પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ગાંધીજીનો અક્ષરદેહ


જોઈએ. પણ આ મથામણ ચાલ્યા કરતી હોય તે દરમિયાન સાક્ષી જે કંઈ કહે તેમાંનો એક અક્ષર પણ ન માનવાનો નિર્ણય ન્યાયાધીશ કરી લે છે અને તે પાકો જૂઠો છે એવી મનમાં ગાંઠ વાળે છે.

“તેમની સાથે અત્યારે રાખવામાં આવતું વર્તન ઉત્તમ પ્રકારની બ્રિટિશ પરંપરા અનુસાર, અથવા ન્યાય અને નીતિના સિદ્ધાન્તો અનુસાર અથવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તો અનુસાર છે કે?” એ ત્રીજા સવાલનો જવાબ આપવાને સારુ તે વર્તન કેવું છે તે તપાસી જવાની જરૂર છે. સંસ્થાનમાં હિંદી તરફ ઊંડી ઘૃણા રાખવામાં આવે છે એ વાત સહેજે સ્વીકારવામાં આવશે એમ હું માનું છું, રસ્તે ચાલતો માણસ તેનો તિરસ્કાર કરે છે, તેને ગાળો દે છે, તેના પર થૂંકે છે અને વારંવાર તેને રસ્તાની બાજુ પર આવેલી પગે ચાલવાની પગથી પરથી ધક્કો મારીને હડસેલી દે છે. તેને ગાળ આપવાને સારુ છાપાંઓને ઉત્તમ અંગ્રેજી શબ્દકોશમાંથી પણ પૂરતો સખત શબ્દ જડતો નથી. થોડા નમૂના આપું. “સમાજના ખુદ મર્મને કોરી ખાનારો અસલ કીડો”; “પારકી મહેનત પર જીવનારા આ વાંદા'; “લુચ્ચા, ઠગ, ભૂંડા, અર્ધા જંગલી એશિયાઈઓ”; “કાળી, લાંબી ને પાતળી ચીજ જે ચોખ્ખાઈથી કયાંયે આધી રહે છે અને જેનું નામ છે શાપિત હિંદુ"; “તેનામાં દુર્ગુણનો પાર નથી, તે ચોખા ખાઈને જીવે છે. . . . હું તે હિંદુને મારા અંતરથી શાપ આપું છું”; “સાચ વગરની જીભવાળા, અને જાતજાતનાં કપટવાળા, હીન કુલીઓ”; બધાં છાપાંઓ લગભગ એકમત થઈને હિંદીને તેના અસલ નામથી ઓળખાવવાનો ઈન્કાર કરે છે. તે બધાં તેનો કાં તો “રામસામી"; કાં તો “મિ. સામી”; “મિ. કુલી”; અથવા “મિ. બ્લેક મેન” (મિ. કાળા) કહીને ઉલ્લેખ કરે છે. અને આ બધાં અપમાનજનક નામો એટલાં બધાં સામાન્ય થઈ પડયાં છે કે તે (કંઈ નહીં તો તેમાંનું એક “કુલી”) અદાલતોનાં પવિત્ર ધામોમાં પણ વપરાય છે અને હરકોઈ તેમ જ બધા હિંદીઓને માટેનું કાયદેસરનું ઘટનું નામ હોય તેમ “કુલી” નામથી તો વકીલો ને ન્યાયાધીશો પણ તેમનો ઉલ્લેખ કરે છે. જાહેર કાર્યકરો પણ એ શબ્દોનો છૂટથી ઉપયોગ કરે છે. જેમની પાસેથી વધારે સમજની અપેક્ષા સહેજે રાખી શકાય તેવા લોકોના મોઢામાંથી પણ “કુલી ક્લાર્ક” (કારકુન) એવું દુ:ખદ વેણ નીકળતું વારંવાર મારા સાંભળવામાં આવ્યું છે. એ નામ એકબીજાથી વિરોધી અર્થવાળા શબ્દોનું બનેલું હોઈ જેમને માટે તે વાપરવામાં આવે છે તેમને માટે અત્યંત અપમાન કરનારું છે. પણ આ સંસ્થાનમાં હિંદી તો એક લાગણી વગરનું પ્રાણી છે ને! ટ્રામગાડીઓ હિંદીઓને સારુ નથી… રેલવેના અમલદારો હિંદીઓને ઢોર ગણીને તેમની સાથે કામ લે છે. હિંદી ઉતારુ ગમે તેટલો સ્વચ્છ ને સુઘડ હોય તોપણ તેના દેખાવ માત્રથી સંસ્થાનમાં તો હરેક ગોરો એવો સુગાઈ જાય છે કે થોડા વખતને સારુ પણ તેની સાથે એક ખાનામાં બેસવામાં વાંધો લે છે. હોટેલોનાં બારણાં તેમને માટે બંધ હોય છે. મોભાદાર હિંદીઓને હોટલમાં રાતવાસો રાખવાને ઇન્કાર થયાના દાખલા મારી જાણમાં છે. હિંદી ગમે તે દરજ્જાના હોય પણ જાહેર સ્નાનઘરોમાં તેમને પેસવા દેવામાં આવતા નથી.

સંસ્થાનમાં આવેલી જુદી જુદી મિલકતો પર રહેતા મુદતી કરારથી બંધાઈને આવેલા હિંદી મજૂરોની સાથે રાખવામાં આવતા વર્તનના જે હેવાલો મને મળ્યા છે તેમાંના દસમા ભાગની વાતો માનું તોપણ એ મિલકતો પર રહેનારા માલિકો અને એ મજૂરોના હિતની સંભાળ