પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૭
ખુલ્લો પત્ર


૪. તેમને એકાએક એકી સાથે અથવા અાસ્તે આસ્તે સંસ્થાનમાંથી પાછા મોકલી દેવામાં આવે તો કેવળ ભૌતિક આબાદીની અને સ્વાર્થની દૃષ્ટિથી તેનું પરિણામ સંસ્થાનના સંગીન, કાયમના લાભમાં ખરું?

પહેલા સવાલની ચર્ચામાં સૌથી પહેલાં હું જેમનામાંના ઘણાખરા મુદતી કરારથી બંધાઈને સંસ્થાનમાં આવેલા છે એવા મજૂરો તરીકે રોકવામાં આવતા હિંદુસ્તાનીઓની વાત લઉં.

જેમને આ બાબતમાં જાણકાર માનવામાં આવે છે તેમના તરફથી સ્વીકારવામાં આવેલું લાગે છે કે સંસ્થાનની આબાદીને સારુ મુદતી કરારથી બંધાઈને આવનાર હિંદીઓ અનિવાર્યપણે જરૂરના છે; ઘરકામ કરનારા નીચેની પાયરીના નોકરો તરીકે કે હોટલોમાં વેઈટરો તરીકે, રેલવેના નોકરો તરીકે કે માળીઓ તરીકે એ લોકો સંસ્થાનની વસ્તીમાં ઉપયોગી વધારો કરે છે. આ મુલકનો મૂળ વતની જે કામ કરી શકતો નથી અથવા કરવા માગતો નથી તે મુદતી કરારથી બંધાઈને આવનારો હિંદુસ્તાની હોંસથી, ખુશીથી અને સારી રીતે કરે છે. એવું લાગે છે કે દક્ષિણ આફ્રિકાના બગીચા જેવું આ સંસ્થાન આબાદ કરવામાં હિંદુસ્તાની સહાયભૂત થયો છે. એક વાર હિંદુસ્તાનીને ખાંડના કારખાનાને લગતી વાડીમાંથી ઉઠાવી લો તો સંસ્થાનના મુખ્ય ઉદ્યોગનું શું થશે? અને આ મુલકનો મૂળ વતની નજીકના ભવિષ્યમાં એ કામ કરી શકશે એવું પણ કહી શકાય તેમ નથી. દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક રાજય આનો દાખલો પૂરો પાડે છે. મુલકના મૂળ વતનીઓને લગતી તેની દૃઢ તેમ જ પ્રખર કહીને ઓળખવામાં આવતી નીતિ અમલમાં હોવા છતાં અને તેની જમીન ઘણી ફળદ્રુપ છે તોપણ તે લગભગ ધૂળના રણ જેવું વેરાન રહ્યું છે, તેની ખાણોને સારુ સસ્તા મજૂરો મેળવવાનો સવાલ રોજરોજ વધારે ને વધારે ગંભીર બનતો ગયો છે, બગીચો કહીને ઓળખાવી શકાય એવું એક જ સ્થળ નેલમૅપિયસ મિલકત પર આવેલું છે અને તેની સફળતા કેવળ હિંદુસ્તાની મજૂરોને આભારી નથી કે? ચૂંટણી દરમ્યાન કરવામાં આવેલા એક ભાષણમાં કહેવામાં આવ્યું છે :

. . . અને આખરે જે એક જ વસ્તુ કરવાની હતી, હિંદુસ્તાનીઓને અહીં લાવવાના હતા, તે શરૂ કરવામાં આવી, અને આ સૌથી વધારે મહત્ત્વની યોજનાને આગળ લેવાને માટે ધારાસભામાંના પક્ષે શાણપણથી પોતાનો ટેકો આપ્યો અને મદદ કરી. તેનો અમલ શરૂ કરવામાં આવ્યો ત્યારે संस्थाननी प्रगति अने लगभग खुद तेनी हयाती त्राजवे तोळाई रह्या हतां. અને હવે હિંદુસ્તાનીઓને મુલકમાં પ્રવેશ કરાવવાની આ યોજનાનું પરિણામ શું છે? નાણાંની દૃષ્ટિએ જોઈએ તો સંસ્થાનની સરકારી તિજોરીમાં દર વરસે એ યોજના પેટે પા. ૧૦,૦૦૦ આગળથી આપવામાં આવ્યા છે, તેનું પરિણામ શું? એટલું જ કે સંસ્થાનના ઉદ્યોગની ખિલવણીને માટે અથવા આ સંસ્થાનના પોતાના હિતને કોઈ પણ રીતે આગળ વધારવાને માટે ધારાસભાએ જે જે નાણાં મંજૂર કર્યા હશે તેમાંથી આ સંસ્થાનમાં કુલીઓને મજૂરો તરીકે દાખલ કરવાની વાતથી નાણાંની દૃષ્ટિથી જેટલું નફાકારક વળતર મળ્યું હશે તેટલું બીજી કોઈ વાતથી મળ્યું નથી, . . . હું માનું છું કે સંસ્થાનના ઉદ્યોગોની જરૂરિયાતને પહોંચી વળવાને માટે આવી જાતના મજૂરો પૂરા પાડવામાં આવ્યા ન હોત તો ડરબન શહેરની યુરોપિયન વસ્તી આજે છે તેનાથી કંઈ નહીં તો અરધોઅરધ ઓછી હોત અને આજે જ્યાં વીસ કામદારોને ધંધો મળે છે