પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪3
લૉર્ડ રિપનને અરજી


વખતોવખત ટ્રાન્સવાલમાંના હિંદીઓની ફરિયાદો અંગે તે નામદારની મુલાકાતે ગયા છે તે સૌને તેમણે પૂરા ધ્યાનથી તેમ જ વિવેકથી સાંભળ્યા છે. કેપટાઉનના નેક નામદાર શહેનશાહબાનુના હાઈ કમિશનરને લેખિત વાંધો સુધ્ધાં મોકલી આપવામાં આવ્યો હતો એ હકીકત તરફ પણ તમારા અરજદારો તમો નામદારનું ધ્યાન ખેંચવા માગે છે. આ બાબત ચર્ચાને જોકે તમારા અરજદારો ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશની ઉદારતા અગર તેમના સાબિત થઈ ચૂકેલા પ્રામાણિકપણાની નામનીયે ટીકા કરવા અથવા નેક નામદાર શહેનશાહબાનુના અમલદારોના શાણપણ વિષે શંકા ઉઠાવવા માગતા નથી. હિંદીઓની સામેના વિદ્વાન વડા ન્યાયાધીશના પૂર્વગ્રહવાળા વલણની જાણ હોવાથી તમારા અરજદારો માનતા હતા અને હજી નમ્રપણે માનવાની હિંમત કરે છે કે જુદી રીતે કામ લેવાની પૂરેપૂરી કોશિશ હોવા છતાં પોતાની સમક્ષ આવનારા કોઈ પણ કેસને અંગેની હકીકતોનું સાચું અને ઘટતું આકલન કરવાને જરૂરી સમતોલ ન્યાયબુદ્ધિથી તેઓ આ સવાલને અંગે વિચારી નહીં શકે, આગળથી બંધાઈ ગયેલા ખ્યાલો અગર પૂર્વગ્રહોથી અજાણતામાં પણ પોતે દોરવાઈ ન જાય તે સારુ જે મુકદ્દમાઓની બાબતમાં પહેલેથી પોતાને જાણકારી હોય છે તેમને વિષે ચુકાદા આપતાં રોકાઈ ગયેલા ન્યાયાધીશોના દાખલા મોજુદ છે.

૪. નેક નામદાર શહેનશાહબાનુની સરકારની વતી વિદ્વાન પંચને ચુકાદાને માટે સોંપવામાં આવેલો મુદ્દો આ મુકદ્દમામાં આ મુજબ દર્શાવવામાં આવ્યો છે:

કાં તો નેક નામદાર શહેનશાહબાનુની સરકારે રજૂ કરેલા અગર દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયે રજૂ કરેલા દાવાની તરફેણમાં ચુકાદો આપવાને અથવા મુકદ્દમામાં ઉઠાવવામાં આવેલા સવાલની સાથે સંબંધ ધરાવતા ખરીતાઓ સાથે વાંચતાં જણાવવામાં આવેલા કાયદાના આદેશોનો જે સાચો અર્થ લાગે તે કરી આપવાને પંચ સ્વતંત્ર છે.

૫. અખબારોમાં પ્રસિદ્ધ થયો છે તે મુજબ પંચનો લવાદી ચુકાદો આ મુજબનો છે:

(અ) નેક નામદાર શહેનશાહબાનુની સરકારના તેમ જ દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકના દાવા મંજૂર રાખવામાં આવતા નથી, સિવાય કે નીચે બતાવ્યા મુજબના પ્રમાણમાં, એટલે કે,
(બ) (કોઈ પણ વ્યક્તિઓ તરફથી અગર તેમની વતી વાંધા ઉઠાવવામાં આવે કે તેમની સાથે કોઈ પ્રકારે લેવામાં આવતું કામ દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયની ફોક્સરાડે (પાર્લમેન્ટે) ૧૮૮૬ની સાલમાં સુધારેલા ૧૮૮૫ની સાલમાં કરવામાં આવેલા કાયદા નં. ૩ની જોગવાઈઓ મુજબનું નથી) તે સંજોગોમાં સામાન્ય ચાલુ ક્રમમાં દેશની અદાલતોએ કરેલા એકમાત્ર ને આગવા અર્થને આધીન રહીને દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક રાજ્ય મજકૂર સુધારેલા કાયદાનો પૂરેપૂરો અમલ કરવાને બંધાયેલું છે અને તે તેનો હક છે કેમ કે હિંદી તેમ જે બીજા એશિયાઈ વેપારીઓ બ્રિટિશ પ્રજાજનો છે.

૬. હવે, તમારા અરજદારો નમ્રતાથી સૂચવે છે કે ઉપર જણાવેલો લવાદી ચુકાદો પંચને સોંપવામાં આવેલા મુદ્દાની બહારનો હોઈ તેને કાયદાનો આધાર નથી અને તેથી નેક નામદાર શહેનશાહબાનુની સરકાર તેનાથી બંધાતી નથી. વિવેક સાથે દર્શાવવામાં આવે છે કે ખુદ જેને ખાતર પંચને લવાદી કરવાનું સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો તે ઉદ્દેશ માર્યો