પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
ગાંધીજીનો અક્ષરદેહ

જુલાઈ ૩ : નાતાલના ગવર્નર પાસે પોતાની આગેવાની નીચે એક ડેપ્યુટેશન લઈને ગયા અને વિધાનસભામાં ત્રીજા વાચનમાંથી પસાર થયેલા મતાધિકાર વિધેયકને મંજૂરી નહીં આપવા વિનંતી કરી.

જુલાઈ ૫: દાદાભાઈ નવરોજી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. એમાં એમને એવી વિનંતી કરી કે તેઓ દક્ષિણ આફ્રિકાના હિંદીઓ તરફથી ઈંગ્લંડમાં વચ્ચે પડીને મદદ કરે.

જુલાઈ ૬ : હિંદીઓએ વિધાનપરિષદ આગળ મતાધિકાર વિધેયકનો અસ્વીકાર કરવાને દબાણ કરતી બીજી અરજી રજૂ કરી.

જુલાઈ ૭: મતાધિકાર વિધેયક વિધાનપરિષદમાં ત્રીજા વાચનમાંથી પસાર થયું.

જુલાઈ ૧૦: ગવર્નરને એવી વિનંતી કરતી અરજી કરી કે સમ્રાજ્ઞી ઉપરની હિંદીઓની અરજી પહોંચે ત્યાં સુધી શાહી સરકારને સમ્રાજ્ઞીની સંમતિ માટે વિધેયક મોકલવાનું મુલતવી રાખવામાં આવે.

જુલાઈ ૧૭ : સંસ્થાન મંત્રી લૉર્ડ રિપનના નામની ૧૦,૦૦૦ હિંદીઓની સહીવાળી એક લાંબી સામુદાયિક અરજી નાતાલના ગવર્નરને આપવામાં આવી. જાહેર કાર્ય ચાલુ રાખવા માટે નાતાલમાં સ્થિર થઈને રહી ગયા.

ઓગસ્ટ ૨૨ : ભેદભાવભર્યા કાનૂનો સામે એકધારું આંદોલન ચલાવવા માટે નાતાલ હિંદી કૉંગ્રેસની સ્થાપના. એના પ્રથમ મંત્રી થયા. સંસ્થાનમાં જન્મેલા હિંદીઓના મંડળ (કોલોનિયલ બૉર્ન ઇન્ડિયન્સ ઍસોસિયેશન)ની સ્થાપના પણ કરી.

સપ્ટેમ્બર ૩ : નાતાલ વકીલ મંડળ (નાતાલ લૉ સોસાયટી)ના વિરોધ છતાં સર્વોચ્ચ અદાલતે નાતાલની અદાલતોમાં વકીલાત કરવાની પરવાનગી આપી.
અદાલતમાં પાઘડી ઉતારવાનું કહેવામાં આવતાં અદાલતના રિવાજ સાથે સંમત થવા માટે તથા “વધારે મોટી લડતો લડવા” માટે પોતાની શક્તિનો સંચય કરવા તેનું પાલન કર્યું.

સપ્ટેમ્બર ૧૯ : દક્ષિણ આફ્રિકામાં ઘણુંખરું એમના પહેલા જ એવા ગોપી મહારાજના કેસમાં ઊભા રહ્યા અને જીત્યા. પણ વકીલાતની કારકિર્દીને જાહેર કાર્યથી ઊતરતે સ્થાને મૂકી દીધી.

નવેમ્બર ૨૬ : ગૂઢવાદી ખ્રિસ્તી વિચારધારા (એસોટરિક ક્રિશ્ચિયાનિટી)નું સાહિત્ય વેચવાના એજન્ટ બનીને તેમાં એમનો રસ વધી રહ્યો છે એવું દર્શાવ્યું.

ડિસેમ્બર (૧૯મી પહેલાં): નાતાલની વિધાનસભાના સભ્યોને દસ્તાવેજી પુરાવા સાથેનો ખુલ્લો પત્ર મોકલ્યો.

ડિસેમ્બર ૧૯: નાતાલના યુરોપિયનો જોગ એવો એક વિનંતીપત્ર મોકલ્યો કે તેમણે હિંદી વસાહતીઓના પ્રશ્નનો તરફ સહાનુભૂતિભર્યું વલણ રાખવું.

૧૮૯૫

એપ્રિલ: ડરબન નજીકના ટ્રેપિસ્ટ મઠની મુલાકાત લીધી, જ્યાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી ચાલતા શાકાહારના રિવાજે એમને ખૂબ જ પ્રભાવિત કર્યા.

એપ્રિલ ૬ : હિંદી તડ-જોડ (ઇન્ડિયન આરબિટ્રેશન)ના મામલામાં અસંતોષકારક ચુકાદા વિરુદ્ધ બ્રિટિશ હિંદી વેપારીઓની કમિટી મારફતે હાઈ કમિશનરને અરજી કરી.

મે (૫મી પહેલાં): હિંદી વસાહતી વિધેયકમાંની ગિરમીટની નવી શરતો કરવા બાબતની કલમો વિરુદ્ધ નાતાલ વિધાનસભાને અપીલ કરી