પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧
લોર્ડ એલ્જિનને અરજી

અને દક્ષિણ આફ્રિકામાંના સાહસિક હિંદીઓ પોતાના કંઈ પણ વાંકગુના વગર દક્ષિણ આફ્રિકાના આદિવાસી વતનીઓની સ્થિતિમાં ફરજિયાત ધકેલાઈ જશે.]

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યની મુલાકાતે આવનારા કોઈ અજાણ્યા હોશિયાર માણસને જણાવવામાં આવે કે અહીં દક્ષિણ આફ્રિકામાં રહેનારી પ્રજામાં એક એવા વર્ગના લોકો છે જે સ્થાવર મિલકત ધારણ કરી શકતા નથી, જેઓ રાજયમાં પરવાના વગર ગમે ત્યાં હરીફરી શકતા નથી, આ મુલકમાં વેપાર કરવાને સારુ દાખલ થતાંની સાથે જેમને એકલાને ખાસ નોંધણી ફીની ત્રણ પાઉંડ ને દસ શિલિંગની રકમ ભરવી પડે છે, જેમને વેપાર કરવાને સારુ લાઇસન્સ મળતાં નથી; અને જેમને ટૂંક વખતમાં ફરમાવવામાં આવશે કે તમારે શહેરો ને કસબાઓથી આઘેની જગ્યાઓએ જઈને રહેવું, માત્ર ત્યાં જ વેપાર કરવો ને તમારાં રહેઠાણોમાંથી નવ વાગ્યા પછી બહાર નીકળી હરવુંફરવું નહીં, અને તે અજાણ્યા મુલાકાતીને પૂછવામાં આવે કે એ લોકોની આવી જાતની ખાસ ગેરલાયકાતનાં કારણો તમે કયાં ધારો છો તો જવાબમાં તે શું એમ નહીં કહે કે એ લોકો પાકા મવાલી, અરાજકવાદી અને રાજ્ય તેમ જ સમાજને માટે મોટા રાજદ્વારી જોખમરૂપ હોવા જોઈએ? અને છતાં તમારા અરજદારો તમો નામદારને ખાતરી આપવા રજા ચાહે છે કે ઉપર ગણાવેલી બધી ગેરલાયકાતોનો ભોગ બનનારા હિંદીઓ મવાલીઓ નથી, કે અરાજકવાદીઓ નથી, પણ દક્ષિણ આફ્રિકામાં ને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાં કાયદાને વધારેમાં વધારે તાબે થઈને ચાલનારી અને વધારેમાં વધારે શાંતિ ચાહનારી કોમો પૈકીની એક છે.

કેમ કે ખુદ જોહાનિસબર્ગમાં એક બાજુ પર યુરોપિયન કોમોના એવા લોકો છે જેઓ રાજ્યને સારુ ખરેખર ખતરાનું મૂળ છે, હમણાં તાજેતરમાં જ જેમને કારણે પોલીસદળમાં વધારો કરવાની જરૂર ઊભી થઈ છે, અને જેમણે છૂપી પોલીસ પરના કામના બોજમાં ઘણો વધારે પડતો બોજો નાખ્યો છે ત્યારે બીજી બાજુ પર હિંદી કોમે એ બાબતમાં રાજ્યને ફિકર રાખવાને કોઈ કારણ આપ્યું નથી.

ઉપરના નિવેદનના આધાર માટે તમારા અરજદારો અદબ સાથે તમો નામદારને આખાયે દક્ષિણ આફ્રિકાના પ્રદેશનાં અખબારો જોવાને વિનંતી કરે છે.

હિંદી કોમને અંગે જેના પરિણામરૂપે આજની સ્થિતિ ઊભી થઈ છે તે સક્રિય આંદોલને પણ હિંદીઓની વિરુદ્ધ આવા પ્રકારના કોઈ આરોપો મૂકવાની ઇચ્છા રાખી નથી. જે એકમાત્ર આરોપ રજૂ કરવામાં આવ્યો છે તે એ છે કે હિંદીઓ સ્વચ્છતાનું બરોબર પાલન કરતા નથી. તમારા અરજદારોને વિશ્વાસ છે કે નામદાર ધિ રાઈટ ઑનરેબલ માર્કવિસ ઑફ રિપનને મોકલવામાં આવેલી અરજીમાં એ આરોપ પાયા વગરનો છે એવું ચોક્કસપણે બતાવવામાં આવ્યું છે. પણ માની લો કે એ આરોપમાં કંઈક તથ્ય છે તોયે એટલું સાફ છે કે સ્થાવર મિલકત ધારણ કરતાં અથવા તેમની સ્વતંત્રતા પર કોઈ પણ જાતના અંકુશ વિના દેશમાં હરવાફરવાને હિંદીઓને રોકવાનું એ કારણ ન હોઈ શકે. અને ત્રણ પાઉંડ ને દસ શિલિંગની ખાસ રકમ ભરવાને હિંદીઓને પાત્ર ઠરાવવાને પણ તે કારણ ન હોઈ શકે.

એમ કહેવામાં આવે એવો સંભવ છે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયે અમુક કાયદાઓ મંજૂર કરી દીધા છે, અને ઑરેન્જ ફ્રી સ્ટેટના વડા ન્યાયાધીશે પોતાનો લવાદી ચુકાદો આપી દીધો છે અને એ વાત નેક નામદાર શહેનશાહબાનુની સરકારને બંધનકર્તા છે.