પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
ગાંધીજીનો અક્ષરદેહ

થોડાં વરસ પર ગુમાવ્યો છે, હિંદના હાલના વાઈસરૉય લૉર્ડ એલ્ગિને જેની યુરોપના સારામાં સારા પત્રકારો સાથે સરખામણી કરી છે તે પત્રકાર ક્રિસ્ટોદાસ પૉલને હિંદ પેદા કર્યો છે; હિંદની અદાલતોની બેઠકો શોભાવનાર યુરોપિયન તેમ જ હિંદુસ્તાની બન્ને જાતિના ન્યાયાધીશો પૈકી જેમના અદાલતી ચુકાદાઓને ઉત્તમ પ્રકારના સમર્થ ચુકાદાઓ ગણાવવામાં આવ્યા છે તે હિંદની વડી અદાલતોના બે ન્યાયાધીશો મહમદ અને મુથુકૃષ્ણ આયરને[૧] છે; અને છેવટે અનેક પ્રસંગોએ અંગ્રેજ શ્રોતાસમુદાયોને પોતાની વાણીની છટાથી મંત્રમુગ્ધ કરનાર બદરુદ્દીન [તૈયબજી], [સુરેન્દ્રનાથ] બૅનરજી, અને ફિરોજશાહ [મહેતા] જેવા વક્તાઓ હિંદ પાસે છે.

આવું છે હિંદ. આ ચિત્ર તમને વધારે પડતું રંગેલું અથવા તરંગી દેખાય છતાં મારે કહેવું જોઈએ કે તે સાચું છે. બંને પ્રજાઓને એક કરવાને બદલે જુદી રાખવામાં જેમને આનંદ આવતો હોય તે ભલે ચિત્રની બીજી બાજુ બતાવે. તો પછી મારી વિનંતી છે કે બન્નેની ડેનિયલના જેવા નિષ્પક્ષ વલણથી તુલના કરજો અને હું તમને ખાતરી આપું છું કે હિંદુસ્તાન આફ્રિકા નથી અને सुधाराના સાચામાં સાચા અર્થમાં જેને સુધરેલો કહી શકાય એવો તે દેશ છે એવું માનવાને તમને પ્રેરે તેવું ઉપર જે કહ્યું છે તેમાંના ઘણા મોટા ભાગનું જરાયે અાંચ આવ્યા વગરનું બાકી રહેશે.

આમ છતાં આ મુદ્દો પૂરો કરું તે પહેલાં લઈ શકાય તેવા એક વાંધાની ચર્ચા કરી લેવાની હું રજા ચાહું છું. એમ કહેવામાં આવશે કે “તમે કહો છો તે સાચું હોય તો સંસ્થાનમાંના જે લોકોને તમે હિંદી કહો છો તેઓ હિંદી નથી કેમ કે તમે જેમને હિંદી કહીને ઓળખાવો છો, તેમનામાં એવી કેટલીક આદતો ઘર કરી ગયેલી છે કે જે તમારા વિવેચનને ખોટું સાબિત કરી આપ્યા વગર રહેતી નથી. એ લોકો કેવા હડહડતા જૂઠાબોલા છે તે જુઓ.” આ સંસ્થાનમાં જેને જેને મારે મળવાનું થયું છે તે સૌએ હિંદીઓની જુઠું બોલવાની આદતની દલીલ આગળ કરી છે. મર્યાદિત પ્રમાણમાં આ આરોપનો હું સ્વીકાર કરું છું. આ વાંધાના જવાબમાં હું બતાવી શકું કે બીજા વગેના લોકો અને તેમાંયે તે બધા જ્યારે અને જો કમનસીબ હિંદીઓના જેવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે અને તો ખાસ કરીને આ બાબતમાં વધારે સારી રીતે ચાલી શકતા નથી તો તેટલાથી મને ઝાઝો સંતોષ નહીં થાય. અને છતાં મને ડર રહે છે કે એવી જાતની દલીલનો આધાર લીધા વગર મારે છૂટકો નથી. મારી તો એવી ઘણી ઇચ્છા છે કે તે લોકો જુદી રીતે ચાલે, પણ તે બધા માણસોની પ્રકૃતિથી પર છે એવું સાબિત કરવાને હું તદ્દન અસમર્થ છું એમ મારે કબૂલ કરવું જોઈએ. તે બધા માંડ ભૂખમરામાંથી બચી શકાય એટલી રોજી પર અહીં નાતાલમાં આવે છે (અહીં હું બાંધી મુદતના કરારથી આવતા હિંદીઓની વાત કરું છું). અહીં આવ્યા બાદ તેમને સમજાય છે કે પોતે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા હોઈ પોતાની આજુબાજુના સંજોગો પ્રતિકૂળ છે જે ક્ષણે તેઓ હિંદ છોડે છે તે ક્ષણથી તે બધા જે સંસ્થાનમાં વસવાટ કરીને રહે છે તો બાકીનો આખો જન્મારો કોઈ પણ પ્રકારની નૈતિક કેળવણી વગર ગાળે છે. તેઓ હિંદુ હોય કે મુસલમાન, જેને નૈતિક અગર ધાર્મિક શિક્ષણ કહી શકાય તેવી નામનીયે કેળવણી તેમને મળતી નથી. બહારની મદદ વગર પોતાની જાતને વધારે કેળવી શકે એવું જરૂરી ભણતર તેઓ પામ્યા હોતા નથી. આવી દશામાં


  1. ૧. આ ઉલ્લેખ સર ટી. મુથુસ્વામી આય૨ વિષે છે. હિંદુસ્તાને પેદા કર્યા