પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
તારીખવાર વૃત્તાંત


પ્રિટોરિયામાં પહેલા અઠવાડિયા દરમિયાન શેઠ તૈયબ હાજી ખાનને મળ્યા. અને ટ્રાંસવાલમાંના હિંદીઓની હાલત વિષે હિંદી મેમણ વેપારીઓની સભા આગળ ભાષણ આપ્યું. હિંદી વસાહતીઓની ફરિયાદોનો ઉકેલ શોધવા માટે એક મંડળ સ્થાપવા સૂચના કરી અને તેમાં મદદ કરવા ખુશી બતાવી. પ્રિટોરિયાના વસવાટને લઈને એમને ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટમાંની હિંદીઓની સામાજિક, આર્થિક અને રાજદ્વારી હાલતનું ઊંડું જ્ઞાન મળ્યું.

જ્યારે એમને પ્રેસિડંટ ક્રૂગરના ઘર નજીકના ફૂટપાથ ઉપરથી લાત મારીને ફેંકી દેવામાં આવ્યા ત્યારે હિંદીઓને ફૂટપાથનો ઉપયોગ કરતાં રોકનારા નિયમનનો તેમને અનુભવ થયો, પણ દબાણ છતાં ગોરા હુમલાખોર ઉપર કેસ માંડવા એટલા કારણસર ના પાડી કે પોતાની અંગત ફરિયાદો માટે તેઓ કોર્ટનો આશરો લેવા માગતા નહોતા.

ઑગસ્ટ ૨૨-સપ્ટેમ્બર ૨ : પ્રાણપોષક આહારના અખતરા ચલાવ્યા. આ સમય દરમિયાનના મિ. કોટ્સ અને બીજા ખ્રિસ્તી મિત્રોના સતત સંપર્કને લઈને ખ્રિસ્તી ધર્મ વિષેનાં પુસ્તકોનો અભ્યાસ કરવા તથા એમની જોડે ચર્ચા કરવા એમને ઉત્તેજન મળ્યું, પરંતુ બાઇબલ અને ખ્રિસ્તી ધર્મ વિષેની તેમણે કરેલી વ્યાખ્યા સ્વીકારવાનું તેમને મુશ્કેલ લાગ્યું.

૧૮૯૪

એપ્રિલ : એમના અસીલ દાદા અબદુલ્લાનો કેસ તૈયાર કરતાં સમજાયું કે વકીલાતના કામમાં સાચી બીનાઓ અથવા સત્યનું મહત્ત્વ સર્વોપરી છે. કોરટબાજીની મૂર્ખાઈ વિષે ખાતરી થતાં ઝઘડાનો તડજોડ કરીને નિકાલ આણ્યો. તેમન ધંધાકીય રોકાણ પૂરું થતાં ડરબન પાછા ફર્યા. વિદાય સમારંભ વખતે नाताल मर्क्युरीમાં નજીકના ભવિષ્યમાં આવનારા મતાધિકારથી વંચિત કરનારા કાનૂન વિષેની જાહેરાત જોઈ અને હાજર રહેલા હિંદી વેપારીઓને એનો સામનો કરવા આગ્રહ કર્યો. તેમની લડતની દોરવણી આપવા તેમણે એમને એક મહિનો વધુ રહી જવા સમજાવ્યા. આ એક ભાવિ ઘડનારો નિર્ણય હતો – આ ગાળામાં ધાર્મિક પુસ્તકોના ગંભીર અભ્યાસ પાછળ મંડયા, ટૉલ્સ્ટૉયના धि किंग्डम ऑफ गॉड ईस विधिन यु (વૈકુંઠ તારા હૃદયમાં છે) પુસ્તકે એમના ઉપર ભારે પ્રભાવ પાડયો, ઇંગ્લંડમાંના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર કર્યો. રાયચંદભાઈ જેવા હિંદના ધાર્મિક વિચારકોને પણ લખ્યું, હિંદુ ધર્મ વિષેના સવાલોના એમના જવાબોએ તેમની શ્રદ્ધા દૃઢ બનાવી.

મે ૨૨(?): આગેવાન હિંદી વેપારીઓની એક સભાએ ભેદભાવ કરનારા કાનૂનો સામે આંદોલન ઉપાડવા કમિટી બનાવી.

જૂન ૨૭: હિંદીઓની અરજી રજૂ કરવામાં આવે ત્યાં સુધી મતાધિકાર કાનૂન સુધાર વિધેયકની વિચારણા મુલતવી રાખવાની વિનંતી કરતા તારો નાતાલ વિધાનસભાના અધ્યક્ષ, વડા પ્રધાન રૉબિન્સન અને ઍટર્ની જનરલ એસ્કમ્બને મોકલ્યા. વિધેયક ઉપરની ચર્ચા બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી.

જૂન ૨૮ : વિધેયકનો વિરોધ કરતી અને તપાસ કમિશન નીમવા વિનંતી કરતી ૫૦૦ હિંદીઓની સહીની અરજી વિધાનસભાને રજૂ કરી.

જૂન ૨૯: વડા પ્રધાનની ડેપ્યુટેશન સાથે મુલાકાત લીધી, અને એમને વિનંતી કરી કે હિંદીઓની ફરિયાદ વધારે ઝીણવટથી રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે.

જુલાઈ ૧ : ફિલ્ડ સ્ટ્રીટમાંની હિંદીઓની સભામાં હાજરી આપી અને તેમાં ભાષણ આપ્યું.