેમનામાંના થોડા તદ્દન પ્રમાણિકપણે રોજી નહીં મેળવતા હોય તો તે બીના દિલગીર થવા જેવી છે. એટલે હિંદીઓના મતનું પ્રમાણ નુકસાન કરી નાખવાની હદ સુધી વધી જાય એવી બીક રાખવાની વાત પાયા વગરની છે.

અને હિંદીઓમાંના થોડા પાસે મત છે તે પણ કોઈ રીતે નાતાલના રાજકાજ પર અસર કરે એટલા નથી. હિંદીઓને માટે પ્રતિનિધિત્વ મેળવવાનું બુમરાણ મચાવનારા હિંદી પક્ષની બધી વાતો કાલ્પનિક હોઈ મિથ્યા છે કેમ કે પસંદગી આખરે બે ગોરાઓમાંથી એકની કરવાની રહે છે. એટલે થોડા હિંદીઓ પાસે મતનો અધિકાર છે તે વાતનું મહત્ત્વ ઝાઝું ખરું કે ? એ થોડા મતથી વધારેમાં વધારે એટલું થાય કે હિંદીઓને પૂરેપૂરો ગોરો પ્રતિનિધિ મળે અને તે પોતાના વચનને વફાદારીથી પાળે તો ઍસેમ્બલી [ધારાસભા]માં તેમને સારું કામ આપે. અને આવા એક કે બે સભ્ય મળીને હિંદી પક્ષની રચના કરે એ વાતની કલ્પના કરી જુઓ ! અને, તેઓ અથવા ખરું પૂછો તો તે એક જણ પણ અરણ્યરુદન કરવાવાળો કોઈક જૉન [૧] હૃદયપરિવર્તન કરવાની વીજળિક અથવા મારે કહેવું જોઈએ કે દિવ્ય શક્તિ વગરનો હશે. જુદાં જુદાં લધુમતી હિતોનું પ્રતિનિધિત્વ ધરાવનારા મજબૂત નાના નાના પક્ષોનું પણ સામ્રાજ્યની પાર્લમેન્ટમાં ઝાઝું કંઈ વળતું નથી. કોઈક પ્રધાનને એ પક્ષો બહુ તો થોડા આડાઅવળા સવાલો પૂછી મૂંઝવી કે હેરાન કરી શકે અને બીજા દિવસનાં સવારનાં છાપાંમાં પોતાનાં નામ છપાયેલાં જોવાનું સમાધાન લઈ શકે.

બીજું, તમે એવું માનો છો કે તેઓ (હિંદીઓ) મત આપવાને લાયક ગણાય તેટલા સુધરેલા નથી; અને સુધારાના દરજજામાં યુરોપિયનોની સાથે બેસી શકે એવા તો હરગિજ નથી. નહીં હોય, સંભવ છે. પણ એ વાતનો બધો આધાર તમે “સુધારો” શબ્દનો અર્થ શો કરો તેના પર છે. આ બાબતની ચકાસણી કરવાની વાતમાંથી ઊભા થતા બધા સવાલોની પૂરી ચર્ચામાં ઊતરવાનું બની શકે એવું નથી. પણ એટલો નિર્દેશ કરવાની હું રજા લઉં કે હિંદુસ્તાનમાં તેઓ આ અધિકારો ભોગવે છે. ૧૮૫૮ની સાલનો રાણીનો ઢંઢેરો જેને યોગ્ય અને સાચી રીતે હિંદીઓનો મેગ્ના કાર્ટા [વડું હકનામું] કહેવામાં આવે છે તે આ પ્રમાણે છે :

અમારાં બીજાં બધાં પ્રજાજનોની સાથે ફરજનાં જે બંધનોથી અમે બંધાયેલાં છીએ તેવી ફરજનાં બંધનોથી અમારા હિંદુસ્તાનના પ્રદેશના વતનીઓ સાથે અમારી જાતને અમે બંધાયેલી માનીએ છીએ અને સર્વસમર્થ ઈશ્વરની રહેમથી અમે એ ફરજો ધર્મબુદ્ધિથી અને વફાદારીથી અદા કરીશું. અને બની શકે ત્યાં સુધી ગમે તે જાતિનાં અગર ગમે તે ધર્મનાં અમારાં પ્રજાજનોને પોતાની કેળવણી, આવડત અને પ્રમાણિકતાથી જેની ફરજો બજાવવાની લાયકાત હોય તેવી અમારી નોકરીઓમાંની જગ્યાઓ પર છૂટથી તેમ જ નિષ્પક્ષપણે લેવાની અમારી વધારાની ઈચ્છા છે.

હિંદીઓને વિષેના આવા બીજા ઉતારા પણ હું ટાંકી શકું પણ તમારા સૌજન્યનો અત્યાર સુધીમાં મેં , વધારે પડતો ઉપયોગ કરી લીધાનો મને ડર છે. એટલું જોકે ઉમેરી લઉં કે એક હિંદીએ કલકત્તાની વડી અદાલતના હંગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કર્યું છે, સામાન્યપણે અહીંના હિંદી વેપારીઓ જેમના ધર્મબંધુઓ છે તેવા એક હિંદી અલ્લાહાબાદની વડી અદાલતના ન્યાયાધીશ છે; અને એક હિંદી બ્રિટનની પાર્લમેન્ટમાં સભ્ય તરીકે બેસે છે. વળી, સોળમી

  1. ૧. ઈશુના પુરોગામી બેપ્ટિસ્ટ જૉનને ઉલ્લેખ છે,