પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
ગાંધીજીનો અક્ષરદેહ


(૪) કેવળ સ્વાર્થની દૃષ્ટિથી આ સવાલ વિચારશો તોપણ સમજાશે કે તમારા કાર્યથી તમને શાકાહારી મિત્રોનું મંડળ આવી મળશે, જે મિત્રો બીજાઓના કરતાં તમને વધારે સ્વીકાર્ય હશે.
(૫) જે મુલકમાં તમારી સામે અનેક પ્રલોભનો આવીને ખડાં થાય છે અને જ્યાં ઘણા દાખલાઓમાં માણસો તેમની સામે ટકી શકયાં નથી તે મુલકમાં શાકાહાર વિષેના સાહિત્યના જ્ઞાનથી તમે તમારા સિદ્ધાંતોના પાલનમાં દૃઢ રહી શકશો અને એ સોસાયટીમાં જોડાવાથી ને તેના પત્રના ઘરાક બનવાથી જે શાકાહારી દાક્તરોને અને નિરામિષ દવાઓને તમે સહેલાઈથી ઓળખી શકશો તેમની તમે માંદગીમાં મદદ લઈ શકશો.
(૬) એથી હિંદમાંના તમારા જેવા ભાઈઓને ઘણી મદદ થશે. વિલાયતમાં શાકાહાર પર જીવી શકાય એમ છે કે નહીં તે બાબતમાં આપણાં માબાપોના મનમાં જે વહેમ હજી રહે છે તેને દૂર કરવામાં પણ એ સાધનરૂપ બનશે અને એ રીતે બીજા હિંદીઓનો વિલાયત આવવાનો રસ્તો ઘણો મોકળો થશે.
(૭) धि वेजिटेरियनને પૂરતી સંખ્યામાં હિંદી ઘરાક મળે તો તેના તંત્રીને એક પાનું અથવા એક કટાર હિંદ વિષે અલગ રાખવાને સમજાવી શકાશે અને તેથી, તમે પણ સ્વીકારશો કે, હિંદને લાભ થયા વગર નહીં રહે.

શાકાહારી મંડળીમાં તમારે શા સારુ જોડાવું જોઈએ અને धि वेजिटेरियनના ઘરાક શા સારુ થવું જોઈએ તે બતાવવાને બીજાં ઘણાં કારણો આપી શકાય, પણ મારી દરખાસ્તને અનુકૂળ રીતે વિચારવાને તમને સમજાવવામાં આટલાં પૂરતાં થશે એવી મને આશા છે.

તમે શાકાહારી ન હો તોપણ જોઈ શકશો કે ઉપર ગણાવેલાંમાંનાં ધણાં કારણો તમને પણ લાગુ પડશે; અને તેથી તમે धि वेजिटेरियनનું લવાજમ ભરી તેના ગ્રાહક બની શકો અને કોને ખબર છે કે આખરે પોતાના જેવાં જ પ્રાણીઓના લોહી પર જે લોકો પોતાની હયાતીનો જરાયે આધાર નથી રાખતા તેમની હરોળમાં સામેલ થવાનો લહાવો લેવાનું તમને પણ મન નહીં થાય !

અલબત્ત, વિલાયતમાં મૅનચેસ્ટર વેજિટેરિયન સોસાયટી પણ છે અને તે તેના પત્ર धि वेजिटेरियन मेसेन्जर મારફતે કાર્ય કરે છે. મેં એલ. વી. એસ. [લંડન વેજિટેરિયન સોસાયટી] અને તેના પત્રની હિમાયત એટલા પૂરતી જ કરી છે કે તે લંડનમાં કાર્ય કરતી હોવાથી નજર સામે છે અને તેનું પત્ર અઠવાડિયે અઠવાડિયે નીકળે છે.

મને ચોક્કસ વિશ્વાસ છે કે મંડળીમાં જોડાવાની અને તેના પત્રના ઘરાક થવાની વાતમાં તમે કરકસરનું બહાનું નહીં કાઢો, કેમ કે મંડળીમાં જોડાવાને માટેની ફી અને પત્રનું લવાજમ ઘણું ઓછું છે અને તમારાં નાણાંનું અનેકગણું વધારે વળતર તે બન્ને મળીને અવશ્ય આપશે.

આને તમે તમારી વાતમાં મેં નાહક માથું માર્યું છે એવો અવિવેક નહીં જ માનો એવી આશા રાખતો,

તમારો સ્નેહાંકિત ભાઈ


મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૨૮-૪-૧૮૯૪