પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
ખુલ્લો પત્ર


મતાધિકારના ખરડાના બીજા વાચન વેળાએ વડા પ્રધાને આપેલા ભાષણમાં તેમણે વ્યક્ત કરેલો અભિપ્રાય ઊલટો હોવા છતાં તેમના તરફ પૂરેપૂરી અદબ સાથે હું એમ દર્શાવવાનું સાહસ કરું છું કે અંગ્રેજો અને હિંદુસ્તાનીઓ બંને ઇન્ડોઆર્યન નામથી ઓળખાતા સમાન વંશમાંથી ઊતરી આવેલા છે. ઉપર કરેલા વિધાનના આધાર માટે ઝાઝા લેખકોનાં લખાણોમાંથી હું ઉતારા ટાંકી શકતો નથી, કેમ કે મારી પાસે સંદર્ભ ગ્રંથો કમનસીબે બહુ થોડા છે છતાં સર ડબલ્યુ ડબલ્યુ. હંટરના इन्डियन एम्पायर (હિંદી સામ્રાજ્ય)માંથી નીચે મુજબનો ઉતારો ટાંકું છું:

આ વધારે ઊંચી જાતિ (એટલે કે પ્રાચીન આર્યો) આર્ય અથવા ઇન્ડોજર્મેનિક વંશની હતી અને બ્રાહ્મણ, રાજપૂત તેમ જ અંગ્રેજ તેમાંથી ઊતરી આવેલા છે. ઇતિહાસને દેખાયેલું તેનું પ્રાચીનમાં પ્રાચીન વતન મધ્ય એશિયામાં હતું. આ સમાન મુકામની ભૂમિ પરથી તે જાતિની કેટલીક શાખાઓ પૂર્વ તરફ અને બીજી પશ્ચિમ તરફ જવાને નીકળી. પશ્ચિમ તરફ નીકળી ગયેલી એક શાખાએ ઈરાનના રાજ્યની સ્થાપના કરી; બીજીએ એથેન્સ અને લેસિડીમોન બાંધ્યાં અને તે હેલેનિક અથવા ગ્રીક રાષ્ટ્ર બની; ત્રીજી આગળ વધતી વધતી ઈટાલી પહોંચી અને પાછળથી જે સામ્રાજ્યના કેન્દ્ર રોમ તરીકે ખીલ્યું તે સાત ટેકરીઓ પરનું નગર વસાવીને તેણે તેને આબાદ કર્યું. એ જ વંશના એક દૂરના સંસ્થાને પ્રાગૈતિહાસિક સ્પેનની ખાણોમાંથી કાચું રૂપું ખોદીને મેળવ્યું; અને પ્રાચીન ઇંગ્લેંડનું પહેલવહેલું દર્શન આપણને થાય છે ત્યારે તેમાં બરુનાં ગૂંથેલાં માત્ર હલેસાં મારીને ચલાવવામાં આવતાં નાનાં હોડકાંઓમાં બેસી માછલાં પકડનારી અને કૉર્નવાલની ખાણોમાંથી કલાઈ ખોદનારી આર્ય વસાહત નજરે પડે છે.
ગ્રીકોના અને રોમનોના, અંગ્રેજોના અને હિંદુઓના પૂર્વજો એશિયામાં ભેગા વસતા હતા, એક જ ભાષા બોલતા હતા અને એક જ દેવોની પૂજા કરતા હતા.
યુરોપના અને હિંદુસ્તાનના પ્રાચીન ધર્મોનું મૂળ એક જ પ્રકારનું હતું.

આમ, બધા સાચી માહિતી આપનારા આધારોમાંથી જેણે હકીકતો મેળવી લીધી હોવી જેઈએ એવી અપેક્ષા સહેજે રાખી શકાય તેવા આ વિદ્રાન ઇતિહાસકારે ઉપર મુજબનું નિરપવાદ વિધાન નિ:શંકપણે કર્યું છે એમ જોઈ શકાય છે. એટલે મારી ભૂલ થતી હોય તોપણ હું સારી સોબતમાં છું. અને જે બે જાતિઓ કાનૂની અને બાહ્ય રીતે એક જ ધ્વજ હેઠળ પરસ્પર બંધાયેલી છે તેમનાં દિલને એક કરવાને જે લોકો કોશિશ કરે છે તેમની પ્રવૃત્તિના પાયા તરીકે આ ભૂલભરેલી કે પછી સંગીન આધારવાળી શ્રદ્ધા કામ આપે છે.

સંસ્થાનમાં એવી સામાન્ય માન્યતા ફેલાયેલી દેખાય છે કે હિંદુસ્તાનીઓ હશે તોયે જંગલીઓ અથવા આફ્રિકાના મૂળ વતનીઓથી સહેજસાજ ચડિયાતા છે. બાળકોમાં પણ એ માન્યતા કેળવવામાં આવે છે અને પરિણામે હિંદુસ્તાનીને અણઘડ કાફરને દરજજે ઘસડી પાડવામાં આવતો જાય છે.

હું દૃઢપણે માનું છું કે સંસ્થાનના ઈશુના ધર્મને અનુસરનારા ધારાસભાના સભ્યો જાણે તો જેને અસ્તિત્વમાં આવવા દે નહીં અથવા રહેવા દે નહીં એવી આ વસ્તુસ્થિતિ, જો એવો શબ્દપ્રયોગ કરવાનું સાહસ કરીને કહું તો, પોતાના એંગ્લો-સેકસન ભાંડુઓ કરતાં હિંદીઓ જીવનનાં ઉદ્યોગનાં, બુદ્ધિનાં, કાવ્યનાં અને એવાં જ બીજાં વિવિધ ક્ષેત્રોમાં કોઈ પણ રીતે ઊતરતા નહોતા અને નથી એવું એકદમ સાફ બતાવી આપનારા નીચેના વિસ્તૃત ઉતારાઓ આપવાને માટેનું મારું કારણ છે.