પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧પર'
ગાંધીજીનો અક્ષરદેહ


૩૩. તમારા અરજદારો પૈકીના ઘણા ડેલાગોઆ બેમાં મોટી મોટી મિલકતો ધરાવનારાઓ છે એ બીના યાદ રાખીએ તો હીણવવાને માટે કરવામાં આવતાં આ અપમાનોનો ડંખ વધારે કઠે છે. ત્યાં તેઓનું એવું માન રાખવામાં આવે છે કે તેમનાથી રેલગાડીના ત્રીજા વર્ગની ટિકિટ પણ લઈ શકાતી નથી. ત્યાંના યુરોપિયનો હોંશથી તેમને આવકારે છે. તેમને પરવાના રાખવા પડતા નથી. તો પછી તમારા અરજદારો નમ્રપણે પૂછે છે કે તેમની સાથે ટ્રાન્સવાલમાં જુદો વહેવાર શા સારુ રાખવામાં આવે છે? ટ્રાન્સવાલના પ્રદેશમાં પેસતાંની સાથે શું તેમના સ્વચ્છતાના અને આરોગ્યના રિવાજો સૂગ ઉપજાવે તેવા ગંદા બની જાય છે? એવું ઘણી વાર બનતું જોવામાં આવ્યું છે કે એકના એક હિંદી સાથે તેનો તે યુરોપિયન ડેલાગોઆ બેમાં અને ટ્રાન્સવાલમાં જુદો વહેવાર રાખે છે.

૩૪. પરવાના રાખવાનો નિયમ કેવી કનડગત કરે છે તે દર્શાવવાને તમારા અરજદારોએ આની સાથે મિ. હાજી મહમદ હાજી દાદાએ સોગંદ પર કરેલું એક નિવેદન (ઍફિડેવિટ) જોડયું છે જેનું અહીં વિશેષ વિવેચન જરૂરી નથી (પરિ. ૭). મિ. હાજી મહમદ કોણ છે તે એફિડેવિટની સાથે જોડેલી એક પત્રની નકલ પરથી સમજાશે. (૫રિ. ૮). દક્ષિણ આફ્રિકામાંના સૌથી આગળ પડતા હિંદીઓ પૈકીના તેઓ એક છે. તમારા અરજદારોએ એ ઍફિડેવિટ એક મિસાલ લેખે અને એક સૌથી આગળપડતો હિંદી સુધ્ધાં અપમાન અને ખરેખરી હાડમારી વેઠયા વગર મુસાફરી કરી શકતો નથી તો બીજા હિંદીઓના કેવા હાલ થતા હશે તે બતાવવાને આની સાથે જોડયું છે. જરૂર પડે તો આવા નિષ્ઠુર ઘાતકી વર્તનના સેંકડો દાખલા બનેલા સચોટ સાબિત થઈ શકે તેમ છે.

૩૫. એવું પણ કહેવામાં આવ્યું છે હિંદીઓ પરોપજીવી હોઈ અહીં કશો ખર્ચ કરતા નથી. હિંદી મજૂરો અને તેમનાં બાળકોને સંબંધ છે તે મુજબ આ વાંધામાં કશું તથ્ય માલૂમ પડે એમ નથી અને પૂર્વગ્રહથી વધારેમાં વધારે ઘેરાયેલા યુરોપિયનો સુધ્ધાં તેમને પરોપજીવી માનતા નથી. તમારા અરજદારો પોતાના જાતઅનુભવથી જણાવવાની રજા ચાહે છે કે મજૂરોમાંના મોટા ભાગનાને લાગેવળગે છે ત્યાં સુધી તે લોકો પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરીને રહેતા હોઈ પોતપોતાના પરિવાર સાથે અહીં ઠરીઠામ થયા છે. જેમની સામે ખાસ કરીને પૂર્વગ્રહ કેળવાયો છે તે વેપારી હિંદીઓની બાબતમાં થોડા ખુલાસાની જરૂર છે. તમારા અરજદારો જેઓ વેપારીઓ છે તેઓ પોતાના પર આધાર રાખનારાંઓ માટે હિંદુસ્તાન નાણાં મોકલે છે એ વાતનો ઇનકાર કરતા નથી બલ્કે તેનો સ્વીકાર કરવામાં ગૌરવ લે છે, પણ એ રીતે મોકલવામાં આવતી નાણાંની રકમો તેમના ખર્ચના પ્રમાણમાં નજીવી છે. યુરોપિયન વેપારીઓના કરતાં મોજશોખમાં તેઓ ઓછો ખર્ચ કરે છે એ જ એક તેમની હરીફો તરીકેની સફળતાનું કારણ છે. તેમ છતાં યુરોપિયન મકાનમાલિકોને તેમણે ઘરભાડાં ચૂકવવાનાં હોય છે, તેમને ત્યાં નોકરો તરીકે કામ કરતા આફ્રિકાના વતનીઓને પગાર આપવાના હોય છે અને માંસને માટે જે જાનવરો તેઓ ખરીદે છે તેમના પૈસા ડચ વેપારીઓને આપવાના હોય છે. બીજી ચા, કોફી જેવી વપરાશની ચીજો અહીં આ મુલકમાંથી ખરીદાય છે.

૩૬. ત્યારે ખરેખર સવાલ એ નથી કે હિંદીઓ આ લત્તામાં રહે કે પેલા લત્તામાં રહે, પણ એ છે કે આખાયે દક્ષિણ આફ્રિકામાં તેમણે કયે दरज्जे રહેવાનું છે. કેમ કે ટ્રાન્સવાલમાં જે કંઈ કરવામાં આવશે તેની બીજાં બે સંસ્થાનો ઉપર પણ અસર થયા વગર નહીં રહે.