પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
'રામીસામી'

તમને કશી પરવા નથી. તમારી નજરમાં ફૅરિસી[૧] ફૅરિસી છે તેથી તેની ઉપર ઉપરની મોઢાની પ્રાર્થના પબ્લિકનના અંતરના પશ્ચાત્તાપના કરતાં વધારે સ્વીકારવા જેવી છે અને હું ધારું છું એ દૃષ્ટિને તમે ખ્રિસ્તનો ધર્મ કહેતા હશો. તમે ભલે કહો પણ તે ઈશુનો ધર્મ નથી જ નથી.

અને સંસ્થાનમાં તમારું અખબાર આબરૂદાર છે છતાં તમે આવો અભિપ્રાય ધરાવો છો ને धि टाइम्स ऑफ इन्डियाને માથે જૂઠાણું ચલાવવાનો આક્ષેપ કરો છો ! પણ કોઈના પર આક્ષેપ મૂકવો એ એક વાત છે, તેને સાબિત કરવો એ તદ્દન જુદી વાત છે.

એક અપવાદ એટલે કે 'રાજકીય સત્તા' સિવાયનો એક નાગરિક ઈચ્છે તેવો કોઈ પણ અધિકાર 'રામીસામી'ને ભલે મળે એટલું કહીને તમે પૂરું કરો છો. તમારા અગ્રલેખનું મથાળું અને તેના સૂરની સાથે ઉપરનો અભિપ્રાય સુસંગત છે ખરો કે? કે પછી વાતમાં સુસંગતતા રાખવાનો ગુણ બિનખ્રિસ્તી અને બિનઅંગ્રેજી છે? ઈશુએ કહ્યું હતું કે “નાનાં બાળકોને મારી પાસે આવવા દો.” સંસ્થાનમાંના તેના શિષ્યો (?) 'નાનાં' પછી 'ગોરાં' ઉમેરીને તે વચનને, સુધારવા માગતા હોય એવું લાગે છે. મને જણાવવામાં આવ્યું છે કે ડરબનના મેયરે ગોઠવેલાં બાળકોના ઉત્સવ દરમિયાન કાઢવામાં આવેલા સરઘસમાં એક પણ રંગવાળું બાળક જોવાનું મળતું નહોતું. રંગીન ચામડીવાળાં માબાપને પેટે જન્મ લેવાના પાપને સારુ શું એ સજા હતી? તિરસ્કૃત 'રામીસામી'ને જે મર્યાદિત નાગરિકપણું તમે આપવા ધારો છો તેને અંગેનો આ બનાવ સમજવાનો છે?

ઈશુને અત્યારે પૃથ્વી પર અવતરવાનું થાય તો , “હું તમને ઓળખતો નથી” એવું આપણામાંના ઘણાને તે નહીં કહે? સાહેબ, તમને એક સૂચના કરવાનું સાહસ કરું? તમારો नवि करार તમે ફરીથી વાંચી જશો? સંસ્થાનની રંગીન વસ્તી તરફના તમારા વલણનો તમે વિચાર કરી જશો ? પછી બાઈબલની શીખ અથવા બ્રિટિશ પ્રજાની ઉત્તમમાં ઉત્તમ પરંપરા સાથે તેનો મેળ ખાય છે એવું તમે કહી શકશો? ઈશુ અને બ્રિટિશ પ્રજાની ઉત્તમમાં ઉત્તમ પરંપરાથી તમે હાથ ધોઈ નાખ્યા હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી; મેં જે લખ્યું છે તે હું ખુશીથી પાછું ખેંચી લઈશ. પણ તમારા ઝાઝા અનુયાયીઓ હશે તો તે દિવસ બ્રિટન અને હિંદુસ્તાન બંનેને માટે ભૂંડો હશે એટલું મારે કહેવું જોઈશે.

તમારો

 

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]

धि टाइम्स ऑफ नाताल, ૨૬–૧૦–૧૮૯૪  


  1. ફૅરિસી યહૂદી ધર્મગુરૂ માટેનો શબ્દ છે. તે ધર્મના કેવળ બહારના દેખાવમાં ને બાહ્ય આચારમા માનતો. એથી ઊલટું પબ્લિકન જે પાપી હતા તે અંતરથી પોતાનાં પાપના પશ્ચાત્તાપમાં આંસુ સારતો.