પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
મિ. ચેમ્બરલેનને અરજી

તમારા અરજદારોનું કહેવું એ છે કે હિંદીઓને નામ દઈને બાદ કરવાથી જ મુસીબતનો સંતોષકારક ઉકેલ આવી શકશે, એનાથી ઓછાથી નહીં આવે.

પરંતુ તમારા અરજદારો તમારું ધ્યાન એ હકીકત તરફ ખેંચવા માગે છે કે સમૂહગત રીતે યુરોપિયન સાંસ્થાનિકો આવી કોઈ માગણી કરતા નથી, તેઓ તદ્દન બેફિકર દેખાય છે.

આ બેફિકરાઈ વિષે नाताल एडवर्टाइझर આ રીતે ઠપકો આપે છે:

કદાચ જે ઢબે આ ઘણા જ મહત્ત્વના વિષયની સંસદમાં ચર્ચા થઈ છે તેનાથી એક ચોથો મુદ્દો પણ બહાર આવ્યો છે – તે છે સંસ્થાનની એના પોતાના રાજકારણ વિષેની બેફિકરાઈ. જે શોધી કાઢી શકાય તો એ જાણવાનું ઘણું રસપ્રદ થશે કે કેટલા સાંસ્થાનિકોએ પ્રસ્તુત વિધેયક વાંચવાની પણ તસ્દી લીધી છે. જેમણે એ નથી વાંચ્યું તેમનું પ્રમાણ કદાચ ઘણું આશ્ચર્યકારક નીવડે એવો સંભવ છે. આ બાબત અંગેની સાંસ્થાનિકોની સામાન્ય લાપરવાહી એ હકીકત ઉપરથી જોવા મળે છે કે સંસ્થાનના ખૂણે ખૂણાની વાત તો બાજુએ રહી પણ તેના દરેક કેન્દ્રીય સ્થળમાં પણ એને પ્રકાશમાં લાવવાને માટે અને એવી માગણી કરવાને માટે સભાઓ ભરવામાં નથી આવી કે સંસદ માત્ર એવું જ વિધેયક પસાર કરે જેથી આ વિષય પરની વધુ વાદવિવાદ નિષ્ફળ બની જાય. જો સંસ્થાન આ બાબતની સાચી ગંભીરતા પ્રત્યે પૂરેપૂરું જાગ્રત હોત તો અખબારોનાં પાનાં આ પ્રશ્વન વિષેના ગંભીર અને બુદ્ધિમત્તાવાળા પત્રવ્યવહારથી ઊભરાઈ ગયાં હોત. પરંતુ આમાંની કોઈ પણ વાત બનવા પામી નથી. એને પરિણામે સરકાર એક એવું વિધેયક પસાર કરાવી શકી છે જે આ બાબતનો અસરકારક ઉકેલ કાઢી શકયું હોવાનું મનાય છે, પરંતુ ખરું પૂછો તો વિધેયક એ બાબતને પહેલાં કદી પણ હતી એના કરતાં ઘણી જ ખરાબ અને જોખમકારક સ્થિતિમાં મૂકી દે છે.

ઉપર ટાંકેલા ઉતારા ઉપરથી જણાશે કે હાલનું વિધેયક બેમાંથી એકે પક્ષને સંતોષ આપતું નથી. નાતાલનું મંત્રીમંડળ અને અહીંની બંને ધારા ઘડનારી સંસ્થાઓ પ્રત્યે વધારેમાં વધારે આદર સાથે તમારા અરજદારો જણાવે છે કે આ વિધેયક તેમણે મંજૂર રાખ્યું છે એ હકીકતનું કોઈ ખાસ મહત્ત્વ નથી. ખુદ જે સભાસદો આ વિધેયકના કોઈ પણ જાતના સક્રિય વિરોધથી દૂર રહ્યા હતા, તેઓ धि नाताल विटनेस કહે છે તેમ એના વિષે શંકાશીલ હતા.

તમારા અરજદારો આશા રાખે છે કે તમને સંતોષ થાય એ રીતે એમણે એ બતાવી આપ્યું છે કે ઉપર દર્શાવેલું જોખમ કાલ્પનિક છે અને હાલનું વિધેયક જેઓ હિંદીઓને મતાધિકારથી વંચિત થયેલા જોવા ઇચ્છે છે તેમના દૃષ્ટિબિંદુથી તેમ જ ખુદ હિંદીઓના દૃષ્ટિબિંદુથી અસંતોષકારક છે. તેમ છતાં કોઈ પણ સંજોગોમાં તમારા અરજદારો એવો દાવો કરે છે કે એટલું બતાવવા માટે પૂરતી હકીકતો અને દલીલો રજૂ કરવામાં આવી છે કે આ સવાલનો નિકાલ ઉતાવળે નહીં કરવો જોઈએ, અને એવું કરવાની કોઈ જરૂર પણ નથી. नाताल विटनेसનું એવું માનવું છે કે “આ વિધેયકને ઝટ ઝટ પસાર કરી દેવાની ઉત્સુકતા વિષે કશી સ્પષ્ટતા કરવામાં નથી આવી, કાંઈ નહીં તો સંતોષકારક સ્પષ્ટતા કરવામાં નથી આવી.” नाताल एडवर्टाइझर પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે કે “આ હિંદી મતાધિકારનો પ્રશ્ન એક ઘણો જ મહત્વનો પ્રશ્ન છે અને એનો કાયમનો ઉકેલ કરવામાં ઉતાવળ કરવી નહીં જોઈએ. ખરેખર સૌથી સારો રસ્તો તો એ છે કે પ્રસ્તુત વિધેયકને મુલતવી રાખવામાં આવે અને જ્યારે મતદારમંડળ પાસે