પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
ગાંધીજીનો અક્ષરદેહ


શરૂઆત કરી છે અને આખો સમય અમારી નજર સામેનું ધ્યેય પણ એ જ રહ્યું છે." આ મંત્રીઓની જાહેરાતોનો જે કાંઈ અર્થ હોય તો તે એટલો જ છે કે આ સરકારનો ઇરાદો અપવાદ કરવાના પોતાના હકનો ઉપયોગ કરવાનો નથી. તો પછી એ વાત વિધેયક ઉપર મૂકવામાં શા માટે આવી છે? એક વિધેયકમાં એક જોગવાઈ સામેલ કરવામાં આવે છે, એના ઘડવૈયાઓ વિધેયકને મંજૂરી માટે રજૂ કરતી વખતે જાહેર કરે છે કે તેઓ એ જોગવાઈને નિરર્થક ગણવાના છે. તો પછી આ વસ્તુ કાંઈ નહીં તો ખોટો ઢોંગ નથી? અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો પાછલા હાથની રમત નથી?

કોઈ ધનિક હિંદી વેપારી માટે વિધેયકના અમલમાંથી મુક્તિ મેળવવા માટેની પરમિટ કઢાવવા અરજી કરવાનું અને તે નામંજૂર થઈ જાય એનું જોખમ વહોરવાનું ભાગ્યે જ આનંદ આપનારું થાય. એ વાત સમજવાનું મુશ્કેલ છે કે જે દેશોએ આજ સુધી સંસદીય મતાધિકાર ઉપર નિર્ભર ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવી નથી તેમાંથી આવનારા યુરોપિયનોએ શા માટે મત આપવાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જયારે એ જ પરિસ્થિતિમાં મુકાયેલા બિનયુરોપિયનો સંસ્થાના સામાન્ય કાનૂન નીચે એમ કરી શકતા નથી.

સરકારના અભિપ્રાય મુજબ, હાલનું વિધેયક પ્રયોગાત્મક છે. એના બીજા વાચન વખતે બોલતાં માનનીય એટર્ની જનરલે કહ્યું: "જો, અમારી માન્યતા વિરુદ્ધ, અમારી દૃઢ માન્યતા વિરદ્ધ, વિધેયક જો રાખવામાં આવેલા ઇરાદા કરતાં ઓછું ઊતર્યું તો સંસ્થાનમાં કદી શાંતિ જળવાશે નહીં" વગેરે. એટલે વિધેયક મર્યાદિત સ્વરૂપનું નથી. આવી પરિસ્થિતિમાં, તમારા અરજદારો જણાવે છે કે જયાં સુધી વર્ગ કે જાતિગત કાનૂનનો આશરો લીધા સિવાયનાં બધાં જ સાધનોની અજમાયશ કર્યા બાદ તે નિષ્ફળ ગયેલાં દેખાય (એટલે માની લઈએ કે હિંદી મત યુરોપિયન મતને ડુબાવી દેવાનું જોખમ મોજૂદ છે) ત્યાં સુધી હાલના જેવું વિધેયક પસાર નહીં કરવું જોઈએ. તમારા અરજદારો જણાવે છે કે અાં પ્રશ્ન કાંઈ સમ્રાજ્ઞીની માત્ર મૂઠીભર પ્રજા ઉપર અસર કરનારો નથી પણ તે સમ્રાજ્ઞીના ૩૦ કરોડ વફાદાર પ્રજાજનો ઉપર અસર કરનારો છે. તમારા અરજદારો નમ્રતાપૂર્વક રજૂ કરે છે કે પ્રશ્ન કેટલા અને કયા હિંદીઓને મતનો અધિકાર મળવાનો છે એ નથી, પણ બ્રિટિશ હિંદીઓને હિંદની બહાર અને સંસ્થાનોમાં તેમ જ સાથી રાજ્યોમાં કેવો दरज्जो મળવાનો છે એ છે. શું કોઈ આદરપાત્ર હિંદી વેપાર અથવા બીજા કોઈ ઉદ્યમ માટે હિંદ બહાર જવાનું સાહસ કરે અને કોઈ જાતનું मोभानुं स्थान મેળવવાની આશા રાખી શકે ખરો? હિંદી કોમ દક્ષિણ આફ્રિકાનું રાજદ્વારી ભાવિ ઘડવા નથી ઇચ્છતી, પણ તે એટલું જરૂર ઈચ્છે છે કે તેને કોઈ પણ જાતની અપમાનજનક શરતો લાદ્યા સિવાય પોતાના શાંતિપૂર્ણ ધંધારોજગાર ખલેલ વિના ચલાવવા દેવામાં આવે. એટલે તમારા અરજદારોનું કહેવું એ છે કે જો હિંદી મત બળવાન બની જવાનું સહેજ પણ જોખમ હોય તો સૌના ઉપર સમાન એવી એક સાદી કેળવણીની કસોટી મૂકવામાં આવે અને એની સાથે મિલકત અંગેની લાયકાતોમાં જોઈએ તો વધારો કરવામાં આવે અથવા નહીં કરવામાં આવે. એનાથી સરકારી મુખપત્રના અભિપ્રાય મુજબ પણ બધું જોખમ અસરકારક રીતે દૂર થશે. અને જો આવી કસોટી સફળ નહીં નીવડે તો એવી વધારે સખત કસોટી મૂકવામાં આવે જે યુરોપિયનોના મત ઉપર મહત્વની અસર કર્યા સિવાય હિંદીઓ વિરુદ્ધ અસર પાડશે. જો નાતાલની સરકાર માટે હિંદીઓને મતાધિકારમાંથી સંપૂર્ણ રીતે બાદ રાખવાથી કશું પણ ઓછું મંજૂર નહીં હોય, અને જો સમ્રાજ્ઞીની સરકાર આ જાતની માગણીની તરફેણ કરવાના વલણની હોય તો પછી