પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૮૪. હિંદીઓનો મેળાવડો

[ગાંધીજી હિંદ જવા નીકળ્યા તેના એક દિવસ પહેલાં ૧૮૯૬ના જૂનની ૪થી તારીખે, બીજી કોમો સાથે ડરબનના તામિલ અને ગુજરાતી હિંદીઓ, ઈન્ડિયન કૉંગ્રેસના સભાગૃહમાં નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના માનદ મંત્રી તરીકેની તેમની સેવાઓની કદર કરવા માટે ભેગા મળ્યા હતા. હાજર રહેલાંઓની સંખ્યા મોટી હતી અને વાતાવરણ ઘણું જ ઉત્સાહભર્યું હતું. પ્રમુખ સ્થાને શ્રી દાદા અબદુલ્લા બિરાજયા હતા અને શ્રોતાઓના તામિલ વર્ગ માટે શ્રી લૉરેન્સે દુભાષિયાની ફરજ બજાવી હતી. આ સભાનો नाताल एड्वर्टाईझरમાંથી ઉતારેલો હેવાલ નીચે મુજબ છે:]

જુન ૪, ૧૮૯૬


માનપત્ર આપવાનો વિધિ થઈ ગયા બાદ શ્રી ગાંધી આ સદ્દભાવ બદલ આભાર માનતાં બોલ્યા કે આ પ્રસંગથી એ વાત સ્પષ્ટ થઈ છે કે નાતાલમાંના હિંદીઓ ગમે તે જ્ઞાતિના હોય પણ તેઓ બધા એકતાના મજબૂત બંધન વડે બંધાવા માગતા હતા. કૉંગ્રેસના ઉદ્દેશો બાબતમાં તેઓ એવું નહોતા માનતા કે કોઈ પણ મતભેદને સ્થાન હોય. જો એવું હોત તો જે રીતે તેઓ એના મંત્રીને માનપત્ર આપવા ભેગા મળ્યા છે તે રીતે ભેગા મળત જ નહીં. જો એમનું આ અનુમાન સાચું હોય તો તેમણે પેલે દિવસે સાંજે[૧]કૉંગ્રેસની સભાઓમાં મદ્રાસી હિંદીઓની હાજરી બાબતમાં આગ્રહ કરતી જે વિનંતી કરી હતી તેનું અહીં તેઓ પુનરાવર્તન કરવા માગતા હતા. અત્યાર સુધી આ હાજરી સંતોષકારક રહી નહોતી, પણ તેમને આશા હતી કે હવે તેઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. તામિલ ભાષામાં નહીં બોલી શકવા બદલ તેમણે દિલગીરી જાહેર કરી. પરંતુ એમને ખાતરી હતી કે મદ્રાસી હિંદીઓના અલગ રહેવા બાબતમાં એઓ જે કાંઈ બોલ્યા હતા તેને એમની અથવા હિંદી કોમના બીજા કોઈ વર્ગની નિંદા તરીકે નહીં ગણી લેવામાં આવે. તેમણે કહ્યું કે કૉંગ્રેસના ઉદ્દેશો કયા છે એની સૌને માહિતી છે. માત્ર વાતોથી આ ઉદ્દેશો સિદ્ધ થઈ શકવાના નહોતા એટલે તેમણે તેમને શબ્દો વડે નહીં પણ કાર્યો વડે તેનાં સામાન્ય ધ્યેયોમાં રસ બતાવવા વિનંતી કરી. તેઓ ખાસ કરીને તેમના શ્રોતાઓના મન ઉપર એ વાત ઠસાવવા માગતા હતા કે તેમણે મેરિત્સબર્ગ, લેડીસ્મિથ અને બીજાં સ્થળો જ્યાં દરેક વર્ગના હિંદીઓ વસેલા હતા અને જેમને હજી કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ મળ્યું નહોતું, ત્યાં પોતાનામાંથી પ્રતિનિધિઓને મોકલી આપવા અને તેમને સભ્યો બનાવવાનો પ્રયાસ કરવો.

[ મૂળ અંગ્રેજી]


धि नाताल एडवर्टाईझर, ૫-૬-૧૮૯૬



  1. ૧. જુનની ૨જી તારીખની એક આગલી સભાની આ વાત છે. એ સભામાં નાતાલ ઈન્ડિયન કોંગ્રેસતરફથી એમને માનપત્ર અપાયું હતું. પરંતુ આ સભાને હેવાલ અગર એમનું ભાષણ મળી શકતું નથી.