પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧. પ્રાણપોષક ખેારાકનો અખતરો

આને અખતરો કહી શકાય તો તેનું વર્ણન આપતાં પહેલાં મારે જણાવી લેવું જોઈએ કે મેં પ્રાણપોષક આહાર મુંબઈમાં એક અઠવાડિયા સુધી અજમાવી જોયો હતો; તે ગાળામાં મારા ઘણા મિત્રોને ભોજન વગેરે માટે બોલાવવાનું થયેલું તેથી અને બીજાં કેટલાંક સામાજિક કારણોસર મારે તે છોડી દેવો પડેલો; તે વખતે મને પ્રાણપોષક ખોરાક ઘણો માફક આવેલો; અને તે વખતે હું તે ચાલુ રાખી શકયો હોત તો ઘણો સંભવ છે કે મને ફાવી જાત.

પ્રયોગ કરતો હતો તે દરમિયાન રોજે રોજ રાખેલી નોંધ હું આપું છું.

ऑगस्ट २२, १८९३. પ્રાણપોષક આહારના અખતરાની શરૂઆત કરી. પાછલા બે દિવસથી મને શરદી થઈ છે અને તેની થોડી અસર કાન પર પણ વરતાય છે. ભોજનના ટેબલ પર પીરસવાને માટે વપરાતા બે ચમચા ઘઉંના, એક વટાણાનો, એક ચોખાનો, બે સૂકી લાલ દ્રાક્ષના, આશરે વીસ જેટલાં નાનાં કાછલિયાળાં ફળ, બે નારંગી, અને કોકોનો એક પ્યાલો એટલું સવારના નાસ્તામાં લીધું. કઠોળ અને અનાજ આગલી રાતે પલાળી રાખ્યાં હતાં. નાસ્તો ૪૫ મિનિટમાં પૂરો કર્યો. સવારમાં ઘણી સ્કૂર્તિ જણાયેલી, સાંજે સુસ્તી લાગવા માંડેલી, અને સાથે થોડું માથું દુખેલું. ભોજનમાં રોટલી, શાક વગેરે હંમેશની ચીજો હતી.

ऑगस्ट ૨રૂमी. ભૂખ લાગવાથી રાત્રે થોડા વટાણા લીધેલા. તેથી ઊંઘ સારી ન આવી અને સવારે ઊઠયો ત્યારે મોઢું બેસ્વાદ જણાયું. નાસ્તો અને ભોજન ગઈ કાલનાં જેવાં જ હતાં. આખો દિવસ વાદળાં ઘેરાયેલાં હતાં અને થોડો વરસાદ થયો છતાં મને માથાના દુખાવાની કે શરદીની અસર જણાઈ નહીં. બેકર [૧] સાથે ચા લીધી. તે બિલકુલ માફક ન આવી. પેટમાં દુખાવો થયો.

ऑगस्ट २४मी. સવારે ઊઠતાં બેચેની જણાઈ અને પેટ ભારે લાગ્યું. સવારનો નાસ્તો પહેલાંના જેવો જ હતો; માત્ર વટાણા એક ચમચાને બદલે અર્ધો જ ચમચો લીધેલા. ભોજન રોજના જેવું જ સારું ન લાગ્યું. આખો દિવસ અપચો થયો હોય એવી લાગણી થયા કરી.

ऑगस्ट २५मी. સવારે ઊઠયો ત્યારે પેટમાં ભાર લાગતો હતો. દિવસ દરમિયાન પણ સારું ન લાગ્યું. ભોજનને માટે રુચિ નહોતી. છતાં લીધું તો ખરું. ગઈ કાલે ભોજનમાં વટાણા કાચા હતા. પેટમાં ભાર લાગવાનું કારણ કદાચ એ હોય. દિવસ નમતાં માથું દુખ્યું. ભોજન પછી થોડું કિવનાઈન લીધું. સવારનો નાસ્તો ગઈ કાલના જેવો જ.

ऑगस्ट २६मी. સવારે ઊઠયો ત્યારે પેટ ભારે હતું. સવારના નાસ્તામાં અર્ધો ચમચો વટાણા, અર્ધો ચોખા, અર્ધો ઘઉં, અઢી ચમચા સૂકી લાલ દ્રાક્ષ, દસ અખોડ અને એક નારંગી એટલું લીધું. આખો દિવસ મોઢું બેસ્વાદ રહ્યું. સારું પણ ન લાગ્યું. ભોજન હંમેશના જેવું. સાંજે સાત વાગ્યે એક નારંગી અને. કોકોનો એક પ્યાલો લીધો. અત્યારે ભૂખ જેવું લાગે છે (આઠ વાગ્યે સાંજે) અને છતાં ખાવાની ઇચ્છા નથી. પ્રાણપોષક આહાર માફક આવતો લાગતો નથી.


  1. ૧. વકીલ અને ઉપદેશક, ખ્રિસ્તી ધર્મની ચર્ચા કરનારા અને પ્રિટોરિયામાં ખ્રિસ્તી મિત્રોને પરિચયકરાવી આપનારા ગાંધીજીના મિત્ર એ. ડબલ્યુ. બેકરનો ઉલ્લેખ છે.