પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૫૦. કમરુદ્દીનને કાગળ
પી. ઓ. બૉકસ ૬૬


ડરબન, નાતાલ,


૫-૫-૧૮૯૫


રા. રા. મહંમદ કાસમ કમરુદ્દીન,

આપના તરફથી ઇન્ડિયન સહીઓ મળી. ડચની સહીઓ લઈને તુરત પ્રિટોરિયે મોકલાવી હશે. એ કામ ઘણું જરૂરનું છે એટલે ઢીલ ન થવી જોઈએ. મેં પ્રિટોરિયે તાર પણ કર્યો છે કે ડચની અરજીની [૧] નકલ ત્યાં મોકલે. તે બધું કામ બુધવાર સુધીમાં ખલાસ થઈ જવું જોઈએ. શું કર્યું છે તે ખબર વિગતવાર લખજો.

સૌ કોઈ હિંદુસ્તાનીએ આમાં મહેનત કરવાની પૂરી જરૂર છે. નહીં તો પાછળથી પસ્તાવો થશે.

મોહનદાસ ગાંધી


ગાંધીજીના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ગુજરાતી કાગળની છબી પરથી.



પ૧. શાકાહારી મિશનરીઓની મંડળી

વિલાયતમાં હતો ત્યારે મિસિસ ઍના કિંગ્ઝફર્ડના धि परफेक्ट वे इन डायेट (આહારનો પૂર્ણ માર્ગ) પુસ્તકમાં મારા વાંચવામાં આવેલું કે દક્ષિણ આફ્રિકામાં ટ્રૅપિસ્ટોની એક વસાહત છે અને તે બધા શાકાહારી છે, ત્યારની એ શાકાહારીઓની મુલાકાત કરવાની મને ઇચ્છા થયેલી. આખરે એ ઇચ્છા પાર પડી છે.

શરૂઆતમાં જણાવી લઉં કે દક્ષિણ આફ્રિકા - અને ખાસ કરીને નાતાલ, શાકાહારીઓને માટે ખાસ માફક આવે તેવા પ્રદેશો છે, હિંદીઓએ નાતાલ સંસ્થાનને દક્ષિણ આફ્રિકાનો બગીચો બનાવ્યો છે, દક્ષિણ આફ્રિકામાં ગમે તે વનસ્પતિ અને તે પણ ભરપૂર પ્રમાણમાં ઉગાડી શકાય છે. ત્યાં કેળાં, અનાનસ અને મોસંબીનો પુરવઠો ખૂટયો ખૂટે નહીં એટલો હોઈ ત્યાંના લોકોને જોઈએ તે કરતાં અનેકગણો વધારે છે. એટલે નાતાલમાં શાકાહારીઓ સારી પેઠે આબાદ થઈ શકે તેમાં કોઈ નવાઈ નથી. ખરેખર એક માત્ર નવાઈ એ છે કે આટલી બધી આવી સગવડો અને ગરમ આબોહવા છતાં ત્યાં શાકાહારી ઝાઝા જોવાના મળતા નથી. પરિણામે જમીનના મોટા મોટા વિસ્તારો હજી સંભાળ અને ખેડયા વગરના પડતર પડયા છે. ખોરાકના બધા મુખ્ય પદાર્થો દક્ષિણ આફ્રિકામાં ઉગાડવાનું પૂરેપૂરું શકય હોવા છતાં તેમની બહારથી : આયાત કરવામાં આવે છે અને તેથી નાતાલ જેવા ઘણા બહોળા પ્રદેશમાં ૪૦,૦૦૦ ગોરાઓની નાનકડી વસ્તીને ઘણી હાલાકી વેઠવી પડે છે. આ બધાનું કારણ એટલું કે તેમને ખેતી અને તેને લગતા વ્યવસાયોમાં પડવું નથી.


  1. ૧. પછીનું ૧૫૦મું પાનું જોવું.