પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
ખુલ્લો પત્ર

રાખવાને રોકવામાં આવતા અમલદાર (પ્રોટેકટર) એ બન્નેની માનવતાની સામે ભયંકર તહોમતનામું થાય. પણ આ વિષય એવો છે કે તેને અંગેનો મારો અત્યંત મર્યાદિત અનુભવ મને તેની વધારે ચર્ચા અગર ટીકા કરવાને મના કરે છે.

રોજગાર વગરના રઝળુ લોકોને માટેનો કાયદો નાહકનો જુલમનું નિમિત્ત બને છે અને ઘણી વાર આબરૂદાર હિંદીઓને ઘણી કફોડી દશામાં મૂકી દે છે.

એ લોકોને લોકેશનો (અલગ વાડાઓ)માં ગોંધાઈને રહેવાને ફરજ પાડવી જોઈએ અગર સમજાવવા જોઈએ એવી જે અફવાઓ હવામાં જયાં ત્યાં ફેલાયેલી છે તે આમાં ઉમેરો. સંભવ છે કે એવો માત્ર ઇરાદો રાખવામાં આવતો હોય, તેમ છતાં તેમાંથી યુરોપિયન સંસ્થાનવાસીઓની હિંદીઓ તરફની લાગણી છતી થાય છે. આ બધા ઈરાદા વહેવારમાં અમલમાં મુકાવાની શકયતા હોય તો નાતાલમાં હિંદીઓની કેવી હાલત થાય તેનું ચિત્ર તમારા મનમાં દોરવાને મારી તમને વિનંતી છે.

હવે, હિંદીઓ તરફ રાખવામાં આવતું આવું વર્તન બ્રિટનની ન્યાયની પરંપરા અનુસાર, અથવા નીતિ અનુસાર, અથવા ખ્રિસ્તી ધર્મને અનુસાર છે ખરું કે?

તમારી પરવાનગીથી મૅકોલેનાં વચનોમાંથી એક ઉતારો ટાંકી હિંદીઓ તરફ રાખવામાં આવતા અત્યારના વર્તનને તેનો ટેકો મળ્યો હોત કે કેમ તે સવાલનો જવાબ આપવાનું હું તમારા પર છોડી દઉં છું. હિંદીઓ તરફ રાખવામાં આવતા વર્તનના વિષય પર બોલતાં તેણે પોતાના વિચારો નીચે મુજબ વ્યક્ત કર્યા હતા:

જેને ઈશ્વરે આપણે હવાલે કરી છે તે મહાન પ્રજા આપણા કાબૂને અનુકૂળ થઈ તેનો સરળતાથી સ્વીકાર કરે એવો ભૂંડો આશય પાર પાડવાને ખાતર તેને મૂઢ બનાવવાને તેમ જ તેના ચેતનને હણી નાખવાને તે આખા સમાજને અફીણનો કાવો પિવડાવવાની યોજનાને આપણે હરગિજ મંજૂર નહીં રાખીએ. શાસિતોનાં દુર્વ્યસનોના, તેમના અજ્ઞાનના અને તેમના કંગાળપણાના પાયા પર ઊભી રહેનારી સત્તાની, અને ત્રણ હજાર વરસથી રાજાઓના ને ઠગારા ધર્મગુરુઓના તંત્રના જુલમ હેઠળ કચડાતી આવેલી પ્રજા તરફ પ્રમાણમાં રાજકીય સ્વતંત્રતા તેમ જ બુદ્ધિનો પ્રકાશ સામાન્ય રીતે એક પ્રજાને ભાગે આવે તેનાથી ઘણાં વધારે હાંસલ કરનાર પ્રજાએ શાસકો તરીકે શાસિતો તરફ અદા કરવાની પવિત્રમાં પવિત્ર ફરજોનો સરિયામ ભંગ કર્યા વગર ટકાવી ન શકીએ તે સત્તાની કિંમત કેટલી? आपणे मुक्त छीए; आपणे सुधरेला छीए; पण मानवजातना कोई पण भागने आपणा जेटली ज स्वतंत्रता आपतां आनाकानी करीए तो आपणी स्वतंत्रता अने आपणा सुधारानो झाझो अर्थ रहेतो नथी.

મિલ, બર્ક, બ્રાઈટ અને ફૉસેટ જેવા લેખકોનો હવાલો હું તમને આપું છું તે પરથી તમને વધારે સ્પષ્ટ થશે કે કંઈ નહીં તો એ લોકો સંસ્થાનમાં હિંદીઓ તરફ ચલાવવામાં આવતા વર્તનને ચલાવી લેવા તૈયાર નહીં થાય – માંડ ભૂખમરામાંથી ઊગરી જવાય એટલી રોજી આપવાના કરારથી બાંધીને માણસને અહીં આણવો, તેને ગુલામીનાં બંધનમાં રાખવો, અને પોતે સ્વતંત્ર માણસ છે એવો નામનોયે અણસાર બતાવે અથવા સહેજસાજ ઓછો કંગાળપણાથી જીવી શકે એવી સ્થિતિમાં આવે તેની સાથે જ્યાં પ્રમાણમાં તેને અજાણ્યા થઈને રહેવું પડે અને સંભવ