પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તારીખવાર વૃત્તાંત
(૧૮૬૯-૧૮૯૬ )

(આ વૃત્તાંતમાં ગાંધીજીના જીવનની ટૂંકી પશ્ચાદ્ભૂમિકા અને એ ગાળાની એમની કેટલીક વધારે મહત્ત્વની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.)

૧૮૬૯

ઓકટોબર ૨ : પોરબંદરમાં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ

૧૮૭૬

૧૨ વર્ષની ઉંમર સુધી રાજકોટની પ્રાથમિક શાળામાં શિક્ષણ
કસ્તૂરબાઈ સાથે સગાઈ

૧૮૮૧

આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રવેશ.
કસ્તૂરબાઈ સાથે લગ્ન.

૧૮૮૪-૮૫

માંસાહારનો અખતરો કર્યો, પણ વડીલોને છેતરવાનું ટાળવા માટે તે છોડી દીધો.
ત્રેસઠ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ.

૧૮૮૭

નવેમ્બર : મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને ભાવનગરની સામળદાસ કૉલેજમાં દાખલ થયા.

૧૮૮૮

એપ્રિલ-મેઃ અભ્યાસમાં પોતાની જાતમાં વિશ્વાસની ખામી જણાતાં ઇંગ્લંડ જઈ કાયદાનો અભ્યાસ કરવાની સલાહ મળી; માંસ, દારૂ અને સ્ત્રીઓથી દૂર રહેવાનું વચન આપીને મા પાસેથી જવામાં સંમતિ મેળવી. ઑગસ્ટ ૧૦ : રાજકોટથી મુંબઈ ગયા, જયાં જ્ઞાતિભાઈઓની સભાએ પરદેશ જતાં રોકવા પ્રયત્ન કર્યો. સપ્ટેમ્બર ૪: વિદેશ જઈ અભ્યાસ કરવા સામે જ્ઞાતિના વડીલોનો સખત વિરોધ છતાં ઇંગ્લંડ જવા રવાના. ઑક્ટોબર ૨૮ : લંડન પહોંચ્યા. નવેમ્બર ૬ : ઈનર ટેમ્પલમાં કાયદાના અભ્યાસ માટે દાખલ થયા.

૧૮૮૮

શાકાહારી હોવાને કારણે પેદા થતી સામાજિક ઊણપોનો બદલો વાળવા માટે એક “ફક્કડ અંગ્રેજ ગૃહસ્થ” બનવા નિશ્વય કરીને વકતૃત્વકળા, ફ્રેંચ ભાષા, નૃત્ય અને પશ્ચિમી સંગીત શીખવાનું શરૂ કર્યું. પણ થોડા જ વખતમાં નિર્ણય ફેરવીને એ શીખવાનું બંધ કર્યું.

સપ્ટેમ્બર : મહિનાની આખરે લંડનની મહાન ગોદી હડતાળનો અંત લાવવામાં ફાળો આપવા બદલ અભિનંદન આપવા કાર્ડિનલ મેનિંગની મુલાકાત લીધી.
પેરિસના પ્રદર્શનની મુલાકાત લીધી (મે અને ઑકટોબર વચ્ચે કોઈ સમયે).