પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૯
ખુલ્લો પત્ર

જૂઠું બોલવાને નામનીયે લાલચ ઊભી થતાંવેંત તે બધા સહેજે તેને વશ થાય છે. થોડો વખત જતાં જૂઠું બોલવાની તેમને આદત પડી જાય છે અને તે બીમારી તેમને લાગુ પડે છે. પછી કોઈ પણ કારણ વગર, પોતાની ભૌતિક સ્થિતિ સુધારવાની કશી આશા ન હોવા છતાં, અરે, પોતે શું કરે છે તેના ભાન વગર તેઓ જૂઠું બોલે છે, જરૂરી કાળજી ન રાખવાને કારણે નૈતિક શક્તિ તદ્દન ક્ષીણ થઈ જાય એવી જિંદગીની કક્ષાએ તેઓ પહેાંચી જાય છે. આ ઉપરાંત જૂઠાણાંનો એક અત્યંત દુ:ખદ પ્રકાર પણ જોવાનો મળે છે. પોતાનો માલિક રંજાડશે એવા ડરના માર્યા એ લોકો પોતાના નાહક રંજાડ સહન કરનારા ભાઈને ખાતર પણ સાચું બોલવાની હિંમત કરી શકતા નથી. પોતાના માલિકની સામે જુબાની આપવાની હિંમત કરવાથી પોતાને મજૂરી પેટે મળતા કંગાળ ખોરાકમાં પણ ઘટાડો થવાની અથવા સખત મારઝૂડની ધમકીને સમતાથી વેઠી લેવા જેટલી ફિલસૂફી તેઓ કેળવી શકયા નથી. તો આ માણસોનો તિરસ્કાર કરવાને બદલે તેમની દયા ખાવા જેવી નથી કે ? જરાયે દયાને લાયક નહીં એવા બદમાશો ગણીને તેમની સાથે વર્તવું જોઈએ કે સહાનુભૂતિ તેમ જ અનુકંપાની ઊંડી ભૂખવાળા લાચાર જીવો તેમને લેખવા જોઈએ? એમના જેવા સંજોગોમાં એ લોકો જેમ વર્તે છે તેમ ન વર્તવાવાળા લોકોનો કોઈ પણ વર્ગ છે ખરો કે?

પણ એમના જેવા જ જૂઠું બોલવાવાળા વેપારીઓ પણ છે તેમના બચાવમાં તમે શું કહી શકશો એવો સવાલ મને કરવામાં આવશે. આ બાબતમાં હું નમ્રપણે એટલું જ કહેવાની રજા ચાહું કે એ લોકો પર મૂકવામાં આવતો આરોપ પાયા વગરનો હોઈ વેપારના અથવા અદાલતોના કાનૂની કામકાજને અંગે બીજા વગેના લોકો બોલે છે તેનાથી વધારે જૂઠું એઓ બોલતા નથી. એક તો એ લોકો અંગ્રેજી બોલી શકતા નથી તે કારણે અને બીજું, દુભાષિયાનું કામ કરનારાઓનો વાંક નથી છતાં તે લોકો જે કહે છે તેનો તરજુમો કરવામાં ઘણી ખામી હોય છે તે કારણે એ લોકોની બાબતમાં બહુ મોટી ગેરસમજ ચાલ્યા કરે છે. દુભાષિયાઓ પાસે તામિલ, તેલુગુ, હિંદુસ્તાની અને ગુજરાતી એમ ચાર ભાષાઓમાં થતી વાતોનો અર્થ અંગ્રેજીમાં સફળપણે રજૂ કરવાના પાર વગરની મહેનત અને આવડતના કામની અપેક્ષા રાખવામાં આવે છે. વેપારમાં પડેલો હિંદી હંમેશ હિંદુસ્તાની અગર ગુજરાતીમાં બોલે છે. જેઓ એકલું હિંદુસ્તાની બોલે છે તેઓ ઊંચી જાતનું હિંદુસ્તાની વાપરે છે. માત્ર એક અપવાદ બાદ કરતાં બાકીના બધા દુભાષિયા અત્યંત ખરાબ હિંદુસ્તાની વ્યાકરણવાળી તામિલ, ગુજરાતી અને બીજી હિંદની ભાષાઓના તરેહવાર મિશ્રણથી બનેલી સ્થાનિક હિંદુસ્તાનીનો ઉપયોગ કરે છે. એથી કુદરતી રીતે સાક્ષીનો અર્થ પકડી શકે તે પહેલાં દુભાષિયાને તેની સાથે દલીલોમાં ઊતરવું પડે છે. આ ક્રિયા ચાલતી હોય તે દરમિયાન ન્યાયાધીશની ધીરજ ખૂટી જાય છે અને તેને લાગે છે કે સાક્ષી જૂઠું ચલાવે છે, દુભાષિયાને પૂછવામાં આવે છે ત્યારે માણસના સ્વભાવ પ્રમાણે પોતાનું ભાષાનું અધૂરું જ્ઞાન છાવરવાને તે બિચારો ન્યાયાધીશને સાક્ષી સીધા જવાબ આપતો નથી ! એવું કહીને છૂટી જાય છે. બિચારા સાક્ષીને પોતાની સાચી વાત કહેવાની કે જણાવવાની તક સરખી રહેતી નથી. ગુજરાતી બોલનારાઓની બાબતમાં વાત એથીયે ગંભીર હોય છે. અદાલતોમાં એકે ગુજરાતી દુભાષિયો નથી. સાક્ષી બોલે છે તેની કેવળ મતલબ દુભાષિયો મહા મુશ્કેલીથી માંડ જેમ તેમ પકડી શકે છે. ગુજરાતી બોલનારા સાક્ષીઓને પોતાની વાત સમજાવવાને અને દુભાષિયાને ગુજરાતી હિંદુસ્તાની સમજવાને ફાંફાં મારતા મેં જાતે જોયા છે. ખરેખર, અજાણ્યા શબ્દોના ખીચડામાંથી કંઈક મતલબ તારવી લેનારા દુભાષિયાની બુદ્ધિની તીવ્રતા ઘણી હોવી