પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩. નાતાલના ગવર્નરને પત્ર
ડરબન,


જુલાઈ ૧૦, ૧૮૯૪


નેક નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાન્સિસ હેલી-હચિન્સન, કે.સી.એમ.જી.,
નાતાલ સંસ્થાનના ગવર્નર અને તેની ઉપરના વડા સેનાધિપતિ, તેના નાયબ નૌકાસેનાધિપતિ, અને દેશી વસ્તીના સૌથી ઉપરી મુખી
નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે : ૧. નાતાલ સંસ્થાનમાં વસવાટ કરીને રહેલી હિંદી કોમના પ્રતિનિધિ આપ નામદારના અરજદારો ફ્રૅન્ચાઇઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલ[મતાધિકારના કાયદામાં સુધારો કરનારા ખરડા]ની બાબતમાં આ અરજી થકી આપ નામદાર સમક્ષ રજૂ થવાની રજા ચાહે છે.

૨. આપ નામદારના અરજદારોને જાણવા મળ્યું છે કે આપ નામદાર ઉપર જણાવેલો કાયદાનો ખરડો વિલાયતની સરકારને શહેનશાહની મંજૂરી માટે મોકલનાર છો.

૩. એવા સંજોગોમાં એ ખરડાની બાબતમાં એક અરજી [૧] વિલાયતની સરકારને રજૂ કરવાને તૈયાર થાર્ય છે.

૪. આપ નામદારના અરજદારો તે અરજી આપ નામદારને જેટલી બની શકે તેટલી વહેલી મોકલી આપશે.

૫. વિલાયતની સરકારને મોકલી આપવાને સારુ ઉપર જણાવેલી અરજી આપ નામદારને મોકલી આપવામાં આવે ત્યાં સુધી વિલાયતની સરકારને એ બાબતનો આપ નામદારનો ખરીતો મોકલવાનું મોકૂફ રાખવાની આપ નામદારને આપના અરજદારો આદરપૂર્વક વિનંતી કરે છે.

અને ન્યાયના તેમ જ દયાના આ કામને સારુ આપ નામદારના અરજદારો હમેશ આપના ઋણી રહેશે ને બંદગી કરશેઃ

(સહી) મો. ક. ગાંધી


અને સાત બીજા

[મૂળ અંગ્રેજી]

વિલાયતની સરકારના સંસ્થાન ખાતાના પ્રધાન લૉર્ડ રિપનને નાતાલના ગવર્નર સર વૉલ્ટર હેલી-હચિન્સને ૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૧૬મી તારીખે રવાના કરેલા ખરીતા નં. ૬૨ની સાથેનું બિડાણ નં. ૬. સંસ્થાન ખાતાની કચેરીનું દફતર નં. ૧૭૯, પુ. ૧૮૯.


  1. ૧. આગળ પા. ૮૭ જોવું