પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
હિંદ જતાં પહેલાંની મુલાકાત

“રાજનૈતિક દૃષ્ટિએ એ કોઈ ભારે પ્રભાવ પાડવા માગતી નથી. એનો હાલનો ઉદ્દેશ એટલી જ ખાતરી કરવાનો છે કે ૧૮૫૮ના ઢંઢેરામાં આપવામાં આવેલાં વચનો પાળવામાં આવે. હિંદીઓ હિંદમાં જે દરજ્જો ભોગવે છે તે જો તેઓ સંસ્થાનમાં ભોગવતા થાય તો કૉંગ્રેસ તેનો રાજનૈતિક ઉદ્દેશ પાર પાડી ચૂકી છે એમ ગણાશે. કોઈ બીજા પક્ષને દબાવી દેવાને માટેની રાજનૈતિક શક્તિ બનવાનો એનો હેતુ નથી.”

“સંસ્થાનમાં હિંદી મતદારોની સંખ્યા કેટલી છે?”

“મતદારયાદી ઉપર હિંદી મતદારોની સંખ્યા ૨૫૧ છે જયારે યુરોપિયનોની સંખ્યા ૯૩૦૯ છે. હિંદી મતદારોમાંના ૧૪૩ ડરબનમાં છે અને કૉંગ્રેસ સારામાં સારો પ્રયાસ કરે તો પણ તે ૨૦૦થી વધારે મતદારોનો ઉમેરો નહીં કરી શકે. મેં કહ્યું તેમ એની મહત્ત્વાકાંક્ષાનું લક્ષ્યબિંદુ યુરોપિયનો જોડે સમાન દરજજો મેળવવાનું છે અને તે અંગે લાયકાત બાબતમાં કોઈ પણ જોગવાઈ કરવી પડે તે સામે અમારો વાંધો નથી. જો મિલકત બાબતની લાયકાતનું ધોરણ ઊંચું ચડાવવામાં આવે તો તેની સાથે અમે ખુશીથી સંમત થઈશું. પરંતુ એ લાયકાતનું ધોરણ બધી કોમો માટે સમાન રહેવું જોઈએ.”

“તમારો ભાવિ કાર્યક્રમ શો રહેશે?”

“આજ પહેલાં હંમેશ રહ્યો છે તે જ રહેશે. કૉંગ્રેસ પહેલાંની માફક સંસ્થાનભરમાં, હિંદમાં અને ઇંગ્લંડમાં સાહિત્ય પ્રગટ કરીને અને વખતોવખત લોકો સામે આવતા કોઈ પણ હિંદી પ્રશ્નો વિષે અખબારોમાં લખીને હિંદી કોમની ફરિયાદોને બહાર લાવવાનું અને એના પ્રચાર માટે ફાળો ઉઘરાવવાનું ચાલુ રાખશે. આજ સુધી કૉંગ્રેસે પોતાની કોઈ સભાઓમાં અખબારોના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું નથી, પણ હવે પ્રસંગોપાત્ત તેમ કરવાનું તથા એના પ્રયાસો વિષે એમને માહિતી પૂરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. કૉંગ્રેસ પોતાની મીટિંગોમાં છાપાંવાળાઓને આમંત્રણ આપે તે પહેલાં પોતાના કાયમી અસ્તિત્વ એટલે સ્થિરતા વિષે ખાતરી કરી લેવા માગતી હતી. એક બાબતમાં જે ભૂલ થઈ છે તે હું સુધારવા માગું છું. મને અપાયેલા માનપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસના જુદા જુદા ઉદ્દેશો સફળ થયા છે. એ વાત બરાબર નહોતી. હજી તો એ વિચારણા નીચે છે. કૉંગ્રેસ તેમની સિદ્ધિ માટે દરેક કાનૂનમાન્ય સાધનો વડે પોતાનું કાર્ય ચાલુ રાખશે અને તે હિંદી કોમ માટેના કાનૂનોમાં રંગ અંગેનો ભેદભાવ દાખલ કરવાના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરશે. કારણ કે જો આ ભેદભાવ અહીં દાખલ થયો તો તેનો ઉપયોગ બીજાં સંસ્થાનોમાં અને દુનિયાના બીજા ભાગોમાં પણ થવાનો સંભવ રહે છે,”

[મૂળ અંગ્રેજી]

धि नाताल एडवर्टाइझर, ૫-૬-૧૮૯૬