પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
ખુલ્લો પત્ર


સફળપણે હરીફાઈ કરવાની બાબતના વાંધાની વાત કરીએ. હું માનું છું કે તે સાચો છે. પણ એ લોકોને સંસ્થાનમાંથી હાંકી કાઢવાને માટેનું એ કારણ હોય ખરું? સંસ્કારી માણસોનો સમાજ એવી પદ્ધતિને અપનાવશે ખરો? તેને અનુમોદન આપશે ખરો? અને તે લોકો હરીફાઈમાં આટલા શાથી ફાવે છે? તેનું કારણ धि नाताल एडवर्टाइझर મનાવવા માગે છે તેમ તેમની જંગલી નહીં પણ અત્યંત સાદી રહેણીની ટેવો છે અને બીજું કશું નથી એવું રસ્તે ચાલનારા ઉપર ઉપરથી જોનારને પણ સહેજે દેખાઈ આવે એવું છે. તેમની સફળતાનું મુખ્યમાં મુખ્ય તત્ત્વ, મારા નમ્ર મત મુજબ, તે લોકો દારૂથી અને દારૂની સાથે આવતાં અનિષ્ટોથી બિલકુલ અળગા રહે છે તે છે. એ સારી ટેવને કારણે પૈસાનો એકદમ ઘણો મોટો બચાવ થાય છે. વળી, તેમની રહેણીકરણીની રુચિ બહુ સાદી હોઈ તેમને પ્રમાણમાં થોડા નફાથી સંતોષ રહે છે કેમ કે તેઓ મોટી મોટી દુકાનો અને એવો બીજો નાહકનો ઠઠેરો રાખતા નથી. ટૂંકમાં, એ લોકો પરસેવો પાડીને પોતાની રોજી રળે છે. સંસ્થાનમાં એ લોકો રહે તેની સામેના વાંધા તરીકે આ હકીકતોને કેવી રીતે આગળ ધરી શકાય એ સમજવું મુશ્કેલ છે. અલબત્ત, એ લોકો જુગાર રમતા નથી, સામાન્યપણે તમાકુ પીતા નથી, નાની નાની અગવડો વેઠી લેવાને ટેવાયેલા છે, અને દિવસના આઠ કલાકથીયે વધારે વખત કામ કરે છે. સંસ્થાનમાં રંજાડ વગર રહેવાની તેમને છૂટ મળે તેટલા ખાતર શું એવી અપેક્ષા રાખવામાં આવે છે અથવા શું એવું ઇષ્ટ માનવામાં આવે છે કે તેમણે એ ગુણોનો ત્યાગ કરી જેનાથી પશ્ચિમની પ્રજાઓ પીડાઈને ત્રાસી રહી છે તે ભયાનક દુર્ગુણો કેળવવા?

હિંદુસ્તાની વેપારીઓ અને મજુરોની સામે જે સામાન્ય વાંધો લેવામાં આવે છે તેનો પણ વિચાર કરી લેવો સારો. તે તેમની ગંદકીની અસ્વચ્છ આદતો અંગેનો છે. મને ડર છે કે મને જેનાથી ઘણી શરમ આવે છે એવો આ આરોપ મારે અમુક અંશે સ્વીકારવો જોઈશે. તેમની ગંદકી કરવાની અસ્વચ્છ આદતોની સામે જે બધું કહેવામાં આવે છે તેનું મૂળ કેવળ તેમના તરફનો દ્વેષ અને તિરસ્કારમાં રહેલું છે. છતાં આ બાબતમાં તેઓ જેવા જોઈએ તેવા નથી એ બીનાનો ઈનકાર થઈ શકે એમ નથી. પણ તેમને સંસ્થાનમાંથી હાંકી કાઢવાને માટેનું એ કદીયે કારણ ન હોઈ શકે. રહેણીના આ ક્ષેત્રમાં તેમનામાં સુધારો થઈ જ ન શકે એવી નિરાશાનું કોઈ કારણ નથી. હું નમ્રપણે સૂચવું છું કે સ્વચ્છ રહેણીના કાયદાના સખત પણ ન્યાયી તેમ જ દયાળુ અમલથી આ અનિષ્ટને અસરકારક રીતે પહોંચી વળવાનું બને એવું છે. એટલું જ નહીં, તેને નાબૂદ કરી શકાય એમ છે. વળી તે અનિષ્ટ એટલું બધું મોટું નથી કે તેની સામે ખાસ કરડાં પગલાં લેવાં પડે, મુદતી કરારથી બંધાઈને આવનારા જે મજૂરો એટલા બધા કંગાળ હોય છે કે શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપી શકતા નથી તેમને બાદ કરતાં બાકીના એમનામાંના બીજા લોકોની અંગત આદતો ગંદી નથી એવું દેખાય છે. મારા અંગત અનુભવને આધારે હું એટલું કહી શકું કે એમનામાંની વેપારી કોમની અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર નાહવાની ધાર્મિક ફરજ મનાય છે અને તેમને કેટલુંક નિત્યકર્મ કરવાનું હોય છે એટલે કે હરેક વખતે નમાજ પઢતાં પહેલાં પોતાનાં મોં અને કોણી સુધી હાથ ધોવાના હોય છે. દિવસમાં ચાર વેળા નમાજ પઢવાની તેમની પાસેથી અપેક્ષા રખાય છે અને તેમનામાંના એવા ઘણા થોડા હશે જે દિવસમાં ઓછામાં ઓછી બે વેળા નમાજ નહીં પઢતા હોય.

એક કોમ સમાજને માટે જે દુર્ગુણોને કારણે ભયરૂપ બને છે તેમાંથી આ લોકો અસાધારણ રીતે મુક્ત છે એટલું સહેજે કબૂલ રાખવામાં આવશે એવી મને આશા છે. બંધારણથી