પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
ગાંધીજીનો અક્ષરદેહ

કમિટીમાં બિલ પસાર થયું ને ત્યાર બાદ એક દિવસે ત્રીજી વંચાવણી થશે એમ જયારે અરજદારને ખબર મળ્યા ત્યારે ત્રીજી વંચાવણી મુલતવી ન રહે તો અરજી દાખલ કરવી એ અશકય જણાયું તેથી મુલતવી રાખવાની અરજી[૧] તારથી ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીને કરી. બહુ મહેરબાની લાવી ઑનરેબલ ઍસેમ્બલીએ એક દિવસ સારુ ત્રીજી વંચાવણી મુલતવી રાખી. એક દહાડામાં લગભગ ૫૦૦ હિંદુસ્તાનીઓએ સહી કરી ને તે અરજી બીજે દહાડે દાખલ થઈ. મારિટ્સબર્ગમાં પ્રૅમિયર ને ઍટર્ની જનરલ સુધ્ધાં કેટલાક ઑનરેબલ મેમ્બરોને અરજદારનું ડેપ્યુટેશન મળ્યું. ડેપ્યુટેશનને મેમ્બરોએ આવકાર આપ્યો ને તેમની વાત ધીરજથી સાંભળી, ઘણા મેમ્બરોએ અરજદારની ઑનરેબલ ઍસેમ્બલીને કરેલી અરજી વાજબી હતી એમ કબૂલ કર્યું, પણ બધાએ કહ્યું કે અરજી મોડી દાખલ થઈ. ઑનરેબલ પ્રાઈમ મિનિસ્ટરે અરજી ધ્યાનમાં લેવા સારુ બીજી વંચાવણી ચાર દહાડા મુલતવી રખાવી. વળી, વેરુલેમ, રિચમન્ડ રોડ વ. જગ્યાઓથી ઉપરની અરજી કબૂલ છે તેવી તારથી અરજીઓ ઑનરેબલ લેજિસ્લેટિવ કાઉન્સિલની આગળ ગઈ હતી. પણ તે અરજીઓ ઑનરેબલ કાઉન્સિલના મેમ્બરની મારફતે દાખલ નહોતી થઈ તે કારણસર કાઢી નાખવામાં આવી હતી. જુદી જુદી અરજીઓ અરજદાર આ અરજીની સાથે ટાંકતા નથી કેમ કે તે બધી અરજીઓ બિનશક ગવર્નમેન્ટ આપ નામદારને મોકલશે.

૭. અરજી દાખલ થયા પછી ચોથે દહાડે એટલે જુલાઈની બીજી તારીખે, ૧૮૯૪, આપના અરજદાર ધારતા હતા તેથી વિરુદ્ધ અને તેઓને અતિ દિલગીરી ઊપજે તેમ બિલ ત્રીજી વાર વંચાયું.

૮. પછીને મંગળવારે આપના અરજદારે ઑનરેબલ લેજિસ્લેટિવ કાઉન્સિલને એક અરજી મોકલી. તે ઑનરેબલ મિસ્ટર કેમ્પબેલની મારફત રજૂ થઈ પણ તે અરજીમાં ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીને લગતી વાત આવવાથી નિયમમાં નથી એમ ગણી રદ કરી અને બિલ બીજી વાર વંચાયું. જેવી અરજદારોને આ વાતની જાણ થઈ કે તુરત અરજદારે બીજી અરજી બનાવી તે ગુરુવારે મોકલાઈ અને તે જ ઑનરેબલ મેમ્બરની મારફતે શુક્રવારે રજૂ થઈ. દરમ્યાન બીજી વંચાવણી પછી એક દહાડામાં બિલ કમિટીમાં પસાર થયું. ઑનરેબલ મિ. કેમ્પબેલે ત્રીજી વંચાવણી અરજી ધ્યાનમાં લેવા સારુ મુલતવી રાખવા દરખાસ્ત કરી. પણ અરજી બહુ મોડી પહોંચી એવા કારણથી તે દરખાસ્ત રદ થઈ. આપ નામદારના ધ્યાનમાં રહેશે કે બિલ ભાગ્યે ચાર દહાડા ઑનરેબલ કાઉન્સિલ પાસે રહેલું. વળી, હિંદુસ્તાનીઓના મુખ્ય માણસોનું એક ડેપ્યુટેશન નામદાર ગવર્નરને મળ્યું હતું. તેની અરજી નામદાર ગવર્નરે ધ્યાન દઈ સાંભળી. બન્ને હાઉસના ઓનરેબલ મેમ્બરોના અભિપ્રાય જાણવા સારુ હિંદુસ્તાનીઓની એક કમિટીએ દરેક ઑનરેબલ મેમ્બરને એક સરકયુલર [૨] મોકલ્યો જેમાં વિનંતી કરી કે તેઓ અમુક સવાલના જવાબ આપે તે બંને કાગળિયાં આ અરજીની સાથે રજૂ છે. હજુ સુધી તો એક જ ઑનરેબલ મેમ્બરે જવાબ મોકલ્યો છે. તેણે પણ સવાલના જવાબ નથી આપ્યા.

૯. ફ્રૅંચાઈઝ બિલની ટીકા કરવાનું શરૂ કર્યા પહેલાં એક બાબત જે આપના અરજદારની વિરુદ્ધ વાપરવામાં આવી છે તે વિષે અરજદાર થોડું કહી જવા રજા માગે છે તે બાબત એ છે કે ઑનરેબલ ઍસેમ્બલીને બહુ મોડી અરજી કરી. આના સંબંધમાં અરજદાર એટલું જ કહે


  1. ૧. અા મળી શકતી નથી.
  2. ૨, धारासभाना सभ्योने माटे सवालो, જુલાઈ ૧, ૧૮૯૪, પાછળ પા. ૭૫-૬ જોવું.