પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
ગાંધીજીનો અક્ષરદેહ


ટ્રાન્સવાલમાં તેઓ કચડાયેલા તો છે જ તેમાં પછી તો તેઓની સ્થિતિ સહન ન થાય તેવી થશે. જો જરાયે ભેદભરેલી રીતે ઇન્ડિયન બ્રિટિશ રૈયતના તરફ બ્રિટિશ કૉલોનીમાં ચાલવામાં આવશે તો એવો વખત આવશે કે કંઈ પણ માનનો ખ્યાલ રાખતા હોય તેવા ઇન્ડિયન કૉલોનીમાં નહીં રહી શકે અને તેથી તેઓના ધંધારોજગારમાં બહુ વાંધો આવશે અને રાણીની ઇન્ડિયન રૈયતમાંના સેંકડો રોજગાર વિનાના થઈ રહેશે.

૩૬. છેવટમાં અરજદાર ઉમેદ રાખે છે કે ઉપરની વાતો અને દલીલોથી ફ્રૅંચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલ અન્યાયી છે એમ આપને ખાતરી થશે અને રાણીની રૈયત એક ભાગથી બીજા ભાગ ઉપર નકામી રીતે વચ્ચે પડવું એ આપ નહીં થવા દો.

અને આવા દયાના અને ન્યાયના કામ સારુ ફરજ સમજી આપ નામદારની અરજદાર હમેશાં બંદગી કરશે ઇ. ઇ.

હાજી મહમદ હાજી દાદા


અને સોળ બીજા


[ મૂળ ગુજરાતી ]

નાતાલના ગવર્નર સર વૉલ્ટર હેલી-હચિન્સનના સંસ્થાન ખાતાના પ્રધાન લોર્ડ રિપન પરના ૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૩૧મી તારીખના ખરીતામાંનું બિડાણ નં. ૬૬

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૧૭૯, પુ. ૧૮૯.
ઉપર આપેલો તરજુમો ખુદ ગાંધીજીનો કરેલો છે.



૩૬. દાદાભાઈ નવરોજીને પત્ર
પી. ઓ. બોકસ ૨૫૩

કૉન્ફિડેન્શિયલ (અંગત)

ડરબન,


જુલાઈ ૨૭, ૧૮૯૪


ધિ ઑનરેબલ મિ. દાદાભાઈ નવરોજી, એમ. પી. સાહેબ,

ચાલુ માસની ૧૪મી તારીખના મારા પત્રના અનુસંધાનમાં મારે નીચેની માહિતી આપવાની છે:

વિલાયતની સરકારને કરેલી અરજી જેની નકલ તમને અત્યાર અગાઉ મોકલવામાં આવી છે તે મેં સાંભળ્યું છે કે ગયે અઠવાડિયે અહીંથી રવાના થઈ ગઈ છે.

મને ખબર આપનારની વાત સાચી હોય તો ઍટર્ની જનરલ મિ. એસ્કંબે એવી મતલબનો રિપોર્ટ મોકલ્યો છે કે ખરડાને મંજૂર કરવાનું એકમાત્ર કારણ દેશીઓ પરની સરકારને એશિયાઈઓના તાબામાં જતી અટકાવવાનું છે. ખરું કારણ જોકે અસલમાં આવું છે. એ લોકો હિંદુસ્તાનીઓ પર એવી ગેરલાયકાતો લાદવા માગે છે અને તેમને એવી રીતે અપમાનિત કરવા ધારે છે કે તેમને અહીં કૉલોનીમાં રહેવામાં કશો સાર ન લાગે. અને છતાં હિંદુસ્તાનીઓ વગર તેમને ચલાવવું છે એટલે કે તેમને સમૂળગા અહીંથી હાંકી કાઢવા છે એવુંયે નથી. જે