પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
ગાંધીજીનો અક્ષરદેહ

થયા વગર રહેવાની નથી. અને તે એટલી હદ સુધી થશે કે પોતાની સંસ્કારી આદતો અને રિવાજોમાંથી નીચા જતા જતા તે લોકો દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓની આદતો ને રિવાજો પર પહેાંચી જશે અને આજથી એક પેઢીના ગાળા બાદ આ રીતે અવનતિ તરફ ધકેલાતા જતા હિંદીઓની અને સ્થાનિક આદિવાસી વતનીઓની સંતતિની રહેણીકરણીની આદતો, તેના રિવાજો અને વિચારમાં ઝાઝો ફરક વરતાશે નહીં. હિંદીઓને આ મુલકમાં લાવીને વસાવવાનો ખુદ હેતુ માર્યો જશે અને નેક નામદાર શહેનશાહબાનુના પ્રજાજનોનો એક મોટો ભાગ સંસ્કારિતાના માપમાં ઊંચે ચડવાને બદલે નીચે ઊતરી જશે. આવી દશાનાં પરિણામ ખતરનાક નીવડયા વગર નહીં રહે. કોઈ સ્વમાની હિંદી દક્ષિણ આફ્રિકાની મુલાકાત સરખી લેવાની હિંમત નહીં કરે. હિંદીઓના વેપારવણજ બધું ગૂંગળાઈ મરશે. તમારા અરજદારોને જરાયે શંકા નથી કે જે સ્થળમાં નેક નામદાર શહેનશાહબાનુની સત્તા સર્વોપરી છે અને જેના પર યુનિયન જેક (બ્રિટનનો વાવટો) ફરકે છે ત્યાં તમો નામદાર એવી દુ:ખદ ઘટના કદી નહીં બનવા દો.

૪૨. તમારા અરજદારો અદબ સાથે નિર્દેશ કરવાની રજા ચાહે છે કે, હિંદીઓની સામે જે જાતની લાગણી અત્યારે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલી છે તે દશામાં હિતસંબંધ ધરાવનારા લોકોના બુમરાણને નેક નામદાર શહેનશાહબાનુની સરકાર તાબે થશે તો તમારા અરજદારોને ગંભીર અન્યાય થશે.

૪૩. તમારા અરજદારોની સ્વચ્છતા ને આરોગ્યને લગતી આદતો યુરોપિયન કોમના આરોગ્યને હાનિ પહોંચાડે એવી નથી એ વાત સાચી હોય અને તેમની સામેની ચળવળ વેપારની અદેખાઈને કારણે છે એ પણ સાચું હોય તો તમારા અરજદારો સૂચવે છે કે ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશે આપેલો લવાદી ચુકાદો પંચને નિર્ણયને માટે સોંપવામાં આવેલા મુદ્દાને અક્ષરશઃ અનુસરીને હોય તોપણ બંધનકારક થઈ શકતો નથી. તેનું કારણ એ કે લંડનની સમજૂતીનો ત્યાગ કરવાને નેક નામદાર શહેનશાહબાનુની સરકારને જે કારણ આપી સમજાવવામાં આવી તે ખુદ કારણ અસ્તિત્વમાં નથી.

૪૪. આમ છતાં તમારા અરજદારોની સ્વચ્છતા તેમ જ આરોગ્યને લગતી આદતો ને રિવાજોને વિષે આ અરજીમાં કરવામાં આવેલી રજૂઆત અંગેનાં નિવેદનોની બાબતમાં તમો નામદારને શંકા રહેતી હોય તો તમારા અરજદારો નમ્રપણે આગ્રહ કરે છે કે આ સવાલની સાથે મોટાં મોટાં હિતો સંકળાયેલાં છે, તમારા અરજદારોની સ્વચ્છતા તેમ જ આરોગ્યને લગતી આદતો ને રિવાજોની બાબતમાં પરસ્પર વિરોધી રજૂઆતનાં નિવેદનો થયાં છે અને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સામેની લાગણી ઉગ્રતાથી ફેલાયેલી છે એ હકીકતો ધ્યાનમાં રાખી લંડનની સમજૂતીનો ત્યાગ કરવાની વાતને છેવટની મંજૂરી આપવામાં આવે તે પહેલાં પરસ્પર વિરોધી નિવેદનોમાંથી સાચું શું તે શોધી કાઢવાને કંઈક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના दरज्जा વિષેનો આખો સવાલ ઝીણવટથી તપાસવો જોઈએ.

છેવટમાં, તમારા અરજદારો પોતાનો સવાલ તમો નામદારના હાથમાં સોંપે છે અને અંતરથી પ્રાર્થના કરે છે ને પૂરેપૂરી આશા રાખે છે કે તમારા અરજદારોને રંગદ્વેષનો ભોગ થવા દેવામાં નહીં આવે અને નેક નામદાર શહેનશાહબાનુની સરકાર હિંદીઓને ઊતરતા દરજજાની ને અકુદરતી દશામાં હડસેલી દે તેમ જ તેમની પાસેથી પ્રામાણિકપણે રોજી રળવાનું સાધન ખૂચવી લે એવો વહેવાર તેમની સાથે ચલાવવાની વાતને મંજૂરી નહીં આપે.