પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
યુરોપિયનોને પત્ર


તેમણે પોતાનાં લખાણો, ભાષણો અને કાર્યોથી બતાવી આપ્યું છે. આના સમર્થનમાં બ્રાઈટ, ફૉસેટ, બ્રૅડલો, ગ્લૅડસ્ટન, વેડરબર્ન, પિકટ, રિપન, રૅ, નેાર્થબ્રુક, ડફરિન, અને એવા બીજા ઇંગ્લંડના જાહેરમતના પ્રતિનિધિ એવા કેટલાયે ઊંચા દરજજાના અંગ્રેજોનાં લખાણો, ભાષણો અને કામોને જોવાની વિનંતી કરું છું. બ્રિટનના ખુદ વડાપ્રધાને પોતાની ઇચ્છા વિરોધમાં પ્રગટ કરી હોવા છતાં એક અંગ્રેજ મતદારમંડળે બ્રિટિશ પાર્લમેન્ટની આમસભામાં[૧] પોતાના પ્રતિનિધિ તરીકે એક હિંદીને ચૂંટી મોકલ્યો, લિબરલ તેમ જ કૉન્ઝર્વેટીવ એમ બંને મતવાળાં એટલે કે બ્રિટનનાં લગભગ બધાંયે અખબારોએ તે હિંદી સભ્યને પોતાની સફળતાને સારુ અભિનંદન આપ્યાં અને આ અનન્ય બનાવને પોતાનું અનુમોદન આપ્યું. વળી, લિબરલ તેમ જ કૉન્ઝર્વેટીવ એમ બંને પક્ષોના સભ્યોએ એટલે કે આખી આમસભાએ તેમને ઉમળકાભેર આવકાર્યા એટલી એક જ હકીકત મારી વાતનું સમર્થન કરે છે એમ હું સૂચવું છું. તો પછી તમે તેમને અનુસરશો કે નવો ચીલો પાડશો? “પ્રગતિની શરત” મનાતી એકતાને કે “અવનતિની શરત” મનાતા કુસંપ અથવા જુદાઈને તમે ઉત્તેજન આપશો?

છેવટે જે ભાવથી ઉપરનું લખાયું છે તે જ ભાવથી તેને સ્વીકારવાની તમને વિનંતી કરું છું.

હું છું

 

તમારો આજ્ઞાંકિત સેવક

 

મો. ક. ગાંધી

  [મૂળ અંગ્રેજી]

ડરબનના નાતાલ મકર્યુરી સ્ટીમ પ્રિન્ટિગ વકર્સમાં છપાયેલા ચોપાનિયામાંથી.




૪૩. યુરોપિયનોને પત્ર[૨]
બીચ ગ્રૂવ,

 

ડરબન,

 

ડિસેમ્બર ૧૯, ૧૮૯૪

  સાહેબ,

આ સાથે બીડેલું લખાણ હું તમને મોકલવાનું સાહસ કરું છું અને એ ખુલ્લા પત્રના વિષય પર તમારો અભિપ્રાય જણાવવાને વિનંતી કરું છું.

તમે પાદરી, છાપાના તંત્રી, જાહેર કાર્યકર, વેપારી અથવા વકીલ ગમે તે હો, આ વિષય પર તમારે ધ્યાન આપ્યા વગર છૂટકો નથી. તમે પાદરી હો તો તમારા માનવબંધુઓ સાથે ઈસુને પસંદ ન પડે એવો વહેવાર રખાતો હોય તેને સીધી અગર આડકતરી રીતે ચલાવી ન લેવાની તમારી ફરજ ઊભી થાય છે. કેમ કે તમે ઈસુના ઉપદેશના પ્રતિનિધિ છો. તમે અખબારના તંત્રી હો તો તમારી જવાબદારી એટલી જ મોટી છે. પત્રકાર તરીકેનો તમારો પ્રભાવ તમે


  1. સેન્ટ્રલ ફિન્સબરી મતદાર મંડળમાંથી ૧૮૯૩ની સાલમાં દાદાભાઈ નવરોજી ચૂંટાયા તેને આ ઉલ્લેખ છે.
  2. નાતાલમાંના યુરોપિયનોને ગાંધીજીએ મોકલેલા પરિપત્ર રૂપે છાપેલો પત્ર.