પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૬. લૉર્ડ એલ્જિનને અરજી
[ડરબન,


ઑગસ્ટ ૧૧, ૧૮૯૫]


નામદાર ધિ રાઈટ ઑનરેબલ
લૉર્ડ એલ્જિન, હિંદના વાઈસરૉય અને ગવર્નર જનરલ
અને કાઉન્સિલના સભ્યો જોગ,
કલકત્તા

નાતાલ સંસ્થાનના નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે :

તમારા અરજદારો જેઓ સમ્રાજ્ઞીના હિંદી પ્રજાજનો છે, તમો નામદારનું ધ્યાન સમ્રાજ્ઞીની સરકારને મોકલેલી નમ્ર અરજી[૧] તરફ ખેંચવાની ઇજાજત લે છે. એ અરજી નાતાલની લેજિસ્લેટિવ ઍસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલે તાજેતરમાં પસાર કરેલા ઈન્ડિયન ઇમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલની અમુક કલમો બાબતમાં હતી જે થોડે અંશે તમો નામદારના, નામદાર નાતાલના ગવર્નર ઉપરના એ બાબતના ખરીતાને આધારે ઘડાઈ હતી, જેની એક નકલ આ સાથે જોડવામાં આવી છે.

તમો નામદારનું ધ્યાન ઉપરની અરજી તરફ ખેંચવા ઉપરાંત તમારા અરજદારો આ બિલ વિષે સાદર નીચે મુજબ જણાવવાની રજા માગે છે :

તમો નામદારના અરજદારોને ખેદ સાથે એ વાતની જાણ થઈ છે કે તમો નામદાર ફરજિયાત રીતે ફરીથી કરાર કરવાની અથવા ફરજિયાત પાછા ફરવાની વાતના સિદ્ધાંતને મંજૂર કરવાનું વલણ ધરાવો છો.

તમારા અરજદારોને એ વાતનો પણ ખેદ થાય છે કે જયારે કમિશનના સભ્યો [૨] હિંદુસ્તાન જવા નીકળ્યા ત્યારે તેમણે તેમની સાથે કોઈ અરજી મોકલી નહોતી. આવો રસ્તો લેવામાં કયાં કારણો વચમાં આવ્યાં હતાં તેની ચર્ચા કરવાનું નિરર્થક જ ગણાશે. આમ છતાં તમારા અરજદારો વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે કોઈ સંજોગમાં બિલ કાનૂન બને તો તેનાથી જે અન્યાય અમારા ઉપર ઝીંકાશે તે એવડો મોટો હશે કે તેને રોકવામાં ઉપરની અમારી ભૂલ વચમાં આવશે નહીં.

તમારા અરજદારો વધારેમાં વધારે આદર સાથે એ વાત બતાવી આપવાને હિંમત કરે છે કે જો ફરજિયાત પાછા ફરવાની શરતનો ભંગ કરવા સામે ફોજદારી કાનૂનનો અમલ થઈ શકતો ન હોય તો પછી મજૂરીના કરારોમાં આવી કલમ દાખલ કરવાનું ખરેખર નુકસાનકારક નહીં હોય તોપણ તદ્દન નકામું છે. કારણ કે એમાંથી એ કરાર કરનાર પક્ષને પોતાના કરારનો ભંગ કરવાને ઉત્તેજન મળશે અને એવા ભંગ તરફ કાનૂન બેધ્યાન રહેશે. અને આવી ભારે સાવચેતી પહેલેથી જ કરારમાં રહેલા અન્યાયનું અસ્તિત્વ કલ્પી લેતી હોવાને કારણે તમારા અરજદારો


  1. ૧. જુએા પા. ૧૬૫.
  2. ૨ જુએા પા. ૧૬૬.