પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮
ગાંધીજીનો અક્ષરદેહ
ત્યાં કેવળ પાંચની જરૂર હોત. ડરબનમાં આજે મિલકતોની જે કિંમત ઊપજે છે તે સામાન્યપણે તેનાથી ત્રણસોથી ચારસો ટકા નીચી રહી હોત, સંસ્થાનમાંની તેમ જ બીજા કસબાઓમાંની જમીનોની કિંમત ડરબન શહેરમાં રહેતી કિંમતના પ્રમાણમાં નીચી રહી હોત અને દરિયાકાંઠા પરની જમીન આજે જે ભાવે વેચાય છે તેટલા તેના ભાવ કદીઊપજ્યા ન હોત.

આ [જેમના ભાષણમાંથી ઉતારો આપવામાં આવ્યો છે તે] ગૃહસ્થ બીજા કોઈ નથી; મિ. ગારલૅન્ડ પોતે છે. જેમની પાસેથી ખરેખર વધારે જાણકારીની અપેક્ષા રાખી શકાય એવા લોકો પણ ગરીબ બિચારા હિંદુસ્તાનીને તુચ્છકારમાં જે નામથી બોલાવે છે તે 'કુલી' પાસેથી આવી કીમતી મદદ મળી હોવા છતાં એ માનનીય ગૃહસ્થ આગળ વધીને નગુરા થઈ હિંદુસ્તાનીના સંસ્થાનમાં વસવાટ કરીને ઠરીઠામ થવાના કુદરતી વલણને માટે અફસોસ બતાવે છે.

धि नातल मर्क्युरीના ૧૮૯૪ની સાલના ઑગસ્ટ માસની ૧૧મી તારીખના અંકમાં ટાંકવામાં આવેલા न्यू रिव्यू માં પ્રગટ થયેલા મિ. જૉન્સ્ટનના લેખમાંથી મેં નીચે આપેલો ઉતારો લીધો છે :

ઉષ્ણ કટિબંધની આબોહવાની સામે ટકી શકે અને સમશીતોષ્ણ આબોહવામાં જેમાં યુરોપિયનો ભરતી થાય છે તેવા ખાસ ધંધાઓની જવાબદારી ઉપાડી શકે તેટલી હોશિયારીવાળી પીળા વર્ણની પ્રજાને દાખલ કરવામાં આ સવાલનો ઉકેલ જડે છે. એ પીળાવર્ણની પ્રજા અત્યાર સુધી પૂર્વ આફ્રિકામાં વધારેમાં વધારે સફળ નીવડી છે અને તે હિંદુસ્તાનની વતની છે – તે પ્રજાએ ભાતભાતના નમૂનાનાં અને વિવિધ ધર્મનાં માણસો મારફતે બ્રિટિશ અથવા પોર્ટુગીઝ આશ્રય નીચે પૂર્વ આફ્રિકાની સમુદ્રકાંઠાની પટ્ટીનો વેપાર ઊભો કરી ખીલવ્યો છે. વાળવા હોય તેમ વાળી શકાય તેવી પ્રકૃતિના, માયાળુ, કરકસરી, ઉદ્યમી, હસ્તકૌશલવાળા, તીક્ષ્ણ બુદ્ધિવાળા, ચતુર હિંદુસ્તાનીને મધ્ય આફ્રિકામાં દાખલ કરવાથી તે ખંડમાંનાં આપણાં હથિયાર દળોને માટે આપણને સંગીન અંતરંગ મળી રહેશે અને ઉષ્ણ કટિબંધમાં આવેલા આફ્રિકાના મુલકમાં સુધરેલો વહીવટ ચલાવવાને જરૂરી તારખાતાના કારકુનો, નાના દુકાનદારો, કાબેલ કારીગરો, રસોઈયાઓ, હલકી પાયરીના નોકરો, કારકુનો, અને રેલવેના અમલદારો આપણને પૂરા પડશે. હિંદુસ્તાનીને કાળા ને ગોરા બંને ચાહે છે અને તે એ બંને ભિન્ન પ્રજાઓને જોડી આપનારી કડીનું કામ આપશે.

જેમને ખોટી રીતે આરબ કહીને ઓળખાવવામાં આવે છે તે હિંદી વેપારીની બાબતમાં તેના સંસ્થાનમાં આવવા સામે જે વાંધા ઉઠાવવામાં આવે છે તેમનો વિચાર કરી લેવો સારો.

છાપાંઓ, ખાસ કરીને ૬–૭–'૯૪ના धि नातल मर्क्युरी અને ૧૫–૯–'૯૩ના धि नातल एडवर्टाइझर પરથી એ વાંધાઓ એવા દેખાય છે કે તે લોકો સફળ વેપારીઓ છે અને તેમની. રહેણીકરણી ઘણી સાદી હોવાથી તે યુરોપિયન વેપારી સાથે નાના નાના વેપારમાં હરીફાઈ કરે છે. જવલ્લે બનતા એકાદ બે ખાસ પ્રકારના બનાવો પરથી જે સામાન્ય વિધાનો તારવવામાં આવે છે કે હિંદીઓ ધંધામાં છેતરપિંડી કરે છે તેને હું વિચારવા લાયક ન લખતાં છોડી દઉં છું. દેવાળું કાઢયાના ચોક્કસ દાખલાઓ બાબતમાં તેમનો બચાવ કરવાનો જરાય આશય રાખ્યા વગર હું એટલું જ કહીશ કે “જે પાપ વગરના હોય તે પહેલો પથ્થર ફેંકે”. આને અંગે દેવાળું જાહેર કરનારી અદાલતનું દફતર તપાસી જવા વિનંતી છે.