પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૧
શાકાહારી મિશનરીઓની મંડળી


દેખાવોનું સ્મરણ કરાવનારાં જુદાં જુદાં વચનો જેમના પર કોતરેલાં છે એવા નાના નાના ખડકો આવેલા છે. ખીણ આખી હરિયાળી વનસ્પતિના ગાલીચાથી ઢંકાયેલી હોઈ તેની વચ્ચે વચ્ચે રળિયામણાં વૃક્ષો ઊભાં છે. આથી વધારે રળિયામણી પગથી અથવા વધારે મનોહર દેખાવ કલ્પવો પણ મુશ્કેલ છે. આવા સ્થળમાં કોતરેલાં વચનો મન પર ઊંડી ભવ્ય અસર કર્યા વગર રહે નહીં, એ વચનો સરખે સરખે અંતરે એવી ખૂબીથી કોતરેલાં છે કે, પગથી પર ચાલનાર એક વાંચી તે પરથી આવતા વિચાર પૂરા કરે ત્યાં બીજું તેની નજરે પડે છે.

એ પગથી પરથી ચાલતાં મન બીજા કોઈ પણ વિચાર અને બહારની ધાંધલ કે ઘોંઘાટની દખલ વગરના શાંત ચિતનનો અનુભવ કરે છે. ખડકો પર કોતરેલાં વચનો પૈકી થોડાં : “ઈસુ પહેલી વાર પડી જાય છે”, “ઈસુ બીજી વાર લથડિયું ખાય છે"; “સાઇમન ક્રૂસ ઊંચકી લે છે”, “ઈસુને ક્રૂસ પર ખીલાથી જડવામાં આવે છે”, “ઈસુને તેની માના ખોળામાં પોઢાડવામાં આવે છે', વગેરે વગેરે.

અલબત્ત, આદિવાસીઓ પણ મોટે ભાગે શાકાહારી છે. તેમને માંસ ખાવાની બંધી નથી છતાં વસાહત પર તે તેમને પૂરું પાડવામાં આવતું નથી.

દક્ષિણ આફ્રિકામાં આવી અાશરે બાર વસાહતો હોઈ તેમાંની મોટા ભાગની નાતાલ સંસ્થાનમાં છે. બધાં મળીને એ બધીમાં લગભગ ૩૦૦ સાધુઓ અને ૧૨૦ સાધ્વીઓ છે.

આવા છે નાતાલમાં આપણા શાકાહારીઓ. એમણે શાકાહારને ધર્મ તરીકે સ્વીકાર્યો નથી, ખોરાક તરીકે શાકાહાર દેહનું દમન કરવામાં પોતાને મદદરૂપ થાય છે એટલું કારણમાત્ર તેમના શાકાહારનો સ્વીકારનો પાયો છે. સંભવ છે કે શાકાહારનો પ્રચાર કરવાવાળી શાકાહારી મંડળીઓની હસ્તીની તેમને જાણ સરખી નહીં હોય અને શાકાહાર વિષેનું સાહિત્ય વાંચવાની તેમને પરવા સુધ્ધાં ન હોય છતાં એવો કયો શાકાહારી હશે જે, જેની સાથેના પ્રાસંગિક મેળાપ માત્રથી પણ માણસનું દિલ પ્રેમ, સહિષ્ણુતા અને આત્મત્યાગના ભાવોથી ઊભરાઈ જાય છે અને જે આધ્યાત્મિક દૃષ્ટિથી શાકાહારના સિદ્ધાંતની પ્રત્યક્ષ જીવતી ફતેહ છે તેવી ઉમદા કાર્ય કરનારી આ મંડળીને માટે ગૌરવ નહીં અનુભવે? જાતઅનુભવથી હું જાણું છું કે વસાહતની એક મુલાકાતને સારુ લંડનથી નાતાલ સુધીનો ફેરો પણ સાર્થક છે. તેનાથી મન પર કાયમની પવિત્રતાની છાપ પડયા વગર રહે નહીં. કોઈ પ્રૉટેસ્ટંટ હો, અગર ખ્રિસ્તી હો, અગર બૌદ્ધ હો, અથવા બીજું ગમે તે હો પણ આ વસાહતની એક વાર મુલાકાત લીધા પછી “આ જ રોમન કૅથલિક સંપ્રદાય હોય તો તેની સામે જે કંઈ કહેવામાં આવતું હોય તે બધું જૂઠું છે” એવા અહોભાવના સ્વાભાવિક ઉદ્ગાર કાઢયા વગર રહી શકશે નહીં. મારી સમજ પ્રમાણે આ બીના બિનતકરાર સાબિત કરે છે કે કોઈ પણ ધર્મ તેના અનુયાયીઓ તેને દેખાડવા ચાહે તે મુજબ દિવ્ય અગર સેતાની દેખાય છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૮–૫–૧૮૯૫