પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૩
નોંધો

કેપટાઉન: દક્ષિણ આફ્રિકાનું “માતૃશહેર”. કેપ પ્રાંતનું મુખ્ય શહેર અને સંઘરાજ્યના વિધાનમંડળનું કેન્દ્ર સ્થળ.

કૅમ્પબેલ, હેન્રી : ટ્રાન્સવાલમાંના બ્રિટિશ હિન્દી વેપારીઓ માટેના વકીલ અને મુખ્ય એજન્ટ; તેમના તરફથી અરજીઓ ઘડવાનું તથા રજૂ કરવાનું કામ કરતા.

कॉनिकन पाश्चाले: આદમથી સને ૬૨૯ સુધીની ટૂંકી તવારીખ.. એ સાતમી સદીમાં સંપાદિત કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે.

ગની અબદુલ: ટ્રાન્સવાલના સૌથી જૂના રહેવાસીઓમાંના એક, જોહાનિસબર્ગની મહમદ કાસમ કમરુદ્દીનની પેઢીના મૅનેજર અને ભાગીદાર, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના પ્રથમ ઓળખીતાઓમાંના એક (૧૯૦૩માં સ્થપાયેલા) ટ્રાન્સવાલ બ્રિટિશ હિન્દી સંઘના પ્રમુખ.

ચાર્લ્સટાઉન: નાતાલની સરહદના અંદરના ભાગમાં ડરબનથી ૩૧૮ માઈલને અંતરે આવેલું શહેર.

ચેમ્બરલેન, જૉસેફ (૧૮૩૬-૧૯૧૪) : બ્રિટનના સંસ્થાન મંત્રી. ૧૯૦૨માં દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી. એમની આઠ વર્ષની કારકિર્દી દરમિયાન ક્રૂગર સાથેની વાટાઘાટ તૂટી પડી, પરિણામે બોઅર યુદ્ધ થયું અને વીરીનીઝીંગની સંધિ થઈ. લૉર્ડ મિલનર સાથે ટ્રાન્સવાલ અને નાતાલની યુદ્ધોત્તર પુનર્રચનામાં મદદ કરી. ૧૯૦૩માં રાજીનામું અાપ્યું.

જર્મિસ્ટન : ટ્રાન્સવાલનું મુખ્ય રેલવે સ્ટેશન.

જૂનાગઢ : પહેલાંનું સૌરાષ્ટ્રનું એક દેશી રાજ્ય, હાલમાં ગુજરાત રાજ્યમાં ભેળવી દેવાયું છે.

જેતપુર : સૌરાષ્ટ્રમાં આવેલું રેલવે સ્ટેશન અને શહેર.

જોહાનિસબર્ગ: વિટવોટર્સરેન્ડ પ્રદેશનું શહેર, ટ્રાન્સવાલનું સૌથી સમૃદ્ધ સોનાની ખાણોનું ક્ષેત્ર.

ટયુટોનિક માર્ક : ઉત્તર યુરોપના લોકોમાં પ્રચલિત એક જૂના સ્વરૂપનું મંડળ. એકમેક સાથે સગાઈના સંબંધથી જોડાયેલા, સાથે મળીને પોતાની જમીન ખેડતા અને પોતાના જ મંડળમાં ન્યાય ચૂકવવાનું કામ કરતા લોકોનો એક સમાજ.

ડરબન : નાતાલનું બંદર, વેપારી મુખ્ય શહેર અંને 'પ્રવેશદ્રાર', જોહાનિસબર્ગથી ૪૯૪ માઈલ દૂર.

ડૅડી : ડરબનથી આશરે ૨૫૦ માઈલ દૂર આવેલું નાનું શહેર.

ડેલાગોઆ બે : ડરબનની ઉત્તરે ૨૯૬ માઈલને અંતરે આવેલું બંદર અને વેપારી મથક;” પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાનું મુખ્ય શહેર; એ લૉરેન્સો માર્કિસ નામે પણ ઓળખાય છે.

તૈયબજી, બદરુદ્દીન (૧૮૪૪-૧૯૦૬) : મુંબઈ પ્રેસિડન્સી એસોસિયેશન સાથે જીવંતપણે સંકળા યેલા અને તેના સાચા અર્થમાં પ્રમુખ, મદ્રાસના કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા (૧૮૮૭). મુંબઈની હાઈકોર્ટના જજ (૧૮૯૫). દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પ્રત્યેના ગેરવર્તાવ સામે વિરોધ દર્શાવતા અાંદોલનનું મજબૂતીથી સમર્થન કર્યું. ૧૮૮૨માં મુંબઈની વિધાનપરિષદ ઉપર નિયુક્ત થયા. મ્યુનિસિપલ મતાધિકાર માટેનો કાનૂન રજૂ કરવામાં સહાયભૂત.

દાદા, હાજી મહમદ હાજી : હિંદી કોમનાં આગળ પડતા વેપારી અને આગેવાન. ૧૮૯૩માં એમણે મતાધિકાર વિધેયકનો સામનો કરવાનો વિચાર કરવા મળેલી કોમની પહેલી સભાનું પ્રમુખસ્થાન સંભાળ્યું. ૧૮૯૫-૯૯ સુધી નાતાલ હિંદી કૉંગ્રેસના ઉપ-પ્રમુખ.

ધંધુકા : કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)નું એક નાનું શહેર.

ધોળા : કાઠિયાવાડમાંનું રેલવે જંકશન,