પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
ગાંધીજીનો અક્ષરદેહ


કમિટીએ પસાર કરેલા ધારા

૧. દરેક મીટિંગમાં ચૅરમેન પ્રમુખ થાય. જો તે હાજર ન હોય તો કમિટીનો પહેલો મેમ્બર; તે બેઉ હાજર ન હોય તો બીજો, એ પ્રમાણે નિયમવાર.

૨. મીટિંગની શરૂઆતમાં ઑનરરી સેક્રેટરી છેલ્લી મીટિંગની બીના વાંચી સંભળાવે ને ત્યાર બાદ તેમાં પ્રમુખ સહી કરે.

૩. જે દરખાસ્તો કે ઠરાવની નોટિસ ઑન[રરી] સેક્રેટરીને અગાઉથી ન આપવામાં આવી હોય તેવી દરખાસ્ત કે ઠરાવ ઉપર ઘણું કરીને કમિટી ધ્યાન ન આપે.

૪. જે પૈસા કમિટી કે કૉંગ્રેસને વાસ્તે મળ્યા હોય કે વપરાયા હોય તેનો વિગતવાર હિસાબ ઑન[રરી] સેક્રેટરી વાંચે.

૫. કમિટી કોઈ દરખાસ્ત ઉપર ધ્યાન આપી શકે તે પહેલાં દરખાસ્ત કમિટીના એક મેમ્બરે કરેલી હોવી જોઈએ અને બીજાએ તેને ટેકો દીધેલો હોવો જોઈએ.

૬. ચૅરમૅન અને ઑન[રરી] સેક્રેટરી પોતાના હોદ્દાથી જ કમિટીના મેમ્બર ગણાય અને વોટ આપી શકે. સરખા વોટ થાય તો ચૅરમૅનને એક વધારાનો વોટ મળે.

૭, દરેક મેમ્બર ઊભો થઈને ચૅરમૅનની સન્મુખ બોલે.

૮. કમિટીની મીટિંગમાં દરેક મેમ્બર બીજા મેમ્બર વિશે બોલતાં તેના નામ આગળ 'મિસ્ટર' શબ્દ બોલે.

૯. કમિટીની મીટિંગનું કામ ગુજરાતી, તામિલ, હિંદુસ્તાની અને અંગ્રેજી એ બધી ભાષામાં કે તેમાંની એકમાં ચાલી શકે.

૧૦. હરકોઈ મેમ્બર જે જાણતો હોય તેવા મેમ્બરને બીજા મેમ્બરનાં ભાષણોનો તરજુમો કરવા જરૂર જણાય ત્યારે ચૅરમેન હુકમ કરી શકે.

૧૧. દરેક દરખાસ્ત કે ઠરાવ ઘણે મતે પસાર થાય.

૧૨. જ્યારે કૉંગ્રેસની પાસે ઓછામાં ઓછા પા[ઉન્ડ] પ૦ થાય ત્યારે ઑન[રરી] સેક્રેટરી પોતાની મરજીમાં આવે તે બૅન્કમાં નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસને નામે રાખે.

૧૩. જયાં સુધી નાણાં બૅન્કમાં ન મુકાય ત્યાં સુધી તે ઑન[રરી] સેક્રેટરી પાસે રહે અને તેનો જોખમદાર ઑન[રિરી] સેક્રેટરી ગણાય.

૧૪. પાંચ પાઉન્ડ કરતાં વધારેનું અનિયમિત ખરચ થતાં પહેલી કમિટીની પરવાનગી જોઈએ. તે પરવાનગી લીધા પહેલાં ચૅરમેન કે ઑન[રરી] સેક્રેટરી ખરચ કરે તો અને તે કમિટી મંજૂર ન રાખે તો તે તેઓની જવાબદારી ઉપર સમજવું. પાંચ પાઉન્ડના ચેક ઉપર એનિ[રિરી] સેક્રેટરી એકલા સહી કરી શકે, તેમ મોટી રકમના ચેક ઉપર ઓન[રરી] સેક્રેટરી સહી કરે અને તેની સામે નીચેનામાંથી એક ગૃહસ્થ સહી કરે :

મિ. અબદુલ્લા હાજી આદમ, મિ. મુસા હાજી કાસમ, મિ. અબદુલ કાદર, મિ. કોલન્દા વેલુ પીલે, મિ. પી. દાવજી મહમદ, મિ. હુસેન કાસમ.

૧૫. સભાનું કામકાજ ચલાવવાને ચૅરમૅન તેમ જ સેક્રેટરી ઉપરાંત દસ મેમ્બર હાજર હોવા જોઈએ.

૧૬. મીટિંગ થવાની હોય તે પહેલાં ઑન[રરી] સેક્રેટરી ઓછામાં ઓછી બે દિવસની ખબર આપે.