પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
લૉર્ડ રિપનને અરજી

જગ્યાઓએ વેપાર કરવો ને રહેવું તો સવાલ એકદમ ઊભો થાય છે કે તેમને કયાં રાખવામાં આવશે? તેમને નાળીઓ પર રાખવામાં આવશે? તો તે જગ્યાઓ પર તો સ્વચ્છતા ને આરોગ્ય જાળવવાં અશકય છે અને તે કસબાઓની વસ્તીથી એટલી બધી આઘી આવેલી હશે કે હિંદીઓ ત્યાં વેપાર બિલકુલ નહીં કરી શકે અથવા સુઘડપણે બિલકુલ રહી પણ નહીં શકે. મલાયાના વતનીઓને ૧૮૯૩ની સાલમાં વસવાટ ન કરી શકાય એવી જગ્યા કાઢી આપતાં ટ્રાન્સવાલની સરકારની સામે ગ્રીન બુક નં. ૨ના પાન ૭૨ પર આપેલા નીચે ઉતારેલા સખત વાંધા પરથી એમ બનવું તદ્દન સંભવિત છે એવું દેખાઈ આવશે :

શહેરના બધા કચરાનો ઉકરડો જ્યાં કરવામાં આવતો હોય અને શહેર અને તે સ્થળ વચ્ચેની નાળીમાં ઝરીને આવતા મેલા પાણી વગર બીજું પાણી મળતું ન હોય તેવા નાના વાડામાં ગોંધાઈને રહેવાની ફરજ પડવાથી તેમનામાં અનિવાર્યપણે જીવલેણ તાવો ને બીજી બીમારીઓ ફાટી નીકળ્યા વગર રહે નહીં અને તેથી તેમની પોતાની જિંદગીને અને શહેરની વસ્તીના આરોગ્યને પણ હાનિ પહોંચ્યા વગર રહે નહીં, પણ આ ગંભીર વાંધા ઉપરાંત મુકરર કરવામાં આવેલી જમીન પર (અથવા બીજે કોઈ સ્થળે) પોતે અત્યાર સુધી જેમાં રહેવાને ટેવાયેલા છે તેવાં રહેઠાણો પોતાને સારુ ઊભાં કરવાનાં સાધનો એ લોકો પાસે નથી. એટલે તેમની અત્યારની વસવાટની જગ્યાઓ પરથી ફરજિયાત હાંકી કાઢવાથી તેમને પ્રિટોરિયા છોડી જવું પડશે જેને પરિણામે ખુદ તે લોકોને પોતાને જે હાડમારી વેઠવાની આવશે તેની વાત બાજુએ રાખીએ તોપણ ગોરા લોકોને મોટી અગવડ થશે ને ભારે નુકસાન થશે કેમ કે ગોરાઓ તે લોકોને મજૂરીએ રાખતા આવ્યા છે. . . .

૩૦. એ જ પુસ્તકના છેલ્લા પાના પર ૧૮૯૪ની સાલના માર્ચ માસની ૨૧મી તારીખના પોતાના ખરીતામાં હાઈ કમિશનર નીચે મુજબ જણાવે છે:

. . . નેક નામદાર શહેનશાહબાનુની સરકાર માનીને ચાલે છે કે પંચનો ચુકાદો બ્રિટિશ પ્રજાજન હોય એવા એશિયાના આદિવાસીઓને લાગુ કરવામાં આવશે.

૩૧. આ ખરીતાના શબ્દો મુજબ લવાદી ચુકાદો એશિયાના આદિવાસીઓને લાગુ થવાનો હોય તો સવાલ એ ઊભો થાય છે કે ટ્રાન્સવાલમાં એશિયાના કોઈ આદિવાસી છે ખરા? હા, બધા એશિયાવાસીઓને આપોઆપ એવા માની લેવાના હોય તો વાત જુદી છે પણ તમારા અરજદારોને વિશ્વાસ છે કે એ દલીલને ઘડીભરને સારુ પણ સ્વીકારવામાં નહીં આવે. તેથી તમારા અરજદારો અલબત્ત, આદિવાસીઓમાં નહીં ગણાય.

૩૨. હિંદીઓની સામેનો બધો વાંધો સ્વચ્છતા અને આરોગ્યને કારણે હોય તો નીચે બતાવેલા અંકુશો જરાયે સમજાય એવા નથી..

૧. કાફરાઓની માફક હિંદીઓ સ્થાવર મિલકતના માલિક થઈ નહીં શકે,

૨. હિંદીઓએ સરકારી દફતરે ૩ પા. ૧૦ શિ.ની ફી ભરી પોતાની નોંધણી કરાવવી રહેશે.

૩. પ્રજાસત્તાક રાજ્યની હદમાંથી પસાર થતા આફ્રિકાના અસલ વતનીઓની માફક તેમની પાસે નોંધણીના દાખલાની ટિકિટ ન હોય તો પરવાના રજૂ કરવાના રહેશે.

૪. રેલગાડીમાં તેઓ પહેલા ને બીજા વર્ગમાં મુસાફરી નહીં કરી શકે, આફ્રિકાના મૂળ વતનીઓની સાથે તેમનાં ખાનાંઓમાં તેમને ઠાંસીને ભરવામાં આવે છે.