પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮. 'રામીસામી'
ડરબન,

 

ઓકટોબર ૨૫, ૧૮૯૪

શ્રી તંત્રી,

धि टाइम्स ऑफ नाताल

સાહેબ,

ચાલુ માસની ૨૨મી તારીખના તમારા અંકમાંના 'રામીસામી' મથાળાવાળા તમારા અગ્રલેખ પર તમારી રજાથી થોડી નુક્તાચીની કરવાનું હું સાહસ કરું છું.

જેની તમે નોંધ લીધી છે તે धि टाइम्स ऑफ नातालમાંના લેખનો બચાવ કરવાની મારી ઇચ્છાં નથી; પણ ખુદ તમારો અગ્રલેખ તેનો પૂરતો બચાવ નથી કે? ખુદ મથાળા 'રામીસામી'માં બિચારા હિંદી તરફનો હેતુપૂર્વક કેળવેલો તુચ્છકાર વરતાતો નથી કે? આખોયે લેખ તેનું નાહક અપમાન નથી કે? “ઊંચા સંસ્કારવાળા માણસો હિંદુસ્તાન પાસે છે વ.” સ્વીકારવાની મહેરબાની તમે બતાવી છે અને છતાં તમારું ચાલે તો તેમને તમે ગોરા માણસની બરાબરીની રાજદ્વારી સત્તા આપવા માગતા નથી. આમ તમે કરેલું અપમાન તમે બેવડું અપમાનજનક નથી કરતા શું? હિંદીઓ સંસ્કારી નથી પણ જંગલી જાનવરો છે એવું તમે ધારતા હોત અને તે કારણસર તેમને રાજકીય સમાનતા આપવાનો ઈન્કાર કરતા હોત તો તમારા અભિપ્રાયોને માટે તમને કંઈકેય બહાનું મળત. પણ તમારે તો એક નિરુપદ્રવી પ્રજાને અપમાનિત કરવામાંથી મળતી પૂરેપૂરી મજાને ખાતર તે એક ચતુર પ્રજા છે એવો સ્વીકાર કરવાનો દેખાવ કરવો છે અને છતાં તેને પગ નીચે દબાયેલી રાખવી છે !

પછી તમે એવું કહ્યું છે કે કૉલોનીમાં રહેતા હિંદુસ્તાની હિંદુસ્તાનમાં રહેનારાના જેવા નથી; પણ સાહેબ, તમને ભૂલી જવાનું ફાવતું આવે છે કે જેમ લંડનમાં ઈસ્ટ એન્ડ લત્તાના અજ્ઞાન અને દુરાચારમાં ઊંડે ઊતરી ગયેલા આદમીમાં સ્વતંત્ર ઇંગ્લંડના વડા પ્રધાન થવાની શકયતા રહેલી છે, તેવી જ રીતે જેને તમે બુદ્ધિમાન કહી છે એવી જાતિના તેઓ ભાંડુઓ ને વંશજો હોઈ તેમને તક આપવામાં આવે તો તેમનામાં પોતાના હિંદુસ્તાનમાં વસતા વધારે નસીબવંતા ભાઈઓના જેવી શક્તિ બતાવી આપવાની શકયતા રહેલી છે.

મતાધિકારની બાબતમાં લૉર્ડ રિપનને મોકલવામાં આવેલી અરજીમાંથી તમે એવો અર્થ તારવ્યો છે જે તેમની આગળ રજૂ કરવાનો જરાય આશય નહોતો. શક્તિવાળા ને લાયકાત ધરાવનાર દેશીઓ પોતાને મળેલા મતાધિકારને અમલ કરી શકે છે તેનો હિંદુસ્તાનીઓને રંજ નથી. બલકે, એથી ઊલટી સ્થિતિ હોય તો તેમને દુ:ખ થાય. તેઓ જોકે ભારપૂર્વક જરૂર કહેવા ઇચ્છે છે કે તેમનામાં શક્તિ અને લાયકાત હોય તો તેમને પણ એ હક હોવો જોઈએ. હિંદુસ્તાનીની અથવા દેશીની ચામડીનો વર્ણ ઘેરો છે તેથી તમારા ડહાપણમાં કોઈ પણ સંજોગોમાં એ મોંઘો અધિકાર તમે તેને આપવા માગતા નથી. તમે કેવળ બહારનો રંગ જોવા માગો છો. ચામડીનો વર્ણ સફેદ હોય તો તેની નીચે ઝેર છુપાયેલું છે કે અમૃત તે વાતની I