પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
ગાંધીજીનો અક્ષરદેહ

ગયો છે. ચુકાદાને માટે સોંપવામાં આવેલા મુદ્દાને અંગેના લખાણમાં कां તો બેમાંથી એક સરકારના દાવા મંજૂર રાખવાનું अथवा સવાલને લગતા ખરીતાઓ ધ્યાનમાં રાખી કાયદાના આદેશોનો પોતાને સાચો લાગે તે અર્થ કરી આપવાનું પંચ પર છોડવામાં આવ્યું છે. પોતે અર્થ કરી આપવાને બદલે વિદ્વાન પંચે અર્થ કરવાનો અધિકાર બીજી વ્યક્તિઓને હવાલે કર્યો છે અને વધારામાં તે અધિકાર જેમને હવાલે કર્યો છે તેમને અંગે એવી મર્યાદા મૂકી છે કે પોતાની સ્થિતિને કારણે તે વ્યક્તિઓ જે કાર્યપદ્ધતિ અખત્યાર કરવી જોઈએ તે અખત્યાર ન કરી શકે અને મળી શકે એવો જે પુરાવો મેળવવો જોઈએ તે મેળવી ન શકે એટલું જ નહીં, જે કાર્યપદ્ધતિ પંચે અખત્યાર કરવી જોઈએ અને મળી શકે એવો જે પુરાવો તેણે મેળવવો જોઈએ એવી સ્પષ્ટ શરત કરવામાં આવી હતી તે કાર્યપદ્ધતિ અખત્યાર કરવાથી અને તે પુરાવો મેળવી ઉપયોગમાં લેવાથી જોકે અણિશુદ્ધ કાયદેસરનો ન ગણાય તોયે ન્યાયી અને પક્ષપાત વગરનો અર્થ કરવાને તે વ્યક્તિઓ સહેજે સમર્થ થાય.

૭. તમારા અરજદારો સૂચવે છે કે આ લવાદી ચુકાદો કાયદાના આધાર વગરનો હોઈ બે કારણોસર રદ લેખાવાને પાત્ર છે. એક, પંચે અર્થ કરવાના પોતાના કામનો અધિકાર બીજે સાંપ્યો છે જેમ દુનિયામાં કોઈ પંચ કરી શકતો નથી. બીજું, પંચને નિર્ણયને માટે જે મુદ્દો સોંપવામાં આવ્યો હતો તે તેઓ ચૂકી ગયા છે કેમ કે જે સવાલને અંગે નિર્ણય આપવાનું તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું તે સવાલ અંગે તેમણે નિર્ણય આપ્યો નથી.

૮. એમ લાગે છે કે આ સવાલ લવાદીમાં લઈ જવાનો ઉદ્દેશ કાયદાનો અર્થ કરવાના મુદ્દાનો નિર્ણય અદાલતી રાહે લેવાનો નોતો પણ એ સવાલનો કાયમને માટે નિકાલ કરવાનો હતો. એમ ન હોત તો ટ્રાન્સવાલ ગ્રીન બુકસ નં. ૧ અને ૨, ૧૮૯૪ (ટ્રાન્સવાલ સરકારના ૧૮૯૪ની સાલના લીલા ગ્રંથો નં. ૧ અને ૨)માં જોવા મળતો કાયદાનો અર્થ કરવાના સવાલને લગતો ઘણો વિસ્તૃત પત્રવહેવાર કરવાની માથાકૂટમાં નેક નામદાર શહેનશાહબાનુની સરકાર કદી ન પડી હોત. જે સવાલનો નિર્ણય વાટાઘાટો મારફતે અને રાજકીય દૃષ્ટિથી લેવાનાર હતો અને તમારા અરજદારો સૂચવે છે કે તે જ રસ્તે લઈ શકાય એવો હતો તે પંચનો લવાદી ચુકાદો કાયદાના આધારવાળો મનાય તો હવે કેવળ અદાલતી રાહે લઈ શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે. અને ટ્રાન્સવાલની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશે ટ્રાન્સવાલની સરકાર વતી રજૂ કરવામાં આવેલા મુકદ્દમામાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી દીધાની વાત સાચી હોય તો આ સવાલનો નિર્ણય અગાઉથી લગભગ થઈ ચૂકેલો ગણાય. આ વસ્તુસ્થિતિ છે તે સાબિત કરવાને તમારા અરજદારો તમો નામદારને તે ગાળાની ચાલુ તારીખનાં અખબારો અને ખાસ કરીને ૧૮૯પની સાલના એપ્રિલ માસની ૨૭મી તારીખનું धे जोहानिसबर्ग टाईम्स (અઠવાડિક આવૃત્તિ) જોવાને વિનંતી કરે છે.

૯. પણ તમારા અરજદારો તમો નામદારને વધારે ઉચ્ચ અને વધારે વ્યાપક કારણોસર અપીલ કરે છે; તમારા અરજદારોને પૂરો વિશ્વાસ છે કે જે સવાલ નેક નામદાર શહેનશાહબાનુના હજારો પ્રજાજનોને અસર કરે છે, જેના ઘટતા નિરાકરણ પર સેંકડો બ્રિટિશ પ્રજાજનોના રોટલાનો આધાર છે અને જેનું કેવળ કાયદાની રીતિઓને આધારે કરવામાં આવેલું નિરાકરણ સેંકડો કુટુંબોને બરબાદ કરી તેમને કંગાળ બનાવી મૂકે એમ છે તેનો નિર્ણય કેવળ અદાલતી રાહે લેવામાં નહીં આવે કેમ કે અદાલતોમાં હરેક જણના હાથ અગાઉથી બંધાઈ જાય છે ને આવા પ્રકારની માણસાઈની દૃષ્ટિની વિચારણાને અવકાશ હોતો નથી, વેપારીઓને લાગેવળગે છે ત્યાં