પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
ગાંધીજીનો અક્ષરદેહ

આ મેં હંટરના इन्डियन एम्पायर (હિંદી સામ્રાજ્ય)માંથી લીધું છે :

ગ્રીસથી હિંદ આવી ગયેલા મહાન એલચીએ (મૅગેસ્થિનિસે) હિંદમાં ગુલામીની પ્રથાનો અભાવ, ત્યાંની સ્ત્રીઓનું શીલ અને ત્યાંના પુરુષોની હિંમત જોઈને સ્તુતિનાં વચનો લખ્યાં છે, શૂરાતનમાં તે લોકો તેને એશિયાના બીજા બધા લોકો કરતાં ચડિયાતા માલૂમ પડયા; તેમનાં ઘરોને તેઓ કદી તાળાં વાસતા નહીં, અને સૌથી વિશેષ તો કોઈ હિંદીને તેણે કદી જૂઠું બોલતો જોયો નથી. તેમને તેણે નિવ્યર્યસની અને ઉદ્યમી જોયા, તેઓ તેને સારા ખેડૂતો અને હોશિયાર કારીગરો જણાયા; તેઓ કદી અદાલતને આંગણે ચડતા જણાયા નથી, અને પોતાના દેશના વતની રાજાઓની હકૂમતમાં શાન્તિથી રહેતા. મનુએ અસલમાં વર્ણવેલી પેઢીદર ચાલી આવતા સલાહકારો અને સૈનિકોવાળા રાજાઓની રાજ્યવ્યવસ્થા લગભગ જેવી ને તેવી તેના જોવામાં આવી હતી. . . ગામડાંઓના વહીવટની વ્યવસ્થાનું તેણે વિગતે વર્ણન આપ્યું છે અને કહ્યું છે કે હરેક ગ્રામ ઘટક મને स्वतंत्र प्रजासत्ताक जेवो जणायो છે (નાગરી મેં કર્યું છે.)

હિંદના લોકો વિષે બિશપ હેબર કહે છે:

તેમના સ્વાભાવિક ચારિત્ર્યની બાબતમાં મારો એકંદરે બહુ સારો અભિપ્રાય બંધાયો છે. એ બધા માણસો શૂરાતનભરી ઊંચી હિંમતવાળા, વિવેકી, બુદ્ધિમાન અને જ્ઞાન મેળવવાની તેમ જ પોતાની જાતમાં સુધારો કરવાની ઉત્કંઠાવાળા છે. . . તેઓ નિર્વ્યસની, ઉદ્યમી, માબાપ તરફની ફરજ સમજનારા અને પોતાનાં બાળકો માટે પ્રેમાળ છે, તેમનો મિજાજ લગભગ એકધારી નરમ અને ખામોશીભર્યો જણાયો હોઈ મારા જોવામાં આવેલાં ઘણાંખરાં માણસોના કરતાં તેમની જરૂરિયાતો અને લાગણીઓ પર અપાતા ધ્યાનની અને તેમને માટે રખાતા ભાવની તેમના દિલ પર ઝટ અસર થતી માલૂમ પડી છે.

મદ્રાસ ઈલાકાના એક વખતના ગવર્નર સર ટૉમસ મનરો કહે છે:

હિંદુસ્તાનના લોકોને સુધારવાની વાતનો અર્થ હું ચોક્કસ સમજી શકતો નથી. સારા રાજવહીવટના સિદ્ધાંત અને વહેવારની બાબતમાં સંભવ છે કે તે લોકો અધૂરા હોય, પણ ખેતીવાડીની સારી પદ્ધતિ ને વ્યવસ્થા, કારીગરીના માલની અજોડ પેદાશ, સગવડ અને આનંદપ્રમોદને માટે જરૂરી જણાય તે બધું પેદા કરવાની શક્તિ ને આવડત, બાળકોને લખતાંવાંચતાં શીખવવાને માટે નિશાળોની યોજના, સારી મહેમાનગીરીનો અને બીજે માયાળુ વહેવાર, અને સૌથી વિશેષ સ્ત્રીવર્ગને માટે ચીવટથી રાખવામાં આવતો આદર અને તેના તરફ બતાવવામાં આવતી નમ્રતા એ બધાં જ સુધરેલા લોકોને ઓળખાવનારાં લક્ષણો હોય, તો હિંદના વતનીઓ યુરોપના લોકો કરતાં સુધારામાં ઊતરતા નથી.

હિંદીઓના સામાન્ય ચારિત્ર્યની બાબતમાં સર જયોર્જ બર્ડવુડ નીચે મુજબ અભિપ્રાય છે :

તે લોકો ભારે ખામોશ રાખનારા અને ધીરજવાળા, ખડતલ અને સહનશક્તિવાળા, કરકસર કરવાવાળા અને ઉદ્યમી, કાયદાને માન આપી ચાલનારા અને સુલેહશાન્તિ ચાહનારા છે. . . . ભણેલા અને ઉપલા દરજજાના વેપારી વર્ગના લોકો પ્રામાણિક અને સાચા