પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫. લૉર્ડ રિપનને અરજી

[પોતાની आत्मकथाમાં ગાંધીજી કહે છે કે હિંદીઓ માટેના મતાધિકાર બાબતની આ અરજી ઘડવામાં તેમણે ખૂબ મહેનત લીધી હતી અને એક પખવાડિયા જેટલા ટૂંકા ગાળામાં તેના પર ૧૦,૦૦૦થીયે વધારે સહીઓ મેળવી હતી. નાતાલ સંસ્થાનની સરકારના વડા પ્રધાને આ અપીલ નામંજૂર કરવાની ભલામણના સમર્થનમાં કારણો દર્શાવતા પત્ર સાથે તે ગવર્નરને મોકલી આપી હતી.]

[ડરબન,


જુલાઈ ૧૭, ૧૮૯૪][૧]



હિઝ એકસેલન્સી ધિ રાઈટ ઑનરેબલ માર્કિવસ ઑફ રિપન, હર મૅજેસ્ટીઝ
પ્રિન્સિપલ સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ધિ કૉલોનીઝ.
નાતાલ કૉલોનીમાં હાલ રહેતા
નીચે સહી કરનાર હિંદુસ્તાનીઓની

ઘણી નમ્રતાપૂર્વક અરજ એ છે કે :

૧. આપ નામદારના અરજદાર હિંદુસ્તાની બ્રિટિશ રૈયત છે અને નાતાલ કૉલોનીના જુદા જુદા ભાગમાં વસે છે.

૨. આપ નામદારના કેટલાક અરજદાર વેપારી છે, જેઓ કૉલોનીમાં આવીને વસ્યા છે. વળી, કેટલાક પ્રથમમાં બંધાઈને આવેલા ને હાલ કેટલીક મુદત (વળી ૩૦ વર્ષ) થયાં છૂટા થયેલા છે. કેટલાક હાલ બંધાયેલા છે. કેટલાક કૉલોનીમાં જન્મેલા ને કેળવાયેલા છે અને જુદા જુદા ધંધામાં રોકાઈ રહેલા છે, જેવા કે વકીલના ક્લાર્ક, કંપાઉન્ડર, કંપોઝીટર, ફોટોગ્રાફર, મહેતાજી વગેરે. વળી, કેટલાક અરજદારો કૉલોનીમાં જમીનદાર છે અને ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીના મેમ્બરોની ચૂંટણી કરવામાં મત આપવાનો હક ધરાવે છે અને થોડાક જોકે જમીનદાર હોવાથી મત આપવાના હકદાર છે છતાં કંઈ કારણોસર પોતાનું નામ વોટરના લિસ્ટ પર દાખલ કરાવી શકયા નથી.

૩. આપ નામદારના અરજદાર ફ્રૅન્ચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલના સંબંધમાં આપ નામદારને આ અરજી કરે છે. તે બિલ પ્રાઈમ મિનિસ્ટર ઑનરેબલ સર જૉન રૉબિન્સને ગયા સેશનમાં દાખલ કર્યું હતું તે ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં ત્રીજી વાર વંચાઈ ગયું છે અને મહારાણી રદ કરી શકે તેવી રીતે તે નામદાર ગવર્નરે કબૂલ રાખ્યું છે.

૪. બિલનો હેતુ એવો છે કે કૉલોનીમાં પાર્લમેન્ટરી ઇલેકશન વખતે વોટ કરવાના હકમાંથી એશિયાના લોકને બાતલ કરવા જેઓ હાલ વોટરોના લિસ્ટ ઉપર છે તેને બિલ બાદ કરે છે.

૫. કૉલોનીમાં સત્તાધિકારીઓની પાસેથી ન્યાય મેળવવાને સારુ જે હિલચાલ થઈ તેનો ટૂંક હેવાલ આપવા અરજદાર રજા માગે છે.

૬. ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં બિલ બીજી વાર વંચાયું ત્યાર પછી પહેલી વખતને વાસ્તે અરજદારે ઑનરેબલ ઍસેમ્બલીને અરજી કરી. બીજી વંચાવણી પછી બે દિવસમાં


  1. ૧. પાછળના પા. ૮પ પર અરજીના થયેલા ઉલ્લેખને આધારે.