પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
પ્રાણપોષક ખોરાકનો અખતરો


ओगस्ट २७मी. સવારમાં કકડીને ભૂખ લાગેલી પણ સારું લાગતું નહોતું. સવારના નાસ્તામાં દોઢ ચમચો ઘઉંનો, બે મોટી સૂકી કાળી દ્રાક્ષ, દસ અખોડ અને એક નારંગી એટલું લીધું. (વટાણા અને ચોખા નથી એ ધ્યાનમાં રાખવા જેવું) દિવસ નમતાં સારું લાગવા માંડેલું. કાલે સુસ્તી લાગવાનું કારણ કદાચ વટાણા ને ચોખા હોય. બપોરના એક વાગ્યે પલાળ્યા વગરના એક ચમચો ઘઉં, એક ચમચો ભરીને કાળી દ્રાક્ષ, અને ચૌદ કાછલિયાળાં નાનાં ફળ એટલું લીધેલું. આમ હંમેશના ભોજનને બદલે પ્રાણપોષક આહાર આવ્યો. મિસ હૅરિસને ત્યાં ચા લીધી (જેમાં રોટી, માખણ, મુરબ્બો અને કોકો એટલું હતું). આ ચા મને બહુ ભાવી અને મને થયું કે જાણે લાંબા ઉપવાસ પછી રોટી ને માખણ ખાઉં છું. ચા લીધા બાદ બહુ ભૂખ લાગી આવી અને નબળાઈ જણાઈ તેથી ઘેર પાછો આવ્યો ત્યારે કોકોનો એક પ્યાલો અને એક નારંગી લીધાં.

ओगस्ट २८मी. સવારમાં મોઢામાં સ્વાદ સારો નહોતો. દોઢ ચમચો ભરીને ઘઉં, બે ચમચા સૂકી કાળી દ્રાક્ષ, વીસ કાછલિયાળાં ફળ, એક નારંગી અને કોકોનો એક પ્યાલો એટલાનો નાસ્તો કર્યો; ભૂખ જેવું અને નબળાઈ જેવું લાગતું હતું તે સિવાય તદ્દન સારું લાગતું હતું. મોઢું પણ સુધર્યું હતું.

ओगस्ट २९मी. સવારમાં ઊઠયો ત્યારે સારું હતું. સવારના નાસ્તામાં દોઢ ચમચો ઘઉંનો, બે લાલ સૂકી દ્રાક્ષના, એક નારંગી, વીસ કાછલિયાળાં નાનાં ફળ, એટલું લીધું. ભોજનમાં ત્રણ ચમચા ભરીને ઘઉં, બે બોર, વીસ કાછલિયાળાં ફળ અને બે નારંગી એટલું લીધું. સાંજે તૈયબને ત્યાં ભાત, સેવ અને બટાટાનું ભોજન લીધું, મોડી સાંજે અશક્તિ જણાયેલી.

ओगस्ट ३०मी. સવારના નાસ્તામાં ઘઉંના બે ચમચા, કાળી દ્રાક્ષના બે ચમચા, વીસ અખોડ અને એક નારંગી એટલું લીધું. ભોજનમાં પણ એ જ, પણ સાથે વધારામાં એક નારંગી, અશક્તિ ખૂબ લાગી. હંમેશની માફક ફરવા જવામાં થાક જણાયા વગર ન રહ્યો.

ओगस्ट ३१मी. સવારે ઊઠયો ત્યારે મોટું ઘણું મીઠું થઈ ગયેલું. અશક્તિ ઘણી લાગતી હતી. સવારના નાસ્તામાં અને ભોજનમાં આહારની વાનીઓનું પ્રમાણ એક જ હતું, સાંજે એક પ્યાલો કોકો અને એક નારંગી લીધાં. આખો દિવસ નબળાઈ ઘણી જ લાગી. ફરવા જવાનું પણ મુશ્કેલીથી થાય છે. દાંત પણ નબળા થતા જતા લાગે છે અને મોઢું વધારે પડતું ગળ્યું થઈ ગયું છે.

सप्टेम्बर १ली. સવારે ઊઠયો ત્યારે થાકીને લોથ થઈ ગયેલો. નાસ્તો ગઈ કાલના જેવો જ લીધો. ભોજન પણ તેવું જ અશક્તિ ઘણી લાગે છે; દાંત દુખે છે; આ અખતરો છોડી દેવો પડશે. બેકરની વરસગાંઠ હતી એટલે તેની સાથે ચા લીધી. ચા પછી સારું લાગ્યું.

सप्टेम्बर २जी. સવારમાં તાજો થઈને ઊઠયો. (ગઈ કાલ સાંજની ચાની અસર). પહેલાંનો ખોરાક લીધો (જવની ઘેંશ, રોટી, માખણ, મુરબ્બો). ઘણું જ સારું લાગ્યું.

આમ પ્રાણપોષક આહારનો અખતરો પૂરો થયો.

વધારે અનુકૂળ સંજોગોમાં પ્રયોગ નિષ્ફળ ન નીવડત. જ્યાં આપણો બધી વાત પર કાબૂ ન હોય અને વારંવાર ખોરાકમાં ફેરફાર કરવાનું ન બને એવી વીશી સફળતાથી ખોરાકના પ્રયોગ કરવાની જગ્યા ભાગ્યે જ લેખી શકાય. વળી તાજું લીલું ફળ જે મળી શકતું હતું તે એકલું સંતરું હતું એ બીના પણ ધ્યાનમાં આવશે. ટ્રાન્સવાલમાં એ વખતે બીજાં ફળ મળતાં નહોતાં.