પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પર. લોર્ડ રિપનને અરજી
પ્રિટોરિયા, એસ. એ. આર.,


[મે, ૧૮૯૫ ] [૧]


નામદાર ધિ રાઈટ ઑનરેબલ રિપનના માર્ક્વિસ,
સંસ્થાનો માટેના નેક નામદાર શહેનશાહબાનુના
મુખ્ય સેક્રેટરી ઑફ સ્ટેટ જોગ, લંડન
દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાં વસતા બ્રિટિશ હિંદીઅોની અરજી

નમ્રપણે દર્શાવે છે કે,

પોતાની દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાં જે સ્થિતિ છે અને ખાસ કરીને ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશે હિંદી લવાદીના કેસમાં આપેલા લવાદી ચુકાદાથી તેના પર જે અસર પહોંચી છે તેની બાબતમાં તમારા અરજદારો તમો નામદારને સાદર અરજ ગુજારવાનું સાહસ કરે છે.

૨. તમારા અરજદારોની મોટામાં મોટી સંખ્યા જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં વસવાટ કરીને રહેતી હોવા છતાં તેમનામાંના વેપારી, દુકાનદારોના ગુમાસ્તા, ફેરિયા, રસોઈયા, હોટલોમાં કામ કરતા વેઈટર અથવા મજૂરો તરીકે આખા ટ્રાન્સવાલમાં ફેલાયેલા છે. વેપારીઓની સંખ્યા લગભગ ૨૦૦ની હોઈ તેમની મિલકતની પડતર કિંમત આશરે ૧,૦૦,૦૦૦ પાઉંડ થાય, અા પૈકીની લગભગ ત્રણ પેઢીઓ ઇંગ્લંડ, ડરબન, પોર્ટ ઇલિઝાબેથ, હિંદુસ્તાન અને બીજાં સ્થળોએથી માલ સીધો આયાત કરે છે. તેથી દુનિયાના બીજા ભાગોમાં તેમની શાખાઓ આવેલી હોઈ તે શાખાઓની હસ્તી મોટે ભાગે તેમના ટ્રાન્સવાલમાંના વેપાર પર આધાર રાખે છે. બાકીના નાના નાના દુકાનદારો હોઈ તેમની દુકાનો જુદાં જુદાં સ્થળોએ ચાલે છે. પ્રજાસત્તાક રાજ્યમાં ૨,૦૦૦ ફેરિયાઓ છે ને માલ ખરીદી તેની ચારે કોર ફરીને ફેરી કરે છે. અને તમારા અરજદારો પૈકીના જે મજૂરો છે તેમને યુરોપિયનોનાં ઘરોમાં અને હોટલોમાં સામાન્ય નોકરો તરીકે રોકવામાં આવેલા છે. તેમની સંખ્યા આશરે ૧,૫૦૦ માણસોની હોઈ તેમનામાંના ૧,૦૦૦ જોહાનિસબર્ગમાં રહે છે.

૩. રાજ્યમાંની પોતાની બિનસલામતી તેમ જ અચોક્કસ સ્થિતિની ચર્ચામાં ઊતરતાં પહેલાં તમો નામદારના અરજદારો પૂરેપૂરા વિવેક સાથે દર્શાવવાને હિંમત રાખે છે કે જેમનાં હિત જોખમમાં મુકાયાં છે એવા તમારા અરજદારોને લવાદીની બાબતમાં એક વખત પણ પૂછવામાં આવ્યું નથી અને લવાદીનો સવાલ ઉપાડવામાં આવ્યો તેની સાથે તમારા અરજદારોએ લવાદીના સિદ્ધાંતની અને લવાદી કરનારા પંચની પસંદગીની એમ બંને બાબતોમાં વાંધો ઉઠાવ્યો હતો. એ વાંધો તમારા અરજદારોએ પ્રિટોરિયાના નામદાર બ્રિટિશ એજન્ટને મોઢેથી કહેવડાવ્યો હતો અને અહીં તમારા અરજદારો જણાવવાની સંધિ લેવા ચાહે છે કે, તમારા અરજદારોમાંથી જે જે


  1. ૧. મે માસની ૧૪મી તારીખ પછીના અરસામાં આ અરજી મોકલવામાં આવી હતી.(જુએા પા. ૧૫૦). ૧૮૯૫ની સાલના મે માસની ૩૦મી તારીખે સર જૅકોબસ ડિ બેટે કેપટાઉનમાં૨હેતા હાઈ કમિશનરને તે રવાના કરેલી.