પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭
લૉર્ડ રિપનને અરજી

બિલકુલ જરૂરી થયું છે. પહેલી અરજીમાં ભયાનક દૂષણો ગણાવી તે બધાં ચીનાઓમાં ખાસ વરતાય છે એવો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે અને બીજીમાં પહેલીનો ઉલ્લેખ કરી તેમાં રજૂ કરવામાં આવેલા આરોપનામામાં બધા એશિયાવાસીઓને સમાવી લેવામાં આવ્યા છે. ચીના, કુલી અને બીજા એશિયાવાસીઓને નામ પાડીને ગણાવી બીજી અરજીમાં “એ લોકોની ગંદી આદતો અને તેમના અનીતિભર્યા રિવાજોને લીધે પેદા થતા રક્તપિત્ત, ચાંદી અને એવા બીજા ઘૃણા ઉપજાવે એવા રોગોના ફેલાવાથી આખા સમાજને માથે જે જોખમ ઊભું થાય છે” તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

૧૯. વધારે સરખામણીમાં ન ઊતરતાં અને ચીનાઓને સંબંધ છે તેટલા પૂરતો સવાલ બાજુએ મૂકીને તમારા અરજદારો અત્યંત ભારપૂર્વક જણાવવા ચાહે છે કે તમારા અરજદારોને લાગેવળગે છે ત્યાં સુધી ઉપરના આરોપો તદ્દન પાયા વગરના છે.

૨૦. હિતસંબંધ ધરાવનારા ચળવળિયાઓ કેટલી હદ સુધી પહોંચ્યા છે તે દર્શાવવાને તમારા અરજદારો જેની નકલ પ્રિટોરિયાના વેપારી મંડળે પોતાના અનુમોદન સાથે ટ્રાન્સવાલની સરકારને મોકલી હતી તે ઑરેન્જ ફ્રી સ્ટેટની ફોક્સરાડ (પાર્લમેન્ટ)ને આપવામાં આવેલી એક અરજમાંથી નીચે મુજબનો ઉતારો ટાંકે છે:

આ બધા માણસો પોતાની પત્નીઓ અગર સ્ત્રીજાતનાં સગાં વગર રાજયમાં દાખલ થાય છે તેનું જે પરિણામ આવે તે ઉઘાડું છે. તેમનો ધર્મ તેમને બધી સ્ત્રીઓને આત્મા વગરની અને ખ્રિસ્તીઓને પોતાનો કુદરતી શિકાર ગણવાનું શીખવે છે(ગ્રીન બુક નં. ૧, ૧૮૯૪, પા. ૩૦).

૨૧. તમારા અરજદારો પૂછવા ચાહે છે કે આના કરતાં હિંદુસ્તાનમાં ચાલતા મહાન ધર્મોની વધારે હડહડતી બદગોઈ અને હિંદી રાષ્ટ્રનું આથી વધારે મોટું અપમાન હોઈ શકે ખરું?

૨૨. ઉપર જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ગ્રીન બુકોમાંથી લેવામાં આવેલાં આવાં વિધાનો હિંદીઓ સામેની ફરિયાદ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવામાં આવ્યાં છે.

૨૩. હિંદીઓની સામે ફરિયાદ ઊભી કરવાનું ખરું અને એકમાત્ર કારણ આ આખા પ્રકરણ દરમિયાન દબાવી દેવામાં આવ્યું છે. તમારા અરજદારોને [અલગ લત્તાઓમાં રહેવાને] ફરજ પાડવાનું અથવા સીધી રીતે તેઓ પોતાની રોજી રળે તેમાં હરેક પ્રકારની આડખીલી નાખવાનું એકમાત્ર કારણ વેપાર અંગેની અદેખાઈનું છે. તમારા અરજદારો એટલે કે જેઓ વેપારીઓ છે, અને આ આખી જેહાદ ઘણે મોટે ભાગે તેમની સામે છે, તેઓ પોતાની હરીફાઈથી અને પોતાની સંયમી તેમ જ કરકસરની ટેવોથી જીવનની જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ નીચા ઉતારવાને સમર્થ થયા છે. આ વાત યુરોપિયન વેપારીઓને ફાવતી નથી કેમ કે તેમને મોટા નફા કરવા છે એ વાત જાણીતી છે કે, તમારી અરજદારો જેઓ વેપારીઓ છે તેઓ બધા લગભગ અપવાદ વગર કેફી પીણાંને અડતા નથી. તેમની રહેણીકરણીની ટેવો સાદી છે અને તેથી તેમને થોડા નફાથી સમાધાન રહે છે. તેમની સામેના વિરોધનું આ અને આ જ એક કારણ છે અને દક્ષિણ આફ્રિકામાં હરેક જણ આ વાત બરાબર જાણે છે. વાત આવી છે તે દક્ષિણ આફ્રિકાનાં અખબારોમાંથી પણ સમજી શકાય છે કેમ કે તે બધાં કેટલીક વાર ખુલ્લી વાત કરે છે અને હિંદીઓ તરફના દ્વેષને છતો કરી આપે છે, આમ જેને તુચ્છકારથી 'કુલીઓનો સવાલ' કહીને ઓળખાવવામાં આવે છે તેની ચર્ચા કરતાં સાચો “કુલી” (મજૂર) દક્ષિણ