પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫
ખુલ્લો પત્ર


આજના જમાનાની અંગ્રેજી શણગારની કળામાં હિંદી સ્વરૂપો અને આકૃતિઓમાંથી ઘણું લીધેલું જોવા મળે છે. . . રચનાની અસલ પ્રેરણાને વફાદાર હિંદની કળાના નમૂનાઓને હજી પણ યુરોપનાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ઊંચામાં ઊંચું માન મળે છે.

પોતાના राउन्ड धि वर्ल्ड (દુનિયાની સફર)માં આગ્રાના તાજને વિષે ઍન્ડ્રૂ કાર્નેગીએ આ પ્રમાણે લખ્યું છે:

કેટલાક વિષયો એવા પવિત્ર છે જે પૃથક્કરણ તો શું, શબ્દોથી પણ પર હોય છે. અને હવે હું જાણું છું કે એવા પવિત્ર પ્રદેશમાં પ્રવેશ કરી શકે એટલી માણસે ઊભી કરેલી બેનમૂન સુંદર અથવા અપાર્થિવ ઇમારત અસ્તિત્વમાં છે. . . તાજ ખુલ્લા રંગના સ્નિગ્ધ આરસપહાણનો બંધાયેલો હોઈ શુદ્ધ, ઠંડા સફેદ આરસની જેમ માણસના દિલને ટાઢુંબોળ કરતો નથી. તે સ્ત્રી જેવો હૂંફાળો અને હમદર્દીવાળો છે. . . એક મહાન વિવેચકે મુક્તપણે તાજને નારીગુણવાળી ઇમારત કહીને ઓળખાવી છે. તે કહે છે કે તેમાં નરપણું નામનુંયે નથી, તેનાં બધાં આકર્ષણ સ્ત્રીનાં છે. આ સ્નિગ્ધ સફેદ આરસમાં મજાના કાળા આરસની રેખાઓ બેસાડવામાં આવી છે. કહે છે કે તે કાળી રેખાઓ વડે આખું પાક કુરાન અરબી અક્ષરોમાં આખી ઇમારતમાં વણી લેવામાં આવ્યું છે. . . જંગલમાં ડુંગરાઓનાં ઝરણાંઓની સમીપમાં અથવા ચાંદનીમાં રઝળતાં જયાં જયાં અને જયારે જયારે દિલમાં સૌથી પવિત્ર, સૌથી ઉદાત્ત અને સૌથી શુદ્ધ ભાવ શાન્ત મન પર પોતાનો ઉજજવળ પ્રભાવ ફેલાવતા જાગે ત્યારે મારી સ્મૃતિના ખજાનામાંની કીમતીમાં કીમતી ચીજોમાં મારા મરણના દિવસ સુધી તે સુંદર આકર્ષણની સ્મૃતિ, તાજની સ્મૃતિ સંઘરાયેલી રહેશે.

અને કલમવાર બાંધેલા કે બીજા કાનૂનો વગર પણ હિંદુસ્તાન રહ્યું નથી. મનુસ્મૃતિમાં સંઘરાયેલા મનુના કાનૂનો પોતાના ન્યાયીપણાને, માટે અને પોતાની ચોકસાઈને માટે જાણીતા થયેલા છે. તેમના ન્યાયીપણાના ગુણથી સર એચ. એસ. મેઈન એટલા બધા પ્રભાવિત થયેલા લાગે છે કે તેમણે તેને “બ્રાહ્મણોની દૃષ્ટિથી જે ખસૂસ કાનૂન હોવો જોઈએ તેનું આદર્શ ચિત્ર” કહીને ઓળખાવ્યા છે, ૧૮૯૧ની સાલમાં धि नेशनल रिव्यूરમાં લખતાં મિ. પિકટે તેમને વિષે “મનુના દાર્શનિક આદેશો” તરીકે ઉલ્લેખ કર્યો છે.

વળી, નાટ્યકળામાં પણ હિન્દીઓ અધૂરા માલૂમ પડતા નથી. સૌથી પ્રસિદ્ધ હિંદી નાટક शाकुन्तल વિષે ગીથે કહે છે:

તારુણ્યનાં વર્ષોની ખીલતી કળીઓ અને ઊતરતી અવસ્થાનાં ફળો; આત્મા જેનાથી વશ થાય છે, તે જેનાથી આનંદના ઓઘમાં ખેંચાય છે, તેને જેમાંથી સમૃદ્ધ પોષણ અને આહાર મળે છે એવું કંઈ જોયું છે? એક જ નામમાં પૃથ્વી અને સ્વર્ગ એકત્ર થયેલાં જોવાની તારી આકાંક્ષા છે? તો હું હે શકુન્તલા ! તારું નામ લઉં એટલે તેમાં એ બધુંયે કહેવાનું આવી ગયું જાણવું !

હવે હિંદીઓના ચારિત્રય અને સમાજજીવનની વાત લઈએ. તેને વિષેના પુરાવાનો પાર નથી. હું માત્ર થોડા નજીવા ઉતારા આપી શકીશ.