પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
દાદાભાઈ નવરોજીને પત્ર


દાખલાઓ શોધી કાઢવા મુશ્કેલ નથી. ઇંગ્લંડમાં ઉમરાવોની સભાએ આઇરિશ હોમરૂલ બિલ [આયર્લેન્ડ માટેના સ્વરાજ્યનો ખરડો] નામંજૂર કર્યાનો અને તેની બાબતમાં એ રીતે કયા સંજોગોમાં કામ લેવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરવાની તમારા અરજદારોને ઝાઝી જરૂર લાગતી નથી. તમારા અરજદારો નમ્રપણે રજૂઆત કરે છે કે મતાધિકારના કાયદામાં સુધારો કરવાનો ખરડો એટલો તળિયાઝાટક છે કે તે કાયદો બને પછી કોઈ પણ હિંદી ગમે તેટલો શક્તિશાળી હશે તોયે અત્યારે મતદારોની યાદીમાં નહીં હોય તો મતદાર બની નહીં શકે. તમારા અરજદારોને વિશ્વાસ છે કે તમારી માનનીય કાઉન્સિલ એવા અભિપ્રાયને મંજૂર નહીં રાખે અને તેથી ફરી વિચારણા કરવાને ખરડાને લેજિસ્લેટિવ એસેમ્બલીને મોકલી આપશે.

અને ન્યાય તેમ જ દયાના એ કાર્યને માટે તમારા અરજદારો ઋણી રહેવાની પોતાની ફરજ માનશે.

[મૂળ અંગ્રેજી]
धि नताल ऍदवर्टाइझर, ૫-૭-૧૮૯૪




૩૦. દાદાભાઈ નવરોજીને પત્ર

[ગાંધીજીએ દાદાભાઈ નવરોજીને લખેલા અનેકમાંનો આ પહેલવહેલો પત્ર હોય એમ લાગે છે. દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરીને રહેલા હિંદીઓ પોતાની અરજીઓ બ્રિટિશ સરકારની આગળ રજૂ કરાવવાને છેક ૧૮૯૧ની સાલથી દાદાભાઈની પાસે પહોંચી જઈ તેમની મદદ લેતા આવ્યા હતા. તેથી તેમને તેમના સવાલોનો પરિચય હતો. મૂળ આખો કાગળ મળી શકતો ન હોઈ તેમાંના નીચે આપેલા ઉતારા આર. પી. મસાણીના दादाभाई नवरोही : धि ग्रान्ड ओल्ड मॅन ऑफ इन्डिया (હિંદના દાદા દાદાભાઈ નવરોજી) પુસ્તકનાં પાન ૪૬૮-૯ પરથી લેવામાં આવ્યા છે.]

ડરબન,


જુલાઈ ૫, ૧૮૯૪


જવાબદાર રાજતંત્રના અમલ નીચેની નાતાલની પહેલી પાર્લમેન્ટ મોટે ભાગે હિંદી પાર્લમેન્ટ થઈ તેના કામકાજનો ઘણો મોટો ભાગ હિંદીઓને અને તે પણ બિલકુલ અનુકૂળ નહીં એવી અસર કરનારા કાયદાકાનૂનોને લગતો રહ્યો છે. લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એસેમ્બલીની બેઠકનો પ્રારંભ કરતાં નાતાલના ગવર્નરે કહ્યું કે હિંદીઓએ હિંદમાં જેનો ઉપયોગ કદી કર્યો નથી પણ જેનો તેઓ અહીં નાતાલમાં ઉપયોગ કરે છે તે મત આપવાના અધિકારને લગતું કામકાજ મારા પ્રધાનો હાથ પર લેશે, હિંદીઓને મળેલો મતાધિકાર રદ કરવાને માટેનો તળિયાઝાટક કાયદો કરવાનાં કારણો એવાં બતાવવામાં આવ્યાં કે હિંદીઓએ પહેલાં કદી મતાધિકાર ભોગવ્યો નથી અને તેઓ તેને માટે લાયક નથી.

હિંદીઓની અરજી આ વાંધાનો પૂરતો જવાબ આપી દેતી લાગી. એટલે એ લોકોએ પોતાની મૂળ દલીલ ગળી જઈને એ કાયદાના ખરડાની અસલ નેમ ખુલ્લી કરી છે અને તે ચોખ્ખી આ મુજબની છે: “અમારે હવે અહીં હિંદીઓ જોઈતા નથી, અમારે ગિરમીટિયા કુલીઓની જરૂર છે, પણ તે બધા અહીં ગુલામ થઈને રહેશે અને કરારમાંથી છૂટા થશે કે તરત