પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
લૉર્ડ રિપનને અરજી

થાય છે. તેઓમાં મૂળથી જ યુરોપિયનની સાથે કેળવણીમાં હરીફાઈ કરવાની ખામી હોય તો જુદી વાત છે. પણ તેઓમાં ખામી નથી એવું તો સરસમાં સરસ જાણનારાઓથી બિનશક સાબિત થયું છે. હિંદુસ્તાન ને ઇંગ્લંડમાં ઇંગ્રેજી ને ઇન્ડિયન નિશાળિયા વચ્ચેની હરીફાઈનાં પરિણામ હિંદુસ્તાનીની સરખી હોશિયારીની પૂરતી સાબિતી છે. પાર્લમેન્ટરી કમિટીમાંથી કે સારા લખનારાઓમાંથી ફકરા જાણીજોઈને અરજદાર નથી ટાંકતા કેમ કે તે તો ભર્યે ભાણે ઘી પીરસવા જેવું થાય. ત્યારે જો આ છોકરાઓ જયારે ઉંમરલાયક થાય ત્યારે તેઓને વાસ્તે વોટની માગણી થાય તો તે એક સુધરેલા દેશમાં સાધારણ માણસનો હક માગ્યા જેટલું નથી? કે જે હક કોઈ લઈ લેવા માગે તો તે માણસ વાજબી રીતે તેની સામે થાય. અરજદાર ખાતરીપૂર્વક માને છે કે લૌકિક રાજ્યમાં એક શહેરીનો અતિ સાધારણ હક આ છોકરાઓની પાસેથી છીનવી તેનું અપમાન થાય તેમ આપ કદી નહીં થવા દો.

૨૩. અરજદાર ઑનરેબલ મિ. ડેન અને ઑનરેબલ મિ કેમ્પબેલના ઉપકારી થયા કે તેઓએ જેઓ પોતાને પૈસે આવે છે તેવા ઇન્ડિયનોનો વોટ લઈ લેવો એ અન્યાય છે એમ જોયું ને ટીકા કરી. પણ તેઓની નજરમાં પણ એમ જ આવ્યું કે જેઓ બંધણીમાં આવે છે તેને તો કદી વોટ ન જ મળવા જોઈએ. આપના અરજદાર કબૂલ કરે છે (જો બીજી લાયકાત હોય તો ગરીબાઈ એ ગુનો ન હોવો જોઈએ)કે બંધણીવાળા જ્યાં સુધી બંધણીમાં રહે ત્યાં સુધી વખતે હક ન ભોગવે પણ વિનંતી કરે છે કે આ માણસોને પણ જો તેઓ આગળ જતાં લાયક થાય તો પછી હમેશને સારુ નાલાયક ન ઠરાવવા જોઈએ. આવા માણસો જે અહીં આવે છે તેઓ ઘણું કરીને પુષ્ટ ને યુવાન હોય છે. તે યુરોપિયનોના સહવાસમાં આવે છે અને બંધણીમાં હોય છે તે દરમિયાન તે[ને?] વધારે તો છૂટા થયા પછી યુરોપિયન સુધારો ગ્રહણ કરે છે ને પૂરા કૉલોનિસ્ટ થાય છે. તેઓ બહુ ઉપયોગી છે એમ કબૂલ કરવામાં આવે છે. ખરું જોતાં અમૂલ્ય લોકો છે કે જે સુલેહશાંતિમાં રહે છે. ટીકા કરવાની જરૂર છે કે ઘણાખરા સિવિલ સર્વિસમાં જે ઇન્ડિયનો છે તે ને બહારના વકીલના કલાર્ક મહેતાજી વ. છે તે પ્રથમ બંધણીમાં આવેલા, તેઓને કે તેના છોકરાઓને વોટ ન આપવા દેવો એ ખરેખર ઘાતકી દેખાશે એમ અરજદારની અરજી છે. માણસ માત્ર એશિયાટિક છે અથવા તો બંધણીમાં આવ્યો છે તેટલા જ સારુ તેની સામે વોટનું બારણું જો તે બીજી વાતે લાયક હોય તો બંધ ન કરવું જોઈએ એમ વિનંતી છે.

૨૪. બિલ નીચામાં નીચાઈથી કરતાં પણ હિંદુસ્તાનીઓને નીચા ગણે છે એ અઘટિત વાત પણ આપના ખ્યાલમાં રાખવા જેવી છે, કેમ કે નીચામાં નીચાઈથીને પણ જો તે લાયક થાય તો વોટનો હક મળે પણ ઇન્ડિયન બ્રિટિશ રૈયતની પાસેથી તો મતનો હક એવી રીતે છીનવી લેવાનો છે કે તે ગમે તેવો લાયક હોય અથવા પાછળથી થાય તોપણ તેને તો મત કદી આપવા દેવાય જ નહીં.

૨૫. તે બિલ એવું તો જલદ ને આકરું છે કે તેથી આખી હિંદી પ્રજાને અપમાન થાય છે કેમ કે કદી હિંદનો ઉત્તમમાં ઉત્તમ માણસ આવીને કૉલોનીમાં રહ્યો તો તેને પણ વોટનો હક નહીં મળે કેમ કે કૉલોનિયલ વિચાર પ્રમાણે તે લાયક ન હોવો જોઈએ એમ અનુમાન થશે. આ અડચણ બંને હાઉસમાં કબૂલ થઈ હતી અને ઑન[રેબલ] ટ્રેઝરરે તો ત્યાં સુધી કહ્યું કે ખાસ કેસોનો પાર્લમેન્ટ ભવિષ્યમાં વિચાર કરે.