પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ગાંધીજીનો અક્ષરદેહ

ટ્રાન્સવાલની જમીન ઘણી ફળદ્રપ હોવા છતાં ફળની ખેતી તરફ કોઈનુંયે બિલકુલ ધ્યાન નથી એ ઘણું દિલગીર થવા જેવું છે. વળી મને દૂધ પણ મળતું નહોતું. તે અહીં ઘણું મોધું મળે છે. દક્ષિણ આફ્રિકામાં સાધારણ રીતે ડબ્બાના દૂધનો [કન્ડેન્સડ મિલ્કનો] વપરાશ છે. તેથી પ્રાણપોષક આહારનું મૂલ્ય સાબિત કરવાની દૃષ્ટિથી આ પ્રયોગ તદ્દન નકામો છે એ વાત સ્વીકારવી જોઈએ. માત્ર અગિયાર દિવસ અને તે પણ પ્રતિકૂળ સંજોગોમાં ચલાવેલા અખતરા પરથી પ્રાણપોષક ખોરાક પર કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપવા નીકળી પડવું એ કેવળ ધૃષ્ટતા કહેવાય. વીસ વરસથીયે વધારે વખત સુધી રાંધેલા ખોરાકથી ટેવાયેલી હોજરી પાસે એકાએક એકે સપાટે કાચો ખોરાક પચાવવાની અપેક્ષા રાખવી અત્યંત વધારે પડતી ગણાય અને છતાં મને લાગે છે કે એ અખતરાની પણ કંઈક કિંમત છે. આવા અખતરા કરવા નીકળનારા બીજા જે લોકો તેમના તરફ તેમાં રહેલા ગુણોથી આકર્ષાયા હોય પણ જેમની પાસે તેમને સફળ અંત સુધી લઈ જવાની શક્તિ, અથવા સાધન, અથવા સંજોગો, અથવા ધીરજ, અથવા જ્ઞાન ન હોય તેમને માટે તે માર્ગદર્શક થાય. મારે કબૂલ કરવું જોઈએ કે મારામાં ઉપરની એક પણ લાયકાત નહોતી. પરિણામો પર આસ્તે આસ્તે ધ્યાન રાખવા જેટલી ધીરજ મારામાં નહોતી તેથી મેં મારા ખોરાકમાં એકાએક ઝટપટ ફેરફાર કર્યા. શરૂઆતથી જ સવારના નાસ્તામાં પ્રાણપોષક આહારની વાનીઓ હતી અને ચાર કે પાંચ દિવસ માંડ -ગયા હશે કે ભોજનમાં પણ તે જ આહાર લેવા માંડયો. પ્રાણપોષક આહારના સિદ્ધાંત સાથેનો મારો પરિચય પણ ખરેખર ઘણો ઉપરછલ્લો ગણાય. મિ. હિલ્સનું લખેલું એક નાનકડું ચોપાનિયું અને તેમની કલમે લખાયેલા 'धि वेजिटेरियनમાં તાજેતરમાં આવેલા એક કે બે લેખ એટલી જ તે વિષયના મારા જ્ઞાનની સામગ્રી હતી. તેથી જે કોઈની પાસે જરૂરી લાયકાત ન હોય તે હું માનું છું નિષ્ફળતા વહોરી લે એટલું જ નહીં, જે કાર્યનો અભ્યાસ કરવાને અને આગળ વધારવાને કોશિશ કરે છે તેને અને પોતાની જાતને પણ નુકસાન કર્યા વગર ન રહે.

અને આખરે એકંદરે સાધારણ શાકાહારીને સારુ, જે શાકાહારી તંદુરસ્ત છે અને જેને પોતાના આહારથી સમાધાન છે તેને સારુ આવી પ્રવૃત્તિઓમાં ધ્યાન રોકવું લાભ કરનારું ખરું? જે નિષ્ણાતો આવા પ્રકારનાં સંશોધનોમાં પોતાનું જીવન સમર્પણ કરે છે તેમને સારુ તે છોડી દેવી વધારે સારી નહીં? જે શાકાહારી પોતાના આચારનો ધર્મ ભૂતદયાના મહાન ના આધાર પર રચે છે, જે શાકાહારી પોતાના આહારને માટે પ્રાણીઓની કતલ કરવી એ ખોટું છે, અરે, પાપ છે એમ માને છે તેમને ખાસ કરીને આ વાત લાગુ પડે છે. સામાન્ય શાકાહારનો સિદ્ધાંત અમલમાં મૂકી શકાય એવો છે, તે આરોગ્યને પોષક છે એ વાત રસ્તે ચાલતા માણસને પણ દેખાય એવી છે. તો પછી આપણને જોઈએ છે શું? પ્રાણપોષક આહારની ભવ્ય શકયતાઓ ઘણી હશે; પણ તેના સેવનથી આપણાં નાશવંત શરીર અમર થોડાં જ થઈ જવાનાં છે? માણસોનો ઘણો મોટો ભાગ રાંધવાનું કદીયે સમૂળગું છોડી દે એ વાત બને એવી લાગતી નથી. પ્રાણપોષક ખોરાક એકલો પોતાની મેળે આત્માની ભૂખને સંતોષે નહીં, સંતોષી શકે નહીં. અને આ જીવનનો ઊંચામાં ઊંચો ઉદ્દેશ, અરે તેનો એકમાત્ર આશય આત્માને ઓળખવાનો હોય તો મારું નમ્રપણે કહેવું છે કે આત્માને ઓળખવાને માટે આપણને મળેલા અવસરમાં ઘટાડો કરે તેવી બધી વાતોથી, અને તેથી પ્રાણપોષક આહારના અને એવા બીજા અખતરાઓની રમત કરવાથી પણ જીવનનો એકમાત્ર ઇષ્ટ ઉદ્દેશ પાર પાડવાને મળેલી સંધિ તેટલા પૂરતી એળે જાય છે. જેનાં આપણે સૌ છીએ તેના યશને માટે જીવવાને આપણે આહાર લેવાનો હોય તો