પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૭
ખુલ્લો પત્ર
અને હું કહી શકું તેટલા પ્રમાણમાં વધારેમાં વધારે સ્પષ્ટ અર્થમાં બ્રિટિશ સરકાર તરફ વફાદાર અને તેના પર ઇતબાર રાખનારા છે; અને આ ભાષા તમે સમજી શકો એવી છે. ખુદ ટયુટોનિક વંશના લોકોની માફક નૈતિક સચ્ચાઈ મુંબઈના શેઠિયા (ઉપલા) વર્ગના લોકોનું સહેજે વરતાઈ આવે તેવું ખાસ લક્ષણ છે. ટૂંકમાં, હિંદના લોકો કોઈ પણ પ્રકારના અસલ અર્થમાં આપણાથી ઊતરતા દરજજાના નથી. જે કેટલાંક આપણે માટે પણ ખોટાં ગણાય એવાં ખોટાં ધોરણો સ્વીકારીને આપણે ચાલીએ છીએ તેને માપે મપાતી બાબતોમાં તે લોકો આપણાથી ચડિયાતા છે.

સર સી. ટ્રવેલ્યાન લખે છે :

તેમનામાં ઘણી વહીવટી આવડત અને શક્તિ છે, ઘણી ખામોશ છે, ભારે ઉદ્યમ છે અને ખૂબ તીવ્ર બુદ્ધિની શક્તિ છે.

તેમના કૌટુંબિક સંબંધો માટે સર ડબલ્યુ. ડબલ્યુ. હન્ટર આ પ્રમાણે કહે છે:

હિંદના લોકોના દિલમાં કુટુંબનું હિત અને કુટુંબ માટેના પ્રેમનું જે સ્થાન છે તેની બાબતમાં અંગ્રેજોની સાથે તેમની કોઈ સરખામણી ન હોઈ શકે. તેમનામાં માબાપનો બાળકોને માટે અને બાળકોનો માબાપને માટે જે પ્રેમ જોવા મળે છે તેની સાથે સરખાવી શકાય એવું વિલાયતમાં કશું નથી. આ દેશમાં સ્ત્રીપુરુષ વચ્ચે જેવો પ્રેમ જેવા મળે છે તેવો તીવ્ર પણ નરવો પ્રેમ આપણા પૂર્વના નાગરિક બંધુઓમાં માબાપનો સંતાનો તરફ અને સંતાનોનો વડીલો તરફ હોય છે.

અને મિ. પિકટ માને છે કે,

બધી સામાજિક બાબતોમાં અંગ્રેજો હિંદીઓના ગુરુ થવાનો પ્રયાસ કરે તેના કરતાં તેમના પગ આગળ શિષ્ય થઈને શીખવાને બેસવાને વધારે લાયક છે.

એમ. લુઈ જેકોલિયત કહે છે:

માનવજાતનું પારણું એવી જે નું હિંદની પ્રાચીન ભૂમિ છે તેને નમસ્કાર ! સૈકાંઓના નિષ્ઠુર આક્રમણોથી પણ હજી જે વિસ્મરણની ધૂળ નીચે ઢંકાઈ નથી એવી હે પૂજ્ય ને સાચી ધાત્રી તને નમસ્કાર! ધર્મની, પ્રેમની, કાવ્યની અને વિજ્ઞાનની પિતૃભૂમિ તને વારંવાર નમસ્કાર ! અમારા પશ્ચિમના ભાવિમાં તારા ભૂતકાળનો ફરી ઉદય થાય તેને અમે આવકારીશું !

વિકટર હ્યુગો કહે છે :

આ પ્રજાઓએ યુરોપ, ફ્રાન્સ અને જર્મનીને અવતાર આપ્યો છે. પશ્ચિમને માટે

જેવું જર્મની છે તેવું પૂર્વને માટે હિંદ છે.

આમાં આટલી હકીકતો ઉમેરો : કેટલાંકે લોકોના માનવા મુજબ મર્ત્ય માનવે ગાળેલી જિદગીમાં સૌથી વધારે પવિત્ર અને સારામાં સારી જિંદગી ગાળનાર અને બીજા કેટલાકના માનવા મુજબ એકમાત્ર ઈસુના કરતાં બીજા દરજજાની જિંદગી ગાળનાર બુદ્ધને હિંદુસ્તાને પેદા કર્યો છે, જેની રાજનીતિને નજીવા સુધારાવધારા સાથે બ્રિટિશ સરકાર સુધ્ધાં અનુસરતી આવી છે તે અકબરને હિંદુસ્તાને પેદા કર્યો છે, પોતાની બહોળી તેમ જ ઉદાર સખાવતોથી જેણે એકલા હિંદને નહીં, ખુદ વિલાયતને પણ દિંગ કરી દીધું હતું તે પારસી બેરોનેટને હિંદે હમણાં