પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
ધારાસભાના સભ્યોને માટે સવાલો


રાખી હોય તેવાં પરિણામો અમે બીજાં કેટલાંયે દર્શાવી શકત. અમને એક અઠવાડિયાનો વધારે વખત આપવામાં આવત તો ઍસેમ્બલી સમક્ષ અમે અમારી દાદ ઘણી વધારે વિગતથી રજૂ કરી શકત. પછી અમારું કામ અમે આપ નામદારના હાથમાં છોડી દેત અને આપ નામદારને અમારા અંતરની બધી લાગણીથી આજીજી કરત કે આપ નામદારના સમર્થ પ્રભાવનો ઉપયોગ કરી હિંદીઓને ન્યાય અપાવો. કેમ કે અમારે કેવળ ન્યાય જોઈએ છે, બીજું કંઈ જ જોઈતું નથી.

આ પ્રતિનિધિમંડળને મુલાકાત આપવાને માટે અને અમારા તરફ બતાવવામાં આવેલી ધીરજ તેમ જ સૌજન્યને માટે અમે આપ નામદારનો આભાર માનીએ છીએ.

હિંદી કોમની વતી આપની આગળ રજૂ થનાર અમે છીએ,

આપ નામદારના અત્યંત આજ્ઞાંકિત સેવકો


મો. ક. ગાંધી


અને ત્રણ બીજા


[મૂળ અંગ્રેજી]

૧૮૯૬ની સાલના એપ્રિલ માસની ૨૧મી તારીખે નાતાલની લેજિસ્લેટિવ ઍસેમ્બલીના હુકમથી પ્રસિદ્ધ થયેલા પત્રવહેવારના પરિશિષ્ટમાંનું નં. ૧.

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૧૮૧, મુ. ૪૧.



૨૭. ધારાસભાના સભ્યોને માટે સવાલો[૧]
(પરિપત્ર)
ડરબન,
જુલાઈ ૧, ૧૮૯૪

શ્રી

સાહેબ,

અમે નીચે સહી કરનારાઓએ આ પત્રની નકલો માનનીય લેજિસ્લેટિવ કાઉન્સિલ અને માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલી બન્નેના માનનીય સભ્યોને રજિસ્ટર્ડ ટપાલથી મોકલી છે અને તેમને સાથેના બિડાણમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપવા વિનંતી કરી છે. સાથેની યાદીમાંના વિશેષના ખાનામાં તમારે જે વિશેષ કહેવું હોય તે લખી જવાબના ખાનામાં તમારો જવાબ ભરી મોકલવાની અને તેના પર તમારી સહી કરી નીચે સહી કરનારાઓમાંથી પહેલાને ઉપરને સરનામે મોકલવાની મહેરબાની કરશો તો તમારો અમારા પર મોટો ઉપકાર થશે.

અમે છીએ, સાહેબ


તમારા


આજ્ઞાંકિત સેવકો


મો. ક. ગાંધી


અને ચાર બીજા



  1. ૧, લોર્ડ રિપનને મોકલવામાં આવેલી અરજીના ફકરા ૮મામાં આ પત્ર અને પ્રશ્નાવલિને ઉલ્લેખ છે. જુઓ આગળ પા. ૮૮.