પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
ગાંધીજીનો અક્ષરદેહ

હાઈ કમિશનરની આજુબાજુ જ દક્ષિણ આફ્રિકાનું રાજકારણ કેન્દ્રિત થયેલું હતું, તે કેપટાઉન હવે સંઘરાજ્યની સંસદની બેઠકનું સ્થળ બની ગયું.

નાતાલ

નાતાલે ૧૮૯૩માં જવાબદાર રાજયતંત્રનો અધિકાર મેળવ્યો. વિધાનપરિષદે પસાર કરેલા અને બ્રિટિશ શાહી સરકારે મંજૂર કરેલા વિધેયકમાં જે બે ગૃહોવાળાં વિધાનમંડળની જોગવાઈ કરવામાં આવી હતી તે છે : દસ વર્ષ માટે નિમાયેલા ૧૧ નિયુક્ત સભ્યોવાળી વિધાનપરિષદ અને ૩૭ ચૂંટાયેલા સભ્યોની ચાર વર્ષની મુદત માટેની વિધાનસભા. ગવર્નર અને મંત્રીમંડળ મળીને રાજ્યની કારોબારી બનતી હતી. મતાધિકારના પ્રશ્નન અંગે જોઈએ તો, ૧૮૯૬માં મતાધિકાર હરણ કાનૂન (ડિસએન્ફ્રેંચાઇઝમેન્ટ ઍકટ ) જેની એશિયાઈઓ ઉપર અસર થતી હતી તે અને વસાહતી કાનૂન (ઇમિગ્રેશન ઍકટ) જેનાથી સંસ્થાનમાં સ્વતંત્ર હિંદીઓના પ્રવેશ ઉપર લગભગ પ્રતિબંધ મુકાઈ જતો હતો તે બંને પસાર કરાવવાની જવાબદારી નાતાલના પ્રથમ મુખ્યમંત્રી સર જૉન રૉબિન્સનની હતી. ૧૯૦૬માં કેટલાક દેશી લોકોને ફાંસીએ ચઢાવવાના નાતાલની સરકારના હુકમને જ્યારે બ્રિટિશ સરકારે સ્થગિત કર્યો ત્યારે બંધારણીય કટોકટી ઊભી થઈ. આના વિરોધમાં નાતાલ સરકારે રાજીનામું આપી દીધું. પણ જ્યારે સંસ્થાનોના મંત્રીએ એવી ખાતરી આપી કે સમ્રાજ્ઞીની સરકારનો હેતુ એક જવાબદાર સાંસ્થાનિક શાસનમાં દખલ કરવાનો નથી ત્યારે પાછળથી તેણે કારભાર હાથમાં લીધો.

ધિ ઑરેન્જ રીવર સંસ્થાન

સન ૧૮૯૦ સધી ઑરેન્જ રીવર સંસ્થાને પોતાનો રાજ્યકારભાર રસ્ટેનબર્ગ ગ્રોન્ડવેટ અથવા ૧૮૫૮–'૬૦ના બંધારણના પાયા ઉપર કર્યો. એમાં એક ચૂંટાયેલા પ્રમુખ અને એક કારોબારી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી હતી. આ કારોબારી કાઉન્સિલના થોડા સભ્યો પ્રમુખે અને થોડા પુખ્ત ઉંમરના નાગરિકોના મતથી ચૂંટાયેલી લોકસભાએ નિયુક્ત કરેલા હોય છે. લશ્કરનો સરસેનાપતિ કાઉન્સિલનો મહત્ત્વનો સભ્ય હતો. લોકોની સાર્વભૌમ સત્તાને પ્રસ્થાપિત કરનારા બંધારણમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ ધર્મ અંગે કે રાજ્ય કારોબાર અંગે બિનગોરા અને ગોરા લોકો વચ્ચે સમાનતા રહે એવું ઇચ્છતા નહોતા. બ્લૂમફોન્ટીનની સંધિએ ૧૮૯૭માં અને તે પછીનાં બે વર્ષ દરમિયાન ટ્રાન્સવાલ અને ઑરેન્જ રીવર સંસ્થાન વચ્ચે વધારે નિકટના સંબંધો ઊભા કર્યા, બંને દેશોના પ્રતિનિધિઓની બનેલી સંયુક્ત કાઉન્સિલ બ્લૂમફોન્ટીન અને પ્રિટોરિયામાં મળતી, અને સંઘરાજ્યનો આદર્શ નજર સમક્ષ રહે એ રીતે એમાં કેળવણી, ન્યાયતંત્ર, દેશી વસ્તીની વ્યવસ્થા વગેરે બાબતોમાં વધારે એકરૂપતા લાવવાની જોગવાઈ કરવામાં આવી.

બોઅરયુદ્ધ ખતમ થતાં, જ્યારે સંસ્થાન બ્રિટિશ હકૂમત નીચે આવ્યું ત્યારે તેનો કબજો લશ્કરી શાસને લીધો પણ વીરીનીઝીંગની સંધિથી એનો અંત આવ્યો. આ સંધિથી ૧૯૦૨માં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય અમલદારોની એક કારોબારી કાઉન્સિલ રચવામાં આવી, ૧૯૦૩માં સ્થાનિક હિતોનું પ્રતિનિધિત્વ ધરાવતા નિયુક્ત થયેલા બિનસરકારી સભ્યોની લઘુમતીવાળી વિધાન પરિષદની રચના કરવામાં આવી, પાછળથી એક આંતર-સાંસ્થાનિક કાઉન્સિલની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ બંને પ્રજાસત્તાક રાજ્યોનાં સામાન્ય હિતોની બાબતોનો વહીવટ કરવાનો હતો. એના ઉપર ૧૪ સરકારી અને ૪ નિયુક્ત થયેલા બિનસરકારી સભ્યો રાખવામાં આવ્યા હતા.