પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬
ગાંધીજીનો અક્ષરદેહ

સાથે પોતાનાં રહેઠાણોની સરખામણી કરવાને આહવાન કરે છે. કેમ કે પ્રિટોરિયામાં એવી સ્થિતિ છે કે તમારા અરજદારોમાંના કેટલાકનાં ઘરો તેમ જ દુકાનોની સાથોસાથ યુરોપિયનોનાં ઘરો તેમ જ દુકાનો આવેલાં છે.

૧૪. નીચે આપવામાં આવેલા વણમાગ્યા પ્રમાણપત્રના મજકૂર વિષે વિવેચન કરવાનું રહેતું નથી. ૧૮૮૫ની સાલના ઑકટોબર માસની સોળમી તારીખે સ્ટૅન્ડર્ડ બૅંકના તે વખતના જોડિયા જનરલ મૅનેજર મિ. મિચેલ હાઈ કમિશનર સર એચ. રૉબિન્સનને આ પ્રમાણે લખી જણાવે છે :

અહીં મારે મારી જાતમાહિતી તરીકે ઉમેરવું ઘટે કે તેઓ (હિંદી વેપારીઓ) બધી રીતે શાંત, વ્યવસ્થિત, ઉદ્યમી અને આબરૂદાર લોકો હોઈ તેમનામાંના કેટલાક સંપત્તિવાળા અને મોભાદાર વેપારીઓ છે અને મોરિશિયસ, મુંબઈ તેમ જ બીજાં સ્થળોએ તેમની મોટી મોટી પેઢીઓ ચાલે છે (ગ્રીનબુક ૧, પા. ૩૭).
૧૫, આશરે ૩પ મોભાદાર યુરોપિયન પેઢીઓ
સ્પષ્ટપણે જાહેર કરે છે કે જેમનામાંના વધુમતીની સંખ્યાના મુંબઈથી આવેલા છે તે ઉપર જણાવેલા હિંદી વેપારીઓ તેમનાં વેપારરોજગારનાં મથકો તેમ જ તેમનાં રહેઠાણના મુકામો હકીકતમાં યુરોપિયનોની માફક સ્વચ્છ અને ઘટતી સુખાકારીની સ્થિતિમાં રાખે છે (પરિશિષ્ટ ૪).

૧૬. આ બધું અખબારોમાં આવતું નથી એ વાત જોકે સાચી છે. જાહેર અખબારી આલમ માને છે કે તમારા અરજદારો “ગંદી જીવાત" છે. ફોક્સરાડ (પાર્લમેન્ટ) આગળ કરવામાં આવેલી રજૂઆતોમાં પણ એવી જ વાતો છે. એનાં કારણો દેખીતાં છે. તમારા અરજદારો અંગ્રેજી ભાષા બરાબર જાણતા ન હોઈ આવી ચર્ચાવિચારણામાં ભાગ લઈ શકતા નથી અથવા પોતાને વિષેની બધી અવળી રજૂઆતોની માહિતી સુધ્ધાં મેળવવા પામતા નથી અને તેથી એવાં વિધાનોનો જવાબ વાળવાની હંમેશ તેમની સ્થિતિ હોતી નથી. પોતાની ખુદ હસ્તી જોખમમાં છે એવી તેમને જાણ થઈ એટલે તેઓ પોતાના સ્વચ્છતા અને સુખાકારી અંગેના રિવાજો વિષેનો યુરોપિયન વેપારી પેઢીઓનો અને દાક્તરોનો અભિપ્રાય જણાવવાની વિનંતી કરવાને તેમની પાસે પહોંચ્યા.

૧૭. પણ તમારા અરજદારો પોતાની વતી જાતે રજૂઆત કરવાના હકનો દાવો રાખતા હોઈ તેમને મુદ્દામ અને ભેગા મળીને જણાવતાં બિલકુલ સંકોચ થતો નથી કે તેમનાં રહેઠાણો અણઘડ દેખાતાં હશે અને બેશક, તેમના પર ઝાઝા શણગાર નહીં હોય છતાં સ્વચ્છતા, આરોગ્ય અથવા સુખાકારીની દૃષ્ટિથી યુરોપિયન રહેઠાણો કરતાં કોઈ રીતે ઊતરતાં નથી. પોતાની અંગત ટેવોની બાબતમાં તેઓ વિશ્વાસથી કહી શકે છે કે જેમની સાથે પોતાને વારંવાર સંબંધમાં આવવાનું થાય છે તે ટ્રાન્સવાલમાં રહેતા યુરોપિયનોના કરતાં તેઓ વધારે પાણી વાપરે છે અને કેટલીયે વધારે વખત નહાય છે. સરખામણી ઊભી કરવાની અથવા પોતાના યુરોપિયન ભાઈઓ કરતાં પોતે ચડિયાતા છે એવું બતાવવાની તમારા અરજદારોની જરાયે ઇચ્છા નથી. સંજોગોને કારણે તેમને દલીલનો એ રસ્તો લેવાની ફરજ પડી છે.

૧૮. ગ્રીન બુક નં. ૨નાં પાન ૧૯-૨૧ પર આપવામાં આવેલી બે છટાદાર અરજીઓમાં બધા એશિયાવાસીઓને અળગા કરવાની માગણી કરવામાં આવી છે અને એશિયાવાસી, ચીના વગેરેને સરિયામ ધુતકારી કાઢવામાં આવ્યા છે. તેથી ઉપર કહેવામાં આવ્યું છે તે જણાવવાનું