પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
દક્ષિણ આફ્રિકાના રાજબંધારણનું માળખું

જે સંઘ લોકસભાના જેવા જ મતાધિકારથી ચૂંટવામાં આવતી હતી અને એની મુદત ત્રણ વર્ષની હતી.

શાસનાધિકારીને બે જાતની ફરજ બજાવવાની હતી. કારોબારી કમિટીના પ્રમુખ તરીકે તે એની કાર્યવાહીમાં ભાગ લેતા હતા. તે નાણાકીય ફાળવણીની ભલામણ કરી શકતા પરંતુ તેના ઉપર મતદાન નહોતા કરતા, સંઘસરકારના પ્રતિનિધિ તરીકે તેઓ પ્રાંતીય કાઉન્સિલોના કાર્યક્ષેત્રની બહારની બાબતોનો વહીવટ કરતા.

કારોબારી કમિટીઓને બાકી રહી ગયેલા અધિકારો આપવામાં આવ્યા હતા. પ્રાંતીય કાઉન્સિલોમાં વિધાનગૃહોનાં બધાં જ લક્ષણોનો સમાવેશ થતો હતો. એમાં કાઉન્સિલ સમેત ગવર્નર જનરલની મંજૂરીની અપેક્ષાએ, સંસદના કાનૂનોનો વિરોધી નહીં હોય એવો, ચોક્કસ બાબતો અંગે ઑર્ડિનન્સ કાઢવાનો પણ સમાવેશ થતો હતો. એમના અધિકારની બાબતોમાં કેળવણી (ઉચ્ચ સિવાયની) હૉસ્પિટલો, મ્યુનિસિપલ સંસ્થાઓ, અને રેલવે સિવાયનાં સ્થાનિક બાંધકામોનો સમાવેશ થતો હતો. સંસદીય (પાર્લમેન્ટરી) અને મ્યુનિસિપલ સંસ્થાઓનું આ અદ્વિતીય સંયોજન એ સંધસરકારની સત્તાને નબળી પાડયા સિવાય જૂથ રાજ્યની ભાવનાને અપાયેલી છૂટછાટ છે. સંધરાજયની સંસદના હાથમાં ચાહે તે ફેરફાર કરવાની સત્તા હતી.

દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)નો અપીલેટ વિભાગ- બ્લૂમફોન્ટીનમાં હતો અને તેને શાખાઓ તરીકે પ્રાંતીય વિભાગો હતા. સર્વોચ્ચ અદાલતને પ્રાંતીય ઑર્ડિનન્સોનું કાયદેસરપણું નક્કી કરવાની સત્તા હતી.

પ્રાંતીય ખર્ચના ૪૦ ટકા જેટલી આવક પ્રાંતીય કરોમાંથી મેળવી શકાતી હતી. બાકીની રકમ કેન્દ્રીય આવકમાંથી મદદરૂપે અપાતી હતી. પ્રાંતો વચ્ચેના નાણાકીય સંબંધનું નિયમન ૧૯૧૩ના નાણાંકીય સંબંધ કાનૂન (ફાઇનાન્સિયલ રિલેશન્સ ઍકટ) વડે થતું હતું.