પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
લૉર્ડ રિપનને અરજી

ઓળખાવવામાં આવે છે કે તેમના ઇતર માનવબંધુઓની નજરમાં તેમને અત્યંત ઊતરતે દરજજે મૂકી દેવાનું વલણ કેળવાય છે. વળી, જેની સફળતાની હિંદી વેપારીઓ માટે બદનક્ષીભરી ખોટી વાતો ચલાવનારાઓને અદેખાઈ થયા વગર રહે નહીં એવા વેપારનો મોટો આર્થિક વહેવાર ચાલે છે ત્યારે એ વેપાર ખેડનારાઓને આ દેશના ધર્મવિહોણા અર્ધા જંગલી મૂળ વતનીઓની કક્ષાએ મૂકવા માટેની, તેમને અલગ લત્તાઓમાં ગોંધી દેવા માટેની અને જે કાયદાઓ વડે ટ્રાન્સવાલના કાફરાઓ પર શાસન ચાલે છે તે વધારે કઠોર કાયદાઓનો તેમના પર અમલ કરાવવા માટેની ચળવળ સમજાય એવી નથી. શાંત ને નિરુપદ્રવી આરબ દુકાનદાર તેમ જ ઘેર ઘેર ફરી તરેહતરેહના માલસામાનની ફેરી કરનારો સીધોસાદો હિંદી કુલી છે એવી જે છાપ ટ્રાન્સવાલ ને કેપ કૉલોનીમાં સારી પેઠે ફેલાયેલી છે તે એ લોકો કઈ પ્રજામાંથી નીપજયા છે તે વાતના મોટે ભાગે ઘમંડભર્યા અજ્ઞાનને આભારી છે. જ્યારે ખ્યાલ કરીએ છીએ કે કાવ્યમય અને ગૂઢ રહસ્યમય પુરાણકથાઓવાળા બ્રાહ્મણધર્મનું બીજ આ “કુલી વેપારી”ની ભૂમિમાં પ્રગટ થઈને પોષાયું હતું. ચોવીસ સૈકા પર લગભગ ઈશ્વરી અવતાર જેવા બુદ્ધ આત્મત્યાગનો ઉજજવળ સિદ્ધાંત ઉપદેશી તે જ ભૂમિમાં આચરી બતાવ્યો હતો. આપણે ખુદ જે ભાષા બોલીએ છીએ તેના અસલ સિદ્ધાંતો અને સત્યો વિધિએ ઘડેલી એ જ પ્રાચીન ભૂમિનાં મેદાનો અને પર્વતોમાંથી પ્રગટયાં હતાં, ત્યારે ખેદ થયા વગર રહેતો નથી કે તે ભૂમિની પ્રજાનાં સંતાનોની સાથે કાળા ધર્મવિહોણા જંગલી પ્રદેશના અને તેનીયે પેલી પારના અંધારા મુલકનાં સંતાનોની સાથે ચલાવવામાં આવે તેવો વહેવાર રાખવામાં આવે છે. જે કોઈ હિંદી વેપારીની સાથે થોડો વખત પણ વાતચીત કરવાને થોભ્યું હશે તેને આપણો એક વિદ્વાન તેમ જ સંસ્કારી સજજન સાથે મેળાપ થયો એવી નવાઈ કદાચ થયા વગર નહીં રહી હોય. . . અને આ સંસ્કાર તેમ જ જ્ઞાનના પ્રકાશવાળી ભૂમિના પુત્રોને કુલી કહીને તુચ્છકારવામાં આવે છે ને તેમની સાથે કાફરાઓ સાથે ચલાવવામાં આવે છે તેવો વહેવાર રાખવામાં આવે છે.

હિંદી વેપારીની સામે બુમરાણ મચાવનારાઓને તે કોણ અને શું છે તે સ્પષ્ટપણે બતાવી આપવાનો વખત લગભગ પાકી ગયો છે. તેની ખરાબમાં ખરાબ રીતે બદગોઈ કરનારા ઘણા બ્રિટિશ પ્રજાજન હોઈ એક તેજસ્વી અને ઊજળી કોમના સભ્ય તરીકેના બધા હક તેમ જ અધિકાર ભોગવે છે. અન્યાયની ચીડ અને સૌને સારુ ન્યાયી વર્તન માટેનો પ્રેમ તેમના હાડમાં ઊતરેલાં હોઈ જયારે જયારે એ બાબતો તેમને પોતાને અસર કરે છે ત્યારે પરદેશી રાજ્યના કે ખુદ પોતાની સરકારના અમલ નીચે પોતાના હક અને પોતાની સ્વતંત્રતાને સારુ આગ્રહ બતાવવાની કાર્યપદ્ધતિ તેમણે કેળવી છે. હિંદી વેપારી પણ બ્રિટિશ પ્રજાજન હોઈ તેમના જેટલા જ ન્યાયથી તેમના જેવાં જ હક અને સ્વતંત્રતાનો દાવો કરે છે એ બીના સંભવ છે કે તેમના ધ્યાન બહાર જતી રહી હોય. પામર્સ્ટનના જમાનામાં પ્રચલિત થયેલું એક વચન વાપરવાની છૂટ લઈને કંઈ નહીં તો એ વિષે ઓછામાં ઓછું એટલું કહેવું જોઈએ કે જે હક અને અધિકાર બીજાને આપવાની તૈયારી ન હોય તેનો દાવો રાખવો એ ઘણું ગેરઅંગ્રેજી વલણ કહેવાય. રાણી એલિઝાબેથના જમાનાના ઈજારાઓ રદ થયા ત્યારથી વેપાર કરવાનો સૌનો સરખો હક બ્રિટિશ રાજબંધારણનું એક અંગ જેવું બન્યું હોઈ કોઈ તે હકમાં દખલ કરવા નીકળે તો બ્રિટિશ પ્રજાજનનો અધિકાર